જામજોધપુરમાં અઢી ઇંચથી વધુ તો ભુજ–ગાંધીધામમાં દોઢ ઇંચ વરસાદ

16 June, 2023 10:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વાવાઝોડાને પગલે સાંજ સુધી ૧૩૧ તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ પડ્યો ઃ વરસાદ અને ભારે પવનને કારણે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો ઊખડી ગયાં

કચ્છમાં ગઈ કાલે બિપરજૉયના આગમન દરમ્યાન માંડવી બીચ ખાતે તહેનાત પોલીસ (તસવીર : પી.ટી.આઇ.)

બિપરજૉય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર–કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી હળવો વરસાદ પડ્યો છે. સાંજે ૬ વાગ્યા સુધી સૌરાષ્ટ્રના જામજોધપુરમાં અઢી ઇંચથી વધુ, જ્યારે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લાના ભુજ તેમ જ ગાંધીધામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ અને ભારે પવનને કારણે કચ્છ–સૌરાષ્ટ્ર ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ વૃક્ષો ઊખડી ગયાં હતાં.

કચ્છના માંડવીમાં ગઈ કાલે બિપરજૉયને કારણે ભારે વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૧૩૧ તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકામાં ૬૮, ભુજ અને ગાંધીધામમાં ૩૭, માંડવીમાં ૩૩, ધ્રોલ અને કાલાવડમાં ૨૯ અને ભચાઉમાં ૨૪ મિમી વરસાદ પડ્યો હતો.

માંડવીથી જખૌ જવાના માર્ગ પર વીજપોલ ધરાશાયી થયા હતા

વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, ઉપરાંત ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, મહીસાગર, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. 

દ્વારકાના ગોમતી ઘાટ પર ગઈ કાલે ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં

cyclone biparjoy cyclone bhuj kutch gandhidham gujarat gujarat news