07 June, 2022 08:28 AM IST | Mumbai | Priti Khuman Thakur
કચ્છી વેપારીનો સ્ટોર અને નીચે આરોપીઓ
સાંતાક્રુઝ-વેસ્ટમાં સ્ટેશન રોડ પર રહેતા ૫૭ વર્ષના ભરત દેવજી હરિયાના હોમ અપ્લાયન્સિસના સાંતાક્રુઝ, ચેમ્બુર અને વિરારમાં જાણીતા સ્ટોર્સ છે. વિરારમાં આવેલા કચ્છી વેપારીના એક સ્ટોર્સના ભૂતપૂર્વ કર્મચારીએ કામ છોડી દીધાના અમુક દિવસ બાદ તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. નોકરી છોડીને જતો રહ્યો હોવાથી વેપારીને કર્મચારીએ આવું પગલું ભર્યું હોવા વિશે જાણ નહોતી, પરંતુ એ કર્મચારીના સંબંધી અને અમુક ઓળખીતાઓએ ભરત હરિયાને વિરાર-ઈસ્ટમાં બોલાવીને ૨૧ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જબરદસ્તી ૧૦૦ રૂપિયાના સ્ટૅમ્પ-પેપર પર સિગ્નેચર અને અંગૂઠો લઈને કર્મચારીની પત્નીને મહિને ૧૪,૦૦૦ રૂપિયા ૨૦૨૯ના વર્ષ સુધી આપવાનું કહ્યું હતું. જોકે એ વખતે તેની પત્ની હાજર નહોતી. આ કેસમાં વેપારીને ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી માગવામાં આવી હતી. ભૂતપૂર્વ કર્મચારીની આત્મહત્યામાં પોતાની કોઈ લેવા-દેવા ન હોવાથી અને જબરદસ્તી ખંડણી માગવામાં આવી રહી હોવાથી કચ્છી વેપારીએ હિંમત દાખવીને ત્રણ કહેવાતા સામાજિક કાર્યકરો સામે કેસ નોંધાવ્યો છે જેમાં કર્મચારીના સાળાનો પણ સમાવેશ છે.
વિરાર-વેસ્ટમાં ભરત હરિયા નામના વેપારીનો મહાવીર હોમ સ્ટોર્સ નામનો સ્ટોર છે. તેમની દુકાનના ભૂતપૂર્વ કર્મચારી બદ્રીનારાયણ સિંહે થોડા દિવસો પહેલાં નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ તેણે કૌટુંબિક વિવાદને લઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિણામે બદ્રીનારાયણ સિંહનાં સગાંસંબંધીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ આત્મહત્યા માટે ભરત હરિયાને જવાબદાર ઠેરવ્યા હતા.
એ પછી તેઓ ભરતભાઈને ફોર્સ કરીને ત્રાસ આપવા માંડ્યા હતા. તેમની વાત માની નહીં અને પૈસા નહીં આપ્યા તો મૃતદેહ દુકાનની બહાર મૂકી દેવામાં આવશે અને તમારી ધરપકડ કરાવીશું એવી ધમકી પણ આપી હતી. તેમણે તાત્કાલિક અંતિમ સંસ્કાર માટે ભરત હરિયા પાસેથી બે લાખ રૂપિયાની માગણી કરી અને ૧૦૦ રૂપિયાના સ્ટૅમ્પ-પેપર પર લખાવી લીધું કે ‘બદ્રીનારાયણ સિંહની પત્નીને દર મહિનાની ૧૦ તારીખે ૧૪,૦૦૦ રૂપિયા આપવા પડશે.’ જોકે એ વખતે તો ભરત હરિયાએ ૫૦,૦૦૦ રૂપિયા આપીને પોતાને છોડાવી લીધા હતા.
આ બનાવ સાથે મારે કોઈ લેવાદેવા ન હોવા છતાં માનવતાની દૃષ્ટિએ હું ભૂતપૂર્વ કર્મચારીના પરિવારજનોને મળીને મદદ કરવાનો હતો એમ કહેતાં ભરત હરિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બદ્રીનારાયણ એક મહિના માટે દેશમાં ગયો હતો અને એ પછી કામ પર આવ્યો, પણ આઠ-દસ દિવસ કામ કરીને ‘મારું મન લાગતું નથી એટલે મારે કામ કરવું નથી’ એમ કહેતાં અમે તેને સમજાવ્યો, પણ તેણે કહ્યું કે મને કોઈ વાંધો નથી, પરંતુ મારું મન લાગતું નથી. એ પછી તે ક્યાંક બીજે કામે લાગ્યો હોય એવું જાણવા મળ્યું હતું, પરંતુ કામ છોડ્યાના દસેક દિવસ બાદ તેણે સુસાઇડ કર્યું હોવાનું મને જાણવા મળ્યું. તેના ઓળખીતાઓએ મારો સંપર્ક કરતાં હું માનવતાની દૃષ્ટિએ વિરાર ગયો હતો. ત્યાં તેના સંબંધી અને પોતાને સમાજસેવક કહેવડાવનાર કહેવા લાગ્યા કે બદ્રીનારાયણ જીવતો રહ્યો હોત તો હજી ૧૫ વર્ષ કામ કરી શક્યો હોત. તેની પત્નીને ૨૦૨૯ સુધી મહિને પૈસા આપવાનું કહીને અંતિમ સંસ્કાર માટે બે લાખ રૂપિયા માગ્યા હતા અને વાત નહીં માનશો તો મૃતદેહ દુકાનની બહાર મૂકી દઈશું એવી ધમકી આપી હતી, એથી એ વખતે ગભરાઈને મેં ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા અને સ્ટૅમ્પ-પેપર પર સાઇન કરી હતી. એ પછી ફરી ૪ જૂને ફોન આવ્યો અને પૈસા આપવાની વાત કરી એથી આ લોકો કર્મચારીની આત્મહત્યાના કેસમાં મારું નામ ફસાવવાની ધમકી આપીને જબરદસ્તી પૈસા વસૂલી રહ્યા હોવાથી મેં પોલીસની મદદ લીધી હતી અને વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મેં કહ્યું હતું કે મારી દુકાને કામ કરનાર ભૂતપૂર્વ કર્મચારી બદ્રીનારાયણ સિંહની આત્મહત્યા સાથે મને કોઈ લેવાદેવા નથી અને મારી પાસેથી પૈસાની ખંડણી માગી રહ્યા છે.’
પોલીસ શું કહે છે?
આરોપીએ ફરિયાદી પાસે કર્મચારીના મૃત્યુ-પ્રકરણમાં ફસાવી દેવાની ધમકી આપીને ખંડણી માગી હોવાના પ્રકરણમાં વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુરેશ વરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે વેપારીની ફરિયાદના આધારે મોહન ઝા, ધનંજય ઝા અને મરનાર બદ્રીનારાયણ સિંહના સાળા મળી ત્રણેય વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’