શ્રાવણ મહિનામાં ઘેરબેઠાં સ્પીડ પોસ્ટથી મળશે સોમનાથનો પ્રસાદ

20 July, 2024 09:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૨૭૦ રૂપિયાના ઈ-મનીઑર્ડરથી લાડુ-ચિક્કીના ૪૦૦ ગ્રામ પ્રસાદનું પૅકેટ તમારા ઘરે પહોંચાડશે પોસ્ટ વિભાગ

સોમનાથ મહાદેવ.

શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે શ્રાવણમાં ઘેરબેઠાં ભક્તોને સ્પીડ પોસ્ટથી સોમનાથનો પ્રસાદ મળશે. ૨૭૦ રૂપિયાના ઈ-મનીઑર્ડરથી લાડુ-ચિક્કીના પ્રસાદનું પૅકેટ પોસ્ટ વિભાગ સ્પીડ પોસ્ટથી તમારા ઘરે પહોંચાડશે. કોઈ પણ કારણસર યાત્રાધામ સોમનાથમાં દર્શન કરવા ન આવી શકતા અને દેશના કોઈ પણ ખૂણે રહેતા ભક્તો તેમની નજીકમાં આવેલી પોસ્ટ ઑફિસમાં જઈને સોમનાથના પ્રસાદનું બુકિંગ કરાવીને મગાવી શકશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કોઈ પણ શહેર કે ગામમાં રહેતા ભક્ત તેમની નજીક આવેલી પોસ્ટ-ઑફિસમાં જઈને સોમનાથનો પ્રસાદ બુક કરાવવો છે કહીને ૨૭૦ રૂપિયા પોસ્ટ-ઑફિસમાં ચૂકવશે એટલે એ પોસ્ટ-ઑફિસવાળા અહીં સોમનાથના પ્રભાસમાં આવેલી પોસ્ટ-ઑફિસનો સંપર્ક કરશે, પ્રસાદ મોકલવાની જાણ કરી જે-તે વ્યક્તિનું સરનામું આપશે એટલે સોમનાથના પ્રભાસમાં આવેલી પોસ્ટ-ઑફિસનો સ્ટાફ મંદિરમાં આવીને પ્રસાદ લઈ જઈને જે-તે વ્યક્તિના સરનામે સોમનાથ મંદિરનો પ્રસાદ મોકલી આપશે.’
અમદાવાદ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે ‘શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને તેમના ઘરે બેસીને પ્રસાદ આપવા માટે ભારતીય ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. ઈ-મનીઑર્ડર પર પ્રસાદ બુકિંગનો ઉલ્લેખ કરવાનો રહેશે. એ પછી સોમનાથ ટ્રસ્ટમાંથી ૪૦૦ ગ્રામ પ્રસાદનું પૅકેટ સ્પીડ પોસ્ટથી મોકલી આપવામાં આવશે. પ્રસાદના પૅકેટમાં ૨૦૦ ગ્રામ ચણાના લોટના લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચિક્કી અને ૧૦૦ ગ્રામ માવાની ચિક્કી સામેલ હશે એ અને ભક્તના ઘરે મોકલવામાં આવશે.’  

gujarat news gujarat somnath temple savan religious places