અમરેલીમાં પ્રાઇવેટ મિની પ્લેનના ક્રૅશમાં ટ્રેઇની પાઇલટે જીવ ગુમાવ્યો

23 April, 2025 11:23 AM IST  |  Amreli | Gujarati Mid-day Correspondent

ઘટનાના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડે ત્યાં પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી અને પાઇલટને બહાર કાઢીને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો

રહેણાક વિસ્તારમાં વિમાન પડ્યા બાદ બ્લાસ્ટ સાથે આગ લાગતાં લોકો ભાગ્યા એમાં ત્રણ જણ ઘાયલ થયા

સૌરાષ્ટ્રના અમરેલીમાં ગઈ કાલે ખાનગી કંપનીનું મિની પ્લેન ક્રેશ થતાં ટ્રેઇની પાઇલટનું મૃત્યુ થયું હતું. રહેણાક વિસ્તારમાં અચાનક પડેલા આ મિની પ્લેનમાં આગ લાગતાં રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો ભાગવા લાગતાં ત્રણ જણને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર-બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અમરેલીમાં ગિરિયા રોડ પર આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં ટ્રેઇની પાઇલટ મિની પ્લેન ઉડાવીને ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો એ દરમ્યાન કોઈ કારણસર એ પ્લેન ક્રૅશ થઈને નીચે પડ્યું હતું, જેમાં ટ્રેઇની પાઇલટ અનિકેત મહાજન ફસાઈ ગયો હતો. તેને બચાવવા માટે સ્થાનિક રહીશો દોડી ગયા હતા, પરંતુ આ દરમ્યાન પ્લેનમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે એકઠા થયેલા લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડે ત્યાં પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી અને પાઇલટને બહાર કાઢીને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે પછી તેનું મૃત્યુ થયું હતું. મિની પ્લેનમાં આગ લાગતાં સ્થાનિક લોકોએ તેમના ઘરમાંથી પાણી છાંટવાની પાઇપ લઈને તેમ જ બાલદીમાં પાણી લાવીને મિની પ્લેન પર પાણી નાખીને આગને ઓલવવાની કોશિશ કરી હતી.

saurashtra airlines news road accident fire incident gujarat gujarat news news