01 June, 2024 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જામનગરમાં દેશ-વિદેશની હસ્તીઓની હાજરીમાં ગ્રૅન્ડ પ્રી-વેડિંગ સેલિબ્રેશન થયા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે અંબાણી પરિવાર બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરી રહ્યો છે. આ પાર્ટી ૨૯ મેએ ફ્રાન્સથી ઇટલી જનારા લક્ઝરી ક્રૂઝમાં શરૂ થઈ હતી, જેમાં પહેલા દિવસની થીમ ‘સ્ટારી નાઇટ’ હતી જેમાં મહેમાનો માટે વેસ્ટર્ન ફૉર્મલ ડ્રેસ-કોડ હતો. બીજા દિવસે મહેમાનો રોમ પહોંચ્યા હતા જ્યાં ‘લ ડૉલ્સ ફાર નિએન્તે’ થીમ પાર્ટી માટે ટૂરિસ્ટ ચિક ડ્રેસ-કોડ હતો. બીજો દિવસ ‘ટોગા પાર્ટી’ સાથે પૂરો થયો હતો. આ ટોગા પાર્ટી ગ્રીકો-રોમન સંસ્કૃતિની થીમવાળી ઇવેન્ટ છે, જેમાં લોકો પ્રાચીન રોમન ગાર્મેન્ટ્સ પહેરે છે. આ આઉટફિટ ઘણી વાર બેડશીટ્સમાંથી બનાવવામાં આવે છે અને એની નીચે સૅન્ડલ પહેરવામાં આવે છે. ટોગા પાર્ટીમાં માહોલથી લઈને કૉસ્ચ્યુમ સુધી બધું જ રોમન અને ગ્રીક કલ્ચરથી પ્રેરિત હોય છે. ટોગા ગૅધરિંગમાં ક્યારેક કેગ પાર્ટી પણ થાય છે જેમાં મોટા કેગમાંથી લોકો આલ્કોહૉલ પીએ છે. ટોગા થીમ ૧૯૭૮માં ‘ઍનિમલ હાઉસ’ ફિલ્મને કારણે લોકપ્રિય બની હતી, જેમાં ડેલ્ટા હાઉસનો મેમ્બર ટોગા પાર્ટીનું આયોજન કરે છે.
૧૦ ચાર્ટર્ડ પ્લેન, ૧૨ પ્રાઇવેટ જેટ અને ૧૫૦ લક્ઝરી કારથી આવ્યા મહેમાનો
અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઇટાલિયન લક્ઝરી ક્રૂઝ પર થઈ રહ્યું છે. આ ક્રૂઝ પર હાઈ પ્રોફાઇલ ૮૦૦ મહેમાનોને લાવવા માટે ૧૦ ચાર્ટર્ડ પ્લેન, ૧૨ પ્રાઇવેટ જેટ અને ૧૫૦ લક્ઝરી કાર તહેનાત કરવામાં આવ્યાં હતાં.