રાજકોટઃ અરબી સમુદ્ર પર સર્જાયેલા સાઇક્લોન બિપરજૉયે હવે ગુજરાત છોડી દીધું છે, પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે એની અસર ઓછી થઈ ગઈ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ સોમવાર સુધી ગુજરાતમાં બિપરજૉયની અસર અકબંધ રહેશે અને એને લીધે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડશે. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘બિપરજૉયની પોસ્ટ ઇફેક્ટને કારણે બની શકે કે સોમવાર સુધી કચ્છ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને દરિયાકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે પવનની ગતિ પણ તેજ રહેશે.’વરસાદની અનિશ્ચિતતાને લીધે જો અનિવાર્ય ન હોય તો આવતા ૪૮થી ૭૨ કલાક ગુજરાતનો પ્રવાસ કોઈએ ન કરવો જોઈએ.બિપરજૉયને કારણે ગુજરાતનું જે વાતાવરણ ડિસ્ટર્બ થયું છે એને ફરીથી રાબેતા મુજબનું થવામાં એક વીક જેટલો સમય લાગશે. મનોરમા મોહંતીએ કહ્યું કે ડિસ્ટર્બ થયેલી વેધરને કારણે રવિવાર પછી દિવસ દરમ્યાન ત્રણ ઋતુનો અનુભવ થઈ શકે છે. જો ચોમાસાની શરૂઆતમાં જ ત્રણ ઋતુનો અનુભવ કરવાનું આવશે તો બની શકે કે ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળે, જે બિપરજૉયની જ પોસ્ટ-ઇફેક્ટ ગણાશે.
17 June, 2023 11:03 IST | Rajkot | Rashmin Shah