14 December, 2025 08:04 AM IST | Mumbai | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે લગ્ન થવાનાં હતાં અને એ જ દિવસે અંધેરીની હોટેલની રૂમમાં હાથની નસ કાપ્યા પછી ગળેફાંસો લગાવીને મોતને વહાલું કરવાની તૈયારી કરી રહેલા અમદાવાદના યુવાનને છેલ્લી ક્ષણે બચાવી લેવાયો : યુવાન લગ્ન કરવા માગતો નહોતો એટલે લગ્નની આગલી રાતે કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને આવી ગયો હતો મુંબઈ
શુક્રવારે અમદાવાદના એક યુવાનનાં લગ્ન થવાનાં હતાં. જોકે લગ્નની આગલી રાતે ઘર છોડીને તે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈમાં લગ્નના દિવસે જ અંધેરીમાં આવેલી હોટેલમાં હાથની નસ કાપીને અને ગળે ફાંસો લગાવીને મોતને વહાલું કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ છેલ્લી ઘડીએ અમદાવાદ અને મુંબઈની પોલીસ આ યુવાન માટે જીવનદાતા બનીને પહોંચી હતી અને તેને બચાવી લીધો હતો. લૉન્ડ્રીમૅન પાસે દરવાજો નૉક કરાવીને અને રૂમનો દરવાજો ખોલાવીને પોલીસ રૂમની અંદર પહોંચી ગઈ હતી. ગઈ કાલે આ યુવાનને લઈને અમદાવાદ પાછી ફરેલી પોલીસે જ્યારે ફૅમિલી સાથે યુવાનનો મેળાપ કરાવ્યો ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવાનનાં ૧૨ ડિસેમ્બરે લગ્ન હતાં, પરંતુ કોઈ કારણોસર તેને લગ્ન કરવાં નહોતાં એટલે લગ્નના આગલા દિવસે રાતે કોઈને કશું જ કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હતો. અમદાવાદના ઇસનપુર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી. એસ. જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇસનપુરમાં રહેતા અને બૅન્કમાં નોકરી કરતા ૨૭ વર્ષના યુવાનનાં ૧૨ ડિસેમ્બરે લગ્ન થવાનાં હતાં. જોકે તે ૧૧ ડિસેમ્બરે રાતે ઘરે કોઈને કશું પણ કહ્યા વગર જતો રહ્યો હતો. પરિવારે તેના ગુમ થયાની જાણ કરતાં અમે તપાસ શરૂ કરી હતી. એમાં તેના મોબાઇલ ફોનના આધારે ખબર પડી હતી કે તે મુંબઈ ગયો છે. એટલે તરત જ અમારા સ્ટાફના બે પોલીસ-કર્મચારી મુંબઈ પહોંચી ગયા હતા. આ યુવાન અંધેરીમાં આવેલી તુંગા ઇન્ટરનૅશનલ હોટેલમાં રોકાયો હતો. મુંબઈ પોલીસની મદદ લઈને અમારા પોલીસ-સ્ટેશનના બે કર્મચારી હોટેલ પર પહોંચ્યા હતા. યુવાન જે રૂમમાં હતો એ રૂમમાં હોટેલના લૉન્ડ્રીવાળાને મોકલ્યો હતો અને દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખોલ્યો એટલે તરત જ પોલીસ-કર્મચારીઓ રૂમમાં ધસી ગયા હતા. રૂમમાંથી દોરી મળી આવી હતી અને આ યુવાને ગળે ફાંસો ખાવાની તૈયારી કરી લીધી હતી. તેણે તેના હાથની નસ પણ કાપી હતી. આ યુવાનને સમજાવીને સારવાર માટે લઈ ગયા હતા. આ યુવાન ડિપ્રેશનમાં હતો. ગઈ કાલે યુવાનને સમજાવીને અમદાવાદ પાછો લાવીને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો હતો.’
પોલીસે યુવાનને સમજાવીને તેની સાથે વાત કરી હતી. એમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે યુવાનને લગ્ન કરવાં નહોતાં એટલે તે ભાગીને મુંબઈ આવી ગયો હતો. ઇસનપુર પોલીસે આ યુવાનને શોધવા માટે તેના ઘરની આસપાસના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં તેમ જ મોબાઇલના આધારે ખબર પડી હતી કે આ યુવાને મુંબઈની ઍર-ટિકિટ બુક કરાવી હતી અને હોટેલના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. એટલે પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે આ યુવાન ઘર છોડીને મુંબઈ ગયો છે. આ યુવાને તેનું નામ નહીં જણાવવાની પોલીસને વિનંતી કરી હતી.