થોડી વારમાં આવું છું કહીને ઘરેથી ગયેલા સિનિયર સિટિઝન ચાર દિવસથી લાપતા

16 April, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીના રમેશ જૈનને ડિપ્રેશન અને ભૂલવાની બીમારી હોવાથી પરિવારજનો ચિંતામાં

રમેશ જૈન વિશે કોઈ માહિતી મળે તો તેમના પરિવારનો 92241 32141 નંબર પર સંપર્ક કરવો.

કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં આવેલા રાજપૂતાના બિલ્ડિંગમાં રહેતા ૬૦ વર્ષના રમેશ જૈન રવિવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે ‘થોડી વારમાં આવું છું’ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેઓ પાછા ફર્યા નથી અને છેલ્લા ૪ દિવસથી મિસિંગ છે. રમેશભાઈ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન અને ભૂલવાની બીમારીથી પીડાતા હોવાથી પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા છે. આ મામલે કાંદિવલી પોલીસે સોમવારે પરિવારજનોની ફરિયાદના આધારે મિસિંગનો કેસ નોંધ્યો છે અને તેમની શોધખોળ માટે વધુ તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો તેમ જ પોલીસ બન્ને રમેશભાઈને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યાં છે.

રમેશભાઈના પૌત્ર પ્રકાશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદા પપ્પા સાથે છેલ્લાં કેટલાંક વર્ષથી કાંદિવલીમાં રદ્દીની દુકાન ચલાવતા હતા. ઉંમરને કારણે છેલ્લા કેટલાક સમયથી તેઓ ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા અને ભૂલવાની બીમારી પણ થઈ ગઈ હતી જેના માટે તેઓ દવા લેતા હતા. રવિવારે સવારે પપ્પા ઘરેથી નીકળ્યા બાદ દાદા પણ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળીને બિલ્ડિંગ નીચે ઊતરી ગયા હતા. એ દિવસે રવિવાર હોવાથી અમને લાગ્યું કે તેઓ નીચે બેસવા ગયા હશે, પરંતુ બપોરે જમવાના સમય સુધી તેઓ પાછા ન ફરતાં અમે તેમની શોધખોળ શરૂ કરી. તેઓ ક્યાંય મળ્યા નહોતા એટલે અમે નજીકના સંબંધીઓને ફોન કરીને પૂછપરછ કરી હતી. રવિવારે મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં શોધવા છતાં તેમની કોઈ ખબર મળી નહોતી એટલે સોમવારે અમે પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ૪ દિવસથી અમારા પરિવારના લગભગ ૧૦ સભ્યો અલગ-અલગ સ્કૂટર અને બાઇક પર વિવિધ વિસ્તારોમાં તેમને શોધી રહ્યા છે.’

પોલીસ જોયા છે પંચાવનથી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ
કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થયેલા રમેશભાઈ પાસે મોબાઇલ નહોતો એટલે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. તેમને શોધવા માટે અમે તેમના રહેઠાણથી કાંદિવલી-ઈસ્ટ અને વેસ્ટના આશરે પંચાવનથી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં અને આગળ પણ જોઈ રહ્યા છીએ. જોકે તેમના વિશે ચોક્કસ માહિતી હજી મળી નથી.’

mumbai news mumbai kandivli gujaratis of mumbai gujarati community news mumbai police