05 November, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિર
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના વિસ્તરણ માટે સંપાદિત કરવામાં આવેલા પ્રભાદેવીસ્થિત પ્લૉટના ૧૦.૯૪ કરોડ રૂપિયાના જમીન-વળતરને બૉમ્બે હાઈ કોર્ટે જમીનમાલિકો અને જૂના ભાડૂત સદાનંદ ગૅરેજ વચ્ચે અડધોઅડધ વહેંચવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંપાદિત થયેલી આ મિલકતમાં બન્ને પક્ષકારોનું મોટું હિત રહેલું છે. આ વળતરની રકમ ૮ અઠવાડિયાંમાં ચૂકવી આપવા સત્તાવાળાઓને આદેશ કરાયો છે.
જસ્ટિસ અમિત બોરકરે ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૨ની સ્થિતિ મુજબ ૬૪૨.૯૮ ચોરસ મીટરના આ પ્લૉટની માર્કેટવૅલ્યુ પ્રતિ ચોરસ મીટર ૧,૭૦,૨૦૦ રૂપિયા નક્કી કરી હતી. મંદિરે દર્શને આવતા ભક્તો માટે વેઇટિંગ હૉલ અને વિશ્રામગૃહ બનાવવા અર્થે રાજ્ય સરકારે આ જમીન સંપાદિત કરી હતી.
હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જમીનના કુલ ૧૦.૯૪ કરોડ રૂપિયાના વળતરમાંથી માલિકો અને સદાનંદ ગૅરેજ બન્નેને ૫.૪૭-૫.૪૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. આ સિવાય જમીન પર રહેલાં બાંધકામ અને વૃક્ષો પેટે મંજૂર થયેલા વધારાના ૩.૮૫ લાખ રૂપિયા સંપૂર્ણપણે માત્ર માલિકોને જ મળશે.