20 November, 2024 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિલે પાર્લે (ઈસ્ટ)ના પોતાના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતા વિનોદ તાવડે. (તસવીર : અતુલ કાંબળે)
નાલાસોપારામાં BJPના નેતા વિનોદ તાવડે પાંચ કરોડ રૂપિયા વહેંચ્યા એવા આરોપને પગલે પાંચ કલાકનો ડ્રામા : હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજે કાર્યકરો સાથે હોટેલમાં પહોંચીને ધમાલ મચાવી ઃ વિનોદ તાવડેએ હિતેન્દ્ર ઠાકુરને હોટેલમાં બોલાવ્યા એ પછી મામલો થાળે પડ્યો : ત્રણ FIR નોંધાયા
વિનોદ તાવડેની ટિપ BJPના નેતાએ જ આપી?
વિનોદ તાવડે વિશે BJPના જ એક નેતાએ ટિપ આપી હોવાનો દાવો BVAના ક્ષિતિજ ઠાકુરે કર્યો હતો, પણ વિનોદ તાવડેએ એ વાતને રદિયો આપ્યો હતો
વિનોદ તાવડે કહે છે કે આ આરોપ પાયાવિહોણા છે
હિતેન્દ્ર ઠાકુર કહે છે કે બે ડાયરી મળી છે જેમાં બધું લખ્યું છે
ગઈ કાલે નાલાસોપારાની હોટેલ વિવાંતામાં ધમાલ મચાવતા ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકરો તથા ત્યાર બાદ હિતેન્દ્ર ઠાકુર સાથે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કરતા વિનોદ તાવડે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન છે ત્યારે ગઈ કાલે નાલાસોપારા-ઈસ્ટમાં આવેલી વિવાંતા હોટેલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે પાંચ કરોડ રૂપિયા વહેંચી રહ્યા હોવાનો આરોપ કરીને બહુજન વિકાસ આઘાડી (BVA)ના નાલાસોપારા બેઠકના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર તેમના કાર્યકરો સાથે હોટેલ પહોંચ્યા હતા. તેમણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે હોટેલની તપાસ કરતાં એક રૂમમાંથી ૯.૫૩ લાખ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. એ દરમ્યાન BVA અને BJPના કાર્યકરો સામસામે આવી જતાં મામલો બીચક્યો હતો. વિનોદ તાવડેએ હિતેન્દ્ર ઠાકુરને ફોન કરીને બોલાવતાં તેઓ વિવાંતા હોટેલ પહોંચ્યા એ પછી વિનોદ તાવડે અને હિતેન્દ્ર ઠાકુરે સાથે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. જોકે મતદાનને ૨૪ કલાકનો સમય બાકી હતો એટલે પ્રેસ-કૉન્ફરન્સ કરવાથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહીને પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ અટકાવી દીધી હતી. BVAના કાર્યકરોએ વિનોદ તાવડેની કારની હવા કાઢી નાખી હતી એટલે બાદમાં તેઓ હિતેન્દ્ર ઠાકુરની કારમાં હોટેલમાંથી નીકળ્યા હતા. આ ડ્રામા પાંચ કલાક ચાલ્યો હતો. પોલીસને કૅશ મળવા ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થવાથી વિનોદ તાવડે, હિતેન્દ્ર ઠાકુર અને બન્ને પક્ષના કાર્યકરો સામે ત્રણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયા હતા. ચૂંટણીપંચે વિનોદ તાવડેને ૨૩ નવેમ્બરની સાંજ સુધી નાલાસોપારામાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે.
હોટેલમાં હંગામો
નાલાસોપારા-ઈસ્ટમાં તુળીંજ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલી હોટેલ વિવાંતામાં ગઈ કાલે સવારે દસેક વાગ્યે BJPના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે નાલાસોપારા બેઠકના ઉમેદવાર રાજન નાઈક અને પક્ષના કાર્યકરો સાથે રૂમમાં બેઠક કરી રહ્યા હતા ત્યારે હોટેલની બહાર મોટી સંખ્યામાં BVAના કાર્યકરો સાથે સ્થાનિક ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર પહોંચ્યા હતા. થોડી વાર પછી તેઓ હોટેલની અંદર ગયા હતા અને BJPના કાર્યકરો સાથે ભીડ્યા હતા. વિનોદ તાવડેએ બધાને શાંત રહેવા કહ્યું હતું, પરંતુ ધમાલ ચાલુ જ રહી હતી. જોકે એ સમયે હોટેલમાં પોલીસ હાજર હતી એટલે હાથાપાઈ કે મારામારી નહોતી થઈ.
હિતેન્દ્ર ઠાકુરે શું કહ્યું?
વિનોદ તાવડેએ ફોન કરતાં હિતેન્દ્ર ઠાકુર વિવાંતા હોટેલમાં પહોંચ્યા હતા. તેમણે બાદમાં આ ઘટના વિશે કહ્યું હતું કે ‘વિનોદ તાવડે મતદારોને પ્રભાવિત કરવા માટે હોટેલમાં આવ્યા હોવાનું અમારા કાર્યકરોએ કહ્યું હતું. એ પછી મેં હોટેલમાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જોકે BJPના રાષ્ટ્રીય નેતાને ખબર નથી કે મતદાનના ૪૮ કલાક પહેલાં બહારના નેતાને કોઈ વિધાનસભા ક્ષેત્રમાં જવાની મનાઈ છે? હોટેલમાંથી બે ડાયરી મળી છે જેમાં કોને કેટલા રૂપિયા આપવામાં આવ્યા એની વિગત લખેલી છે. પોલીસ અને ચૂંટણીપંચે આ બાબતની તપાસ કરવી જોઈએ.’
વિનોદ તાવડેએ શું કહ્યું?
આ બનાવ વિશે વિનોદ તાવડેએ કહ્યું હતું કે ‘પાલઘર જિલ્લામાં આવેલા વાડાથી હું મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે નાલાસોપારા બેઠકના અમારા ઉમેદવાર રાજન નાઈકે મને ફોન કરીને હોટેલ વિવાંતામાં ચા-પાણી માટે આવવા કહ્યું એટલે હું હોટેલ ગયો હતો અને પક્ષના બૂથ-ઇન્ચાર્જ સાથે ચૂંટણી સંબંધી ચર્ચા કરી રહ્યો હતો. એવામાં હિતેન્દ્ર ઠાકુરની પાર્ટીના કેટલાક કાર્યકરો અમારી રૂમમાં ધસી આવ્યા હતા. તેમણે મને ઘેરી લીધો અને જોરજોરથી મારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. મામલો બગડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મેં હિતેન્દ્ર ઠાકુરને ફોન કરીને તેમના કાર્યકરોને શાંત રાખવાની વિનંતી કરી હતી. ત્યાર બાદમાં હિતેન્દ્ર ઠાકુર હોટેલ આવ્યા હતા. હું પાર્ટીનો નૅશનલ જનરલ સેક્રેટરી છું એટલે રૂપિયા વહેંચવાથી મુશ્કેલીમાં મુકાવાની શક્યતા હું જાણું છું. મારી પાસે કોઈ રોકડ રૂપિયા નહોતા. આ વાત મેં હિતેન્દ્ર ઠાકુર અને તેમના પુત્ર ક્ષિતિજને સમજાવી હતી. અમે સાથે પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ બાબતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એ પછી હું તેમની જ કારમાં બેસીને હોટેલમાંથી બહાર નીકળ્યો હતો. હોટેલમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા છે એનાં ફુટેજ ચૂંટણીપંચ અને પોલીસ ચેક કરી શકે છે. મારા પર રૂપિયા વહેંચવાનો આરોપ કરવામાં આવ્યો છે એ પાયાવિહોણો છે.’
દહાણુના ઉમેદવારને કારણે આરોપ થયો?
વિધાનસભાની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે ગઈ કાલે સવારે જ દહાણુ બેઠકના BVAના ઉમેદવાર સુરેશ પાડવીએ અચાનક ઉમેદવારી પાછી ખેંચીને BJPમાં પ્રવેશ કર્યો હતો. એનાથી હિતેન્દ્ર ઠાકુર અને તેમના પક્ષને દહાણુમાં મોટો ફટકો પડ્યો છે. સવારે આ સમાચાર વહેતા થયા બાદ થોડા જ કલાકમાં વિનોદ તાવડે નાલાસોપારા પહોંચ્યા હતા. વિનોદ તાવડેએ જ દહાણુમાં ખેલ પાડ્યો હોવાની શક્યતાથી BVAના ક્ષિતિજ ઠાકુર અને કાર્યકરોએ નાલાસોપારાની વિવાંતા હોટેલમાં રૂપિયા વહેંચવામાં આવી રહ્યા હોવાનો આરોપ વિનોદ તાવડે પર કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.