✕

વડનગરમાં આજથી યોજાશે બે દિવસનો તાના-રીરી મહોત્સવ

19 November, 2026 11:46 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીનું અવૉર્ડ આપીને કરવામાં આવશે સન્માન : દેશભરના નામાંકિત કલાકારો પ્રસ્તુત કરશે પોતાની કલા

હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થી

ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરની સંગીતજ્ઞ દીકરીઓ તાના અને રીરીની યાદમાં આજથી બે દિવસનો તાના-રીરી મહોત્સવ યોજાશે જેમાં સંગીતક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીનું તાના-રીરી અવૉર્ડ આપીને સન્માન કરવામાં આવશે. ઘાસકોર દરવાજા પાસે આવેલા તાના અને રીરીના સમાધિસ્થળે સંગીતમય કાર્યક્રમ યોજાશે જેમાં દેશભરના નામાંકિત કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરશે. આજે શાસ્ત્રીય સંગીત અને લોકકલાના કાર્યક્રમ રજૂ થશે. કુમારી સૂર્યા ગાયત્રી, પંડિત તેજેન્દ્ર નારાયણ અને કુમારેશ રાજગોપાલન શાસ્ત્રીય સંગીત રજૂ કરશે. આ ઉપરાંત હાર્દિક દવે લોકકલાની વિવિધ કૃતિઓ રજૂ કરીને સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરશે. ૨૦ નવેમ્બરે પંડિત જયતીર્થ મેવુન્ડી શાસ્ત્રીય ગાયન રજૂ કરશે, જ્યારે પંડિત પૂર્વાંયન ચેટર્જી અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય વાદન રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભૌમિક શાહ લોકકલાની પ્રસ્તુતિ કરશે. 

નરસિંહ મહેતાની દોહિત્રીની પુત્રીઓ છે તાના અને રીરી

ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના કરીને રાગો પર પ્રભુત્વ મેળવ્યું હતું. સંગીતસમ્રાટ તાનસેનને જ્યારે રાગ દીપક ગાયા પછી શરીરમાં અગનજ્વાળાઓ ઊપડી હતી ત્યારે તાના અને રીરીએ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે મલ્હાર રાગ ગાઈને તાનસેનના શરીરનો દાહ શાંત કર્યો હતો. આ સંગીતજ્ઞ દીકરીઓની યાદમાં અને તેમની સ્મૃતિને જીવંત રાખવા માટે પ્રતિ વર્ષ તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સંગીતક્ષેત્રની પ્રતિભાનું અવૉર્ડ આપીને સન્માન કરવામાં આવે છે. 

gujarat news gujarat culture news festivals ahmedabad