✕

“મુસ્લિમો અને બિન-હિન્દુઓને જતાં રહે”: અમદાવાદમાં ગરબા વિવાદ પર આદિત્ય ગઢવીએ શું કહ્યું?

16 October, 2026 05:46 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

જેમ જેમ વિવાદ વધતો ગયો, તેમ આદિત્ય ગઢવીએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કરીને પોતાને આ જાહેરાતથી અલગ કરી દીધો. તેણે કહ્યું, “મારા તરફથી થોડા શબ્દો, કારણ કે મારા નામે ઘણી વાતો થઈ રહી છે. હું એક કલાકાર છું. મને હિન્દુ હોવા પર ગર્વ છે."

આદિત્ય ગઢવી (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવીના જાણીતા ‘રંગ મોરલા’ ગરબાના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી ત્યાં એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં મુસ્લિમો અને બિન-હિન્દુઓને સ્થળ છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ જાહેરાતને લઈને વિવાદ સર્જાયો છે. રેડિયો જૉકી (RJ) આકાશ ત્રિવેદી, જેણે આ જાહેરાત કરી હતી, તેણે હવે સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું કે, ભલે આ શબ્દો તેના હતા, પરંતુ તે તેના અંગત વિચારો દર્શાવતા નહોતા; તેણે કાર્યક્રમના આયોજકોની સૂચના પર આ જાહેરાત કરી હતી. આ વિવાદ બુધવારે રાત્રે ‘રંગ મોરલા ft. આદિત્ય ગઢવી’ કાર્યક્રમ દરમિયાન શરૂ થયો હતો, જે શેલા રોડ પર આવેલા ‘સવાના પાર્ટી પ્લોટ’માં યોજાયો હતો. મંચ પરથી RJ આકાશે મુસ્લિમો અને બિન-હિન્દુઓને મેદાનમાંથી જતા રહેવા માટે કહ્યું હતું. તેમણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સભ્યોની હાજરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ ‘સનાતન ધર્મ’નું રક્ષણ કરવા આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાતનો વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ વકર્યો હતો.

આદિત્ય ગઢવીએ શું કહ્યું?

જેમ જેમ વિવાદ વધતો ગયો, તેમ આદિત્ય ગઢવીએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કરીને પોતાને આ જાહેરાતથી અલગ કરી દીધો. તેણે કહ્યું, “મારા તરફથી થોડા શબ્દો, કારણ કે મારા નામે ઘણી વાતો થઈ રહી છે. હું એક કલાકાર છું. મને હિન્દુ હોવા પર ગર્વ છે. નવરાત્રિ મારા માટે વર્ષનો સૌથી પવિત્ર સમય છે. હજારો લોકો ગરબા રમી રહ્યા હોય ત્યારે મંચ પરથી મા અંબે માટે ગાવું, એ મારા જીવનનું સૌથી મોટું આશીર્વાદ છે.” ગાયકે આરોપ લગાવ્યો કે એક જૂથે મંચની પાછળના વિસ્તાર પર કબજો જમાવી લીધો હતો અને તેની સંમતિ વિના તેના મંચનો ઉપયોગ એક સંદેશ આપવા માટે કર્યો હતો. તેણે ઉમેર્યું કે, આ જાહેરાત અંગે તેની કે તેના ટીમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી. ગઢવીએ ભારપૂર્વક કહ્યું, “મારો મંચ સંગીત અને ભક્તિ માટે છે.” તેણે વધુમાં ઉમેર્યું કે, જે કોઈ પણ વ્યક્તિ મા દુર્ગા પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં ભાગ લેવા ઈચ્છે છે, તેમનું સ્વાગત છે.

RJ આકાશની સ્પષ્ટતા

વાયરલ થયેલા વીડિયોમાં આકાશ મુસ્લિમો અને બિન-હિન્દુઓને સ્થળ છોડીને જતા રહેવા માટે કહેતો સંભળાય’છે. તેણે પોતાના આ નિવેદનને એક ‘નમ્ર વિનંતી” ગણાવી હતી. આ પછી, તેણે VHP સભ્યોના આગમન અંગે માહિતી આપી હતી. પોતાના બચાવમાં આકાશે જણાવ્યું કે તેણે આયોજકોની સૂચના મુજબ જ આ જાહેરાત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે આ તેનો અંગત અભિપ્રાય નહોતો અને વિવાદાસ્પદ નિવેદન સાથે તેને કોઈ વ્યક્તિગત સંબંધ નથી.

VHP (વિશ્વ હિન્દુ પરિષદ) એ શું કહ્યું?

આ દરમિયાનગીરીનો બચાવ કરતા, VHPના એક નેતાએ ટિપ્પણી કરી કે ગુજરાતમાં ગરબા કાર્યક્રમોમાં બજરંગ દળના સ્વયંસેવકો નિયમિતપણે આ કામ કરતા હોય છે. તેમણે કહ્યું, "અમે શંકાસ્પદ વ્યક્તિઓને સ્થળ પરથી દૂર કરીએ છીએ." અહેવાલો અનુસાર, બજરંગ દળના સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને આયોજકોને સૂચના આપી હતી કે તેઓ બિન-હિન્દુઓને પ્રવેશવાની મંજૂરી ન આપે. પોતાના નિવેદનમાં ગઢવીએ નોંધ્યું કે ગુજરાત અને સમગ્ર ભારતમાં પેઢીઓથી વિવિધ ધર્મોના લોકો સાથે મળીને ગરબામાં ભાગ લેતા આવ્યા છે. તેણે ભારપૂર્વક કહ્યું કે ગરબામાં ક્યારેય કોઈએ પોતાની જ્ઞાતિ કે અટક જણાવવાની જરૂર પડી નથી. `જય અંબે` શબ્દો સાથે આદિત્યએ પોતાનું નિવેદન પૂરું કર્યું.

aditya gadhvi ahmedabad jihad vishwa hindu parishad social media bajrang dal hinduism navratri Garba