19 February, 2025 10:42 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઘાટલોડિયા વૉર્ડમાં BJPના ઉમેદવાર પ્રવીણ પટેલનો વિજય થયો હતો જેને સૌ કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP)નું કમળ ખીલ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત ગુજરાતની ૬૮માંથી ૬૦ નગરપાલિકામાં BJPએ વિજય મેળવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની અન્ય ચૂંટણીમાં પણ મોટા ભાગની બેઠકો પર BJPની જીત થતાં ગઈ કાલે ગુજરાત BJPના મુખ્ય કાર્યાલય કમલમમાં વિજયોત્સવ ઊજવાયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન તેમ જ ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એકબીજાનું મોં મીઠું કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
BJPએ ૬૦ નગરપાલિકા જીતી છે. ૭ નગરપાલિકા એવી છે જ્યાં ૧૦૦ ટકા સીટ BJP જીતી છે. આ ૭ નગરપાલિકામાં કૉન્ગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. બીજી પાંચ નગરપાલિકાઓમાં અપક્ષના સપોર્ટથી ગુજરાતમાં ૬૮માંથી કુલ ૬૫ નગરપાલિકામાં BJPનું બોર્ડ બનશે.
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય અને મધ્ય સત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત્ ખાલી પડેલી બેઠકોની ચૂંટણીની મતગણતરી ગઈ કાલે થઈ હતી. BJPનો કુલ ૧૬૦૮ બેઠક પર, કૉન્ગ્રેસનો ૩૦૨ બેઠક પર, આમ આદમી પાર્ટીનો ૩૧ બેઠક પર, બહુજન સમાજ પાર્ટીનો ૧૮ બેઠક પર, સમાજવાદી પાર્ટીનો ૪૩ બેઠક પર, અપક્ષોનો ૧૬૦ બેઠક પર તેમ જ અન્ય નાની-મોટી પાર્ટીનો કેટલીક બેઠકો પર વિજય થયો હતો.