31 December, 2024 11:56 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
વરુઓના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યાં શૂલપાણેશ્વર અભયારણ્ય
ગુજરાત પાસે મસમોટો વનવિસ્તાર છે અને એમાં અનેક પ્રકારનાં પશુ-પક્ષીઓ વિહરી રહ્યાં છે ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલા નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર અભયારણ્યનાં જંગલો વરુઓના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યાં છે. ગુજરાતના ૧૩ જિલ્લામાં વરુનો વસવાટ છે અને ગુજરાતના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં ૨૨૨ વરુઓ છે. જોકે વરુઓની વસ્તી આ આંકડા પ્રમાણે ઓછી છે.
ગુજરાતના ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ૮૦ વરુ છે, જ્યારે નર્મદા જિલ્લામાં ૩૯, બનાસકાંઠામાં ૩૬, સુરેન્દ્રનગરમાં ૧૮, જામનગર અને મોરબીમાં ૧૨–૧૨ તેમ જ કચ્છમાં ૯ વરુ છે. આ ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરુનું અસ્તિત્વ નોંધાયું છે. કચ્છના નાના અને મોટા રણને વરુઓના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવ્યું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને ધોલેરાની આસપાસનો પ્રદેશ વરુઓ માટે બીજું એક મુખ્ય સ્થાન છે. વન વિભાગ અને ગુજરાત ઇકોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં વરુ માટેના અનુકૂળ આવાસો દર્શાવતા નકશાની નકશાપોથી તૈયાર કરવામાં આવી છે. ગીર ફાઉન્ડેશનના રિમોટ સેન્સિંગ અને જ્યોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ જેવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી નકશાપોથીનું તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.