કોલ્ડપ્લે કૉન્સર્ટને લીધે અમદાવાદ મેટ્રોમાં નોંધાઈ રેકૉર્ડબ્રેક મુસાફરી

28 January, 2025 11:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પચીસમી જાન્યુઆરીએ એક જ દિવસમાં સૌથી વધુ ૨,૧૩,૭૩૫ મુસાફરોના વહનનો માઇલસ્ટોન થવા સાથે મુસાફરો વહન કરવાના અગાઉના તમામ રેકૉર્ડ તૂટ્યા છે.

રવિવારે મેટ્રો રેલ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર મુસાફરોની ભીડ.

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવાર અને રવિવારે યોજાયેલી કોલ્ડપ્લે કૉન્સર્ટ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશનને પણ ફળી છે અને મેટ્રો રેલે સૌથી વધુ મુસાફરો વહન કરવાનો રેકૉર્ડ કર્યો છે. પચીસમી જાન્યુઆરીએ એક જ દિવસમાં સૌથી વધુ ૨,૧૩,૭૩૫ મુસાફરોના વહનનો માઇલસ્ટોન થવા સાથે મુસાફરો વહન કરવાના અગાઉના તમામ રેકૉર્ડ તૂટ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવા માટે દેશભરમાંથી સંગીતરસિયાઓ ઊમટી પડ્યા હતા જેના કારણે ૨૫ અને ૨૬ જાન્યુઆરી એમ બે દિવસમાં મેટ્રો રેલમાં કુલ ૪,૦૫,૨૬૪ મુસાફરોએ મુસાફરી કરતાં રેકૉર્ડબ્રેકિંગ આંકડો નોંધાયો હતો. શનિવાર પચીસમી જાન્યુઆરીએ મેટ્રો રેલમાં ૨,૧૩,૭૩૫ મુસાફરોએ અને રવિવાર ૨૬ જાન્યુઆરીએ ૧,૯૧,૫૨૯ મુસાફોએ મુસાફરી કરી હતી. છેલ્લાં બે અઠવાડિયાંમાં શનિ અને રવિવારની સરખામણીએ કોલ્ડપ્લેની કૉન્સર્ટ દરમ્યાન લગભગ ૧ લાખથી વધારે મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. કૉન્સર્ટ માટે મેટ્રોએ એના સમયમાં ફેરફાર કરીને મોડી રાતે ૧૨.૩૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવી હતી અને દર આઠ મિનિટે મેટ્રો ટ્રેન ચલાવી હતી. દરરોજ નિયમિત ૩૧૩ મેટ્રો ટ્રેનની ટ્રિપ ચાલતી હોય છે, પરંતુ શનિવારે વધારાની ૯૩ ટ્રિપ અને રવિવારે વધારાની ૧૧૪ ટ્રિપ દોડાવી હતી.

આ પહેલાં ૨૦૨૪ની બાવીસમી મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચના દિવસે સૌથી વધુ ૧,૬૫,૫૦૪ મુસાફરોએ મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી. એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૨૩ની ૧૪ ઑક્ટોબરે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ મૅચ દરમ્યાન ૧,૪૨,૯૭૨ મુસાફરોએ અને ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપ ફાઇનલની મૅચ દરમ્યાન ૧,૩૭,૮૦૧ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી.

ahmedabad coldplay narendra modi stadium indian premier league gujarat gujarat news news