23 September, 2026 03:50 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રાજકોટ સ્થિત `મેકડોનાલ્ડ્સ` (McDonald’s) ના એક આઉટલેટના ડાઇનિંગ એરિયામાં ઉંદર ફરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યા બાદ ગ્રાહકોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ના અધિકારીઓએ તાત્કાલિક રેસ્ટોરન્ટની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી અને સ્વચ્છતાની જાળવણીમાં સામે આવેલી બેદરકારી બદલ આઉટલેટ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાત (Gujarat)ના રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય ફાસ્ટ-ફૂડ ચેઇન `મેકડોનાલ્ડ્સ` (McDonald’s) ના એક આઉટલેટમાં ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ પર ઉંદર ફરતા હોવાનો વાયરલ વીડિયો સામે આવ્યા (Rajkot McDonald’s rat video goes viral) બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાએ નામાંકિત રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટના અંગેનો વીડિયો વાયરલ થતાં જ રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ તાત્કાલિક દરોડો પાડીને હોસ્પિટાલિટી અને સ્વચ્છતામાં બેદરકારી દાખવવા બદલ રૂ. ૩,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
આ ઘટના રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત મેકડોનાલ્ડ્સ ફ્રેન્ચાઇઝીની છે. ગ્રાહક દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ક્લિપ અનુસાર, બે ઉંદર ગ્રાહકોના ડાઇનિંગ ટેબલ પર એકબીજાની પાછળ દોડતા, સીટ પર ચડતા અને ખુરશીઓ પર કૂદતા કેમેરામાં કેદ થયા હતા.
આ વીડિયોને હજારો વ્યુઝ મળ્યા હતા, જેના કારણે નાગરિકોએ વ્યવસાયિક ખાણીપીણીના સ્થળોએ પેસ્ટ કંટ્રોલના પગલાં અંગે આરોગ્ય સત્તાવાળાઓ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
વાયરલ વીડિયોના આધારે મુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વાકાણીના નેતૃત્વમાં RMC ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી સ્થિત આઉટલેટ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે મુખ્ય ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલા ગ્લાસ-પાર્ટિશનવાળા પાર્ટી સેક્શનમાં ઉંદર હાજર હતા.
તપાસ દરમિયાન રસોડામાં સ્વચ્છતા સંતોષકારક મળી આવી હતી, પરંતુ ગ્રાહકોના બેસવાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી બદલ રૂ. ૩,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો કે નજીકમાં ચાલી રહેલા બાંધકામ સ્થળ પરથી ઉંદર બિલ્ડિંગમાં ઘૂસી આવ્યા હોવાની શક્યતા છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે RMC અધિકારીઓએ સ્ટોરના પરિસરમાંથી કાચા માલના સેમ્પલ લીધા હતા, જેમાં ટોન્ડ મિલ્ક અને સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશનો સમાવેશ થાય છે. આ સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
આ દરોડો રાજકોટમાં વ્યાપારી ખાદ્ય સંસ્થાનો સામે હાથ ધરવામાં આવેલા વ્યાપક અભિયાનનો એક ભાગ હતો. તપાસ ટીમોએ હોસ્ટેલ, કેન્ટીન અને બર્ગર કિંગ જેવા અન્ય આઉટલેટ્સ સહિત ૫૩ સ્થળોનું ઓડિટ કર્યું હતું, જેમાં ૬૫ કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, ૧૮ સંસ્થાનોને નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ. ૧૭,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.