પદ‍્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ

18 March, 2026 09:32 AM IST  |  rajkot | Gujarati Mid-day Correspondent

લેખકને જન્મદિન નિમિત્તે લાઇબ્રેરીની ભેટ, બે વર્ષની બાળકીના હાથે પુસ્તકાલયનું ઉદ્ઘાટન

પુસ્તકાલયનું ઉદ‍્ઘાટન જય વસાવડાએ તેડેલી બે વર્ષની દીકરી પ્રથા દ્વારા.

• વિખ્યાત દાતાર કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીના અનુદાનથી રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે શરૂ થઈ રહ્યું છે અનોખું જય વસાવડા પુસ્તકાલય
• અઢી વર્ષ પહેલાં જય વસાવડાની પચાસમી વર્ષગાંઠના નિમિત્તે તેમના વાંચનને વધાવવા તેમના નામનું પુસ્તકાલય બનાવવાનો સંકલ્પ  લીધો હતો એ તેમના જ નગર રાજકોટમાં સાકાર કર્યો ડૉ. જગદીશ ત્રિવેદીએ

પોતાનાં ૫૦ વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર શિક્ષણ, આરોગ્ય અને સમાજની સેવા માટે દાનમાં આપવાનો સંકલ્પ કરીને અત્યાર સુધીમાં ૨૧ કરોડ રૂપિયાનું દાન કરનાર જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી એ માટે પદ‍્મશ્રીથી સન્માનિત પણ થયા છે. ૩ વખત PhD થયેલા ડૉ. જગદીશ ત્રિવેદીએ તેમના મિત્ર લેખક-વક્તા જય વસાવડાની પચાસમી વર્ષગાંઠે એક અનોખો સંકલ્પ અઢી વર્ષ પહેલાં પૂજ્ય મોરારીબાપુ સમક્ષ જાહેર કરેલો જય વસાવડાના નામનું પુસ્તકાલય બનાવવાનો. જય વસાવડાનાં માતાએ તેને જે ઘેર-શિક્ષણ આપેલું એનાથી પ્રભાવિત જગદીશભાઈએ વિશ્વપ્રવાસી જય વસાવડાની ઇચ્છા મુજબની જગ્યાએ સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે તેમના નામનું પુસ્તકાલય રાજકોટમાં ગાંધીજીની ચેતનાથી સિંચાયેલી ભૂમિ રાષ્ટ્રીય શાળા ખાતે તૈયાર કરાવ્યું છે. ગાંધીજી પોતે જે ઓરડામાં કાયમ રોકાતા એની દીવાલ પાસેનો રૂમ રાષ્ટ્રીય શાળાના સંચાલકો દ્વારા આ નવેસરથી તૈયાર થયેલા પુસ્તકાલય માટે ફાળવ્યો હતો. જગદીશભાઈના અનુદાન અને માર્ગદર્શન હેઠળ ત્યાં નવસર્જન કરવાની જવાબદારી રાજકોટના જાણીતા આર્કિટેક્ટ પ્રતીક દઢાણિયાએ ઉપાડી હતી.

ઉદ‍્ઘાટન પ્રસંગે ડૉ. જગદીશ ત્રિવેદી અને જય વસાવડા.

રવિવારે ૧૫ માર્ચે સાંજે આ ‘જય વસાવડા પુસ્તકાલય’ના ઉદ્ઘાટનમાં માત્ર એક જ દિવસના સોશ્યલ મીડિયા પરના આમંત્રણને હૂંફાળો પ્રતિસાદ આપીને સાડાછસોથી વધુ વાંચનપ્રેમી નગરજનો ઊમટી પડ્યા હતા. હૉલ ભરાઈ જતાં કેટલાય જાણીતા લોકોએ પણ ખુશીથી ઊભા-ઊભા વાતો સાંભળી હતી. કોઈ એક સર્જક બીજા સર્જકને જન્મદિનની ભેટ તરીકે લાઇબ્રેરી તૈયાર કરી આપે એવો આ દુનિયામાં બેજોડ દાખલો છે. જગદીશ ત્રિવેદીએ જય વસાવડાની માત્ર બે વર્ષની ભત્રીજી પ્રથાના કોમળ કરકમળથી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાવતાં બીજો વિશ્વવિક્રમ પણ આ જય વસાવડા પુસ્તકાલય સાથે જોડાઈ ગયો હતો.

આ અવસરે રાષ્ટ્રીય શાળાના સંચાલક અને જાણીતા આગેવાન જિતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અઢી કરોડ રૂપિયાની રકમ ફાળવ્યા બાદ રાષ્ટ્રીય શાળામાં ઘણું નવું થયું છે, પણ અમારી લાઇબ્રેરી બંધ હતી, હવે એ નવા રૂપે શરૂ થઈ એનો આનંદ છે.

રાજકોટના રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરિયા વ્યસ્તતા વચ્ચે પણ ખાસ હાજર રહ્યા અને કહ્યું હતું કે વિદ્વાન બ્રાહ્મણ યાચક જ હોય એ માન્યતા જગદીશ ત્રિવેદીએ ઉદાર હાથે સેંકડો જગ્યાએ દાન કરીને ખોટી પાડી છે એનું ગૌરવ છે.

આ પ્રસંગે ઊમળકાભેર હાજર રાજકોટના રાજવી માંધાતા સિંહજીએ જણાવ્યું હતું કે ‘મારા પૂર્વજ સ્વ. લાખાજીરાજ બાપુએ ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમનાં કાર્યો માટે આ શહેરની હૃદયસમી ૬૫,૦૦૦ વારની જગ્યા ભેટ આપેલી, ત્યાં આપણા જ નાગરિક જય વસાવડાના નામનું પુસ્તકાલય થાય એ શહેર માટે આનંદની ઘડી છે.

જગદીશ ત્રિવેદીએ થૉમસ આલ્વા એડિસનથી આદરણીય મોરારીબાપુને યાદ કરીને ટૂંકુ પણ મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ મૌલિક વિચાર પોતાના પુત્ર મૌલિકનો હોવાનું જણાવી જયે કૉલેજની કાયમી સલામત નોકરી છોડી પણ ઘરમાં વિશાળ પુસ્તકસંગ્રહ આજે પણ રાખ્યો છે એ યાદ કરીને ભાર મૂક્યો હતો કે જય વસાવડા વિદ્યાલય નહીં પણ પુસ્તકાલયનું જ સંતાન છે. જય વસાવડાનાં માતાપિતા માટે તેમણે આદર પ્રગટ કરીને તેમની તસવીરો અંદર મુકાવી, એ જોવા અનુરોધ કરેલો. જય વસાવડાએ ભાવવિભોર પ્રતિસાદ આપતાં પોતાના ઘડતરમાં ગોંડલની અને રાજકોટની ધમસાણિયા કૉલેજની લાઇબ્રેરીનો ફાળો અતુલ્ય ગણાવેલો. તેમણે પોતાના ઘડતરમાં ભાગ ભજવનાર ગુરુજનો સ્વ. ડૉ. જે. એમ. મહેતા અને સ્વ. ડૉ રમેશ ફુલેત્રા સહિત અનેક સ્વજનોને યાદ કરીને કાયમ પ્રેમ કરતા ચાહકોનો આભાર માન્યો હતો. ગાંધીજી માટે અત્યંત અંગત આદર હોવાથી તેમની સંસ્થામાં આ સંકલ્પ સાકાર થયો એને જય વસાવડાએ અસ્તિત્વના આશીર્વાદ ગણાવેલા. આ કાર્યક્રમને માત્ર ૨૪ કલાકમાં સફળ બનાવવા માટે સમર્પિત એવા રાજકોટના સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ ઇલેશ ખખ્ખરે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈએ કરેલું.

gujarat news gujarat Jay Vasavada culture news Education rajkot