બિપરજૉયની પઝલ : આવશે કે નહીં આવે?

09 June, 2023 09:11 AM IST  |  Mumbai | Rashmin Shah

પોરબંદરથી અંદાજે ૯૭૦ કિલોમીટર અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા સાઇક્લોનની દિશા નક્કી થઈ શકતી ન હોવાથી નિર્ણય નથી લઈ શકાતો કે એ પાકિસ્તાન તરફ ફંટાશે કે પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે?

વાવાઝોડાની અસરને કારણે ગઈ કાલે તિરુવનંતપુરમના કાંઠે ઊંચાં મોજા ઊછળ્યાં હતાં (તસવીર : પી.ટી.આઇ.)

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો ડિપ્રેશનને કારણે સર્જાયેલા બિપરજૉય સાઇક્લોને અત્યારે ગુજરાત સરકારને જબરદસ્ત અવઢવમાં મૂકી છે. અરબી સમુદ્રમાં પોરબંદરથી અંદાજે ૯૭૦ કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલા બિપરજૉયની ઝડપ કલાકની ૭ કિલોમીટરની છે છતાં એની દિશા ચોક્કસ ન હોવાને લીધે એ નિશ્ચિતપણે પાકિસ્તાન અને ઓમાન તરફ આગળ વધશે કે પછી ગુજરાતના પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે એ નક્કી થઈ શકતું નથી. અલબત્ત, ગુજરાત હવામાન વિભાગના કહેવા મુજબ આવનારા કલાકોમાં જ એ નિશ્ચિત થવાની પૂરી શક્યતા છે કે બિપરજૉયની દિશા કઈ રહે છે. આઇએમડી અમદાવાદનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ ‘બિપરજૉય જો પાકિસ્તાન-ઓમાન તરફ ફંટાશે તો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પવનની ગતિ પણ તેજ હશે.’

બિપરજૉયની સીધી અસર વચ્ચે આવતા ૨૪ કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો પણ જોવા મળશે અને પવન સાથે વરસાદ શરૂ થઈ શકે છે.

બિપરજૉય સાઇક્લોન હજી પણ ભરેલા નાળિયેર જેવું વર્તતું હોવાથી ગુજરાત સરકારે તમામ પ્રકારની ઇમર્જન્સી સૂચનાનો અમલ ચાલુ રાખ્યો છે.

બિપરજૉય જો પાકિસ્તાન-ઓમાન તરફ ફંટાશે તો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પવનની ગતિ પણ તેજ રહેશે. : મનોરમા મોહંતી, આઇએમડી-અમદાવાદનાં ડિરેક્ટર

porbandar pakistan arabian sea gujarat gujarat news Rashmin Shah