01 March, 2025 01:23 PM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છના કસબીઓ સાથે સંવાદ કર્યો હતો અને કસબીઓએ તેમને વિવિધ વસ્તુઓ ભેટ આપી હતી.
માહિતી આપી હતી અને રાષ્ટ્રપતિને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઑફ લાઇફની ફ્રેમ સ્મૃતિચિહ્નરૂપે ભેટ આપી હતી. કચ્છી માટીથી બનતા મડવર્ક વિશે માજીખાન મુતવાએ માહિતી આપીને મડવર્કથી બનાવેલી તેમની નેમપ્લેટ ભેટ આપી હતી. રબારી ભરતકામનાં કસબી પાબી રબારીએ ભરતકામથી બનાવેલાં પર્સ અને અજરખ પ્રિન્ટ ડાયરી ભેટ આપી હતી. કચ્છી વણાટકળા સાથે સંકળાયેલા અરજણ વણકરે કચ્છી વણાટકામ વિશે માહિતી આપીને કચ્છી વણાટથી બનાવેલી શાલ ભેટ આપી હતી. દ્રૌપદી મુર્મુએ હસ્તકળાના વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને કચ્છી બાંધણી, મેટલ અને કૉપરવર્ક, તલવાર અને સૂડી-ચપ્પા વિશે પણ જાણકારી મેળવી હતી.
આ પહેલાં દ્રૌપદી મુર્મુએ ભુજમાં આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ ઍન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને એ પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. દ્રૌપદી મુર્મુએ વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપનો અનુભવ કર્યો હતો. રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગૅલરીઓ નિહાળી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું એની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમ જ ભૂકંપના સાક્ષીઓનાં સંસ્મરણોના વિડિયો પણ જોયા હતા.
દ્રૌપદી મુર્મુએ સાંજે ધોરડો ખાતે સફેદ રણમાં કૅમલની સવારી કરીને સૂર્યાસ્તનો આહ્લાદક નઝારો નિહાળ્યો હતો. દ્રૌપદી મુર્મુ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં ‘કચ્છડે જો હર ધામ...’ ગીતથી કલાકારોએ કચ્છનાં વિવિધ યાત્રાધામોનાં વંદન કરાવ્યાં હતાં, તો કચ્છની ઓળખ એવા ‘ગજિયો’ લોકગીતની પ્રસ્તુતિ નિહાળીને દ્રૌપદી મુર્મુ રાજી થયાં હતાં. કલાકારોએ મણિયારો રાસ તેમ જ શિવ આરાધના સહિતના પર્ફોર્મન્સ કરીને કચ્છ સહિત ગુજરાતના ભાતીગળ લોકસંગીત, સંસ્કૃતિ અને સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.