13 August, 2024 11:00 AM IST | Gandhidham | Gujarati Mid-day Correspondent
ગાંધીધામ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત કચ્છના ગાંધીધામમાં ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રૅલી યોજાઈ હતી જેનો સંસદસભ્ય વિનોદ ચાવડાએ લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ રૅલી ગાંધી માર્કેટથી મુખ્ય બજારમાં ફરીને ઝંડાચોક ખાતે પૂરી થઈ હતી. તિરંગા રૅલીમાં પોલીસ, બૉર્ડર સિક્યૉરિટી ફાર્સ (BSF) તથા હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમ જ નાગરિકો જોડાયા હતા અને દેશભક્તિના નારાઓથી શહેર ગુંજી ઊઠ્યું હતું. ગાંધીધામ ઉપરાંત ભચાઉ, મુંદ્રા અને નખત્રાણા શહેર તેમ જ અબડાસા તાલુકામાં તથા લખપતમાં દયાપર તેમ જ મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા રૅલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમ જ નગરજનો જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેની એકતાનો પરિચય આપ્યો હતો.
નવસારી
બીજી તરફ નવસારીમાં ફુવારા સર્કલથી તિરંગા પદ યાત્રા યોજાઈ હતી જેને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેએ લીલી ઝંડી બતાવી હતી. નવસારીના માર્ગો પર હાથમાં તિરંગો લઈને નીકળેલા શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ‘જય હિન્દ’ના નારા લગાવ્યા હતા. યાત્રાને શહેરમાં અનેક જગ્યાએ આવકાર મળ્યો હતો.
બીલીમોરા
બીલીમોરામાં ૭૫ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં સ્થાનિક આગેવાનો, નાગરિકો ઉપરાંત વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતની વેશભૂષામાં જોડાયા હતા. આ યાત્રામાં નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC)ના વિદ્યાર્થીઓની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાં લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા. ભાવનગર જિલ્લાના ડુંગરપુર ગામે આંગણવાડીનાં ભૂલકાંઓએ ધાન્ય અને કઠોળમાંથી તિરંગો બનાવ્યો હતો. તિરંગો બનાવીને બાળકોએ એને સલામી આપી હતી.