✕

આજે પહેલવહેલી વાર યોજાશે નરેન્દ્ર મોદીની ખાટલાસભા

30 October, 2026 07:07 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

બનાસકાંઠાના ભીલડીમાં યોજાનારી સભામાં ખુરસી નહીં પણ અગણિત ખાટલા મૂકવામાં આવ્યા: પશુપાલકો અને ખેડૂતો ખાટલા પર બેસીને વડા પ્રધાનને સાંભળશે

નરેન્દ્ર મોદીના સભાસ્થળે પાથરવામાં આવેલા ખાટલા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં યોજાનારી નરેન્દ્ર મોદીની સભા ચર્ચામાં આવી છે. સભામાં VIP કલ્ચરથી કંઈક અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીની આ સભામાં પહેલી વાર બેઠકવ્યવસ્થા માટે ખુરસીના બદલે અગણિત ખાટલા મૂકવામાં આવ્યા છે. આ સભામાં ખેડૂતો, પશુપાલકો તેમ જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને કાર્યકર્તાઓ ખાટલા પર બેસીને નરેન્દ્ર મોદીની વાત સાંભળશે.  
નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી ભારત બોવાઇન બ્રીડિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટર, વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે નિર્મિત ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટ, થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બે નવા બાયો કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) પ્લાન્ટ્સ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા ડેરીના ચૅરમૅન શંકર ચૌધરી સહિત પ્રધાન મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાનારી આ સભા એની બેઠકવ્યવસ્થાને લઈને વિશેષ બની રહી છે. સામાન્ય રીતે સભામાં ખુરસીઓ તેમ જ સોફા મૂકવામાં આવતાં હોય છે, પરંતુ ભીલડીની સભા માટે સભા સ્થળે લોકોને બેસવા માટે અગણિત ખાટલા પાથર્યા છે. લોકો ખાટલા પર બેસીને નરેન્દ્ર મોદીને સાંભળશે. બનાસકાંઠાનાં ગામડાંઓનાં ઘરોમાં જોવા મળતા પરંપરાગત ખાટલા સભાસ્થળે પાથર્યા છે. આ ખાટલાઓમાં પશુપાલકો, ખેડૂતો સહિતના લોકો બેસશે. સભામાં આવનારી વ્યક્તિઓને ખાટલામાં બેસવાનું હોવાથી લોકો એને ખાટલાસભા કહી રહ્યા છે.
બનાસકાંઠાની સંસ્કૃતિ છે કે ગામમાં કોઈના ઘરે મહેમાન આવે, સગાંસંબંધી આવે તો ખાટલા પાથરવામાં આવે છે અને તેઓ ખાટલામાં બેસતા હોય છે. સભામાં ખાટલાઓ પાથરવાનો કન્સેપ્ટ બનાસકાંઠાની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ છે જેને લોકો આવકારી રહ્યા છે. ગામડાંઓમાં લોકોનાં ઘરે ઘણા ખાટલા હોય છે, પરંતુ સભાસ્થળે પણ ખાટલા પાથરવામાં આવતાં કુતૂહલ સર્જાવા સાથે લોકોમાં ઉત્સુક્તા ફેલાઈ છે. 

આજે સાંજે નર્મદા ઘાટ પર નર્મદા મૈયાની આરતીમાં ઉપસ્થિત રહેશે પ્રાઇમ મિનિસ્ટર
૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે નર્મદા જિલ્લાના એકતાનગર પહોંચશે અને નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા મૈયાની આરતીમાં ઉપસ્થિત રહેશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરીને ઘાટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ધાર્મિકજનો અને પ્રવાસીઓ માટે નર્મદા નદીનો ઘાટ આધ્યાત્મિક અનુભૂતિ કરાવતું કેન્દ્ર બનશે. 
આજે સાંજે ડૅમ વ્યુ પૉઇન્ટ ખાતે યોજાનારા આનંદ મઠ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, જ્યારે ૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસનો મુખ્ય કાર્યક્રમ એકતા પરેડ યોજાશે. 
સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે નવું નજરાણું સમાન રેઇન ફૉરેસ્ટ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. ૪૭,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા રેઇન ફૉરેસ્ટનું નજરાણું નરેન્દ્ર મોદી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે. રેઇન ફૉરેસ્ટમાં ૨૨૦ મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવૉક બ્રિજ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. જમીનથી ઊંચે બનાવેલા ગ્લાસ વૉકવે પર ચાલતાં- ચાલતાં સહેલાણીઓ રેઇન ફૉરેસ્ટનાં પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી શકશે.  

gujarat news gujarat banaskantha narendra modi statue of unity gujarat government