07 November, 2023 10:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પાઇલટ કારને ગઈ કાલે લીંબડી અમદાવાદ હાઇવે પર બાઇક સાથે અકસ્માત થયો હતો. પાયલટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇકસવાર ઈજાગ્રસ્ત થતાં વિજય રૂપાણી તરત ઈજાગ્રસ્ત પાસે પહોંચી જઈને સારવારની વ્યવસ્થા કરાવીને માનવતા દાખવી હતી.
લીંબડી અમદાવાદ હાઇવે પર ચોરણિયા ગામ પાસેથી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમની પાઇલટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેને કારણે બાઇકચાલક પડી ગયા હતા અને પગે ઈજા થઈ હતી. અકસ્માત થતાં વિજય રૂપાણી તરત જ તેમની કારમાંથી નીચે ઊતરીને ઈજાગ્રસ્ત થયેલા આધેડ પાસે પહોંચી ગયા હતા અને તેમની સારવારની વ્યવસ્થા કરાવી હતી. સામાન્ય ઈજા પામેલા આધેડની પોલીસ-કર્મચારી પ્રાથમિક સારવાર કરી રહ્યા હતા ત્યારે વિજય રૂપાણી ત્યાં જ ઊભા રહ્યા હતા અને દેખરેખ રાખી રહ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્ત આધેડની સારવાર માટે વ્યવસ્થા કરીને લીંબડી હૉસ્પિટલમાં ખસેડાયા હતા.