25 April, 2026 08:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લાપંચાયતો તથા ૨૬૦ તાલુકાપંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત્ત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટાચૂંટણીઓ માટે ૨૬ એપ્રિલે મતદાન થશે. મતદાનના દિવસે ગુજરાતમાં ગરમી અને હીટવેવની આગાહીને કારણે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. એ દિવસે ચૂંટણીમથકો પર ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન (ORS)નાં પૅકેટ અને દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં મુકાશે. એ ઉપરાંત ઍમ્બ્યુલન્સ તહેનાત રખાશે. અમદાવાદમાં ગઈ કાલથી ૭ દિવસ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સુધી જવાની શક્યતા દર્શાવાઈ છે. મતદાનના દિવસે ભારે ગરમી પડશે. એ ઉપરાંત ૨૮ એપ્રિલે મતગણતરીના દિવસે પણ અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરાઈ છે અને એ દિવસે તાપમાન ૪૨ ડિગ્રી રહેવાની સંભાવના છે. ગરમીને કારણે અમદાવાદ જિલ્લામાં મતદારો માટે મતદાનમથકોએ મંડપ બાંધવામાં આવશે તેમ જ મેડિકલ સેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે ચૂંટણી દરમ્યાન આરોગ્ય વિભાગ સજ્જ થયો છે. હીટવેવ સામે તૈયારીઓ કરી લીધી છે. ગઈ કાલે કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જિલ્લાના કમ્યુનિટી હેલ્થ સેન્ટરના અધીક્ષકો, તાલુકા હેલ્થ ઑફિસરો સાથે વિડિયો-કૉન્ફરન્સ દ્વારા બેઠક યોજીને હીટવેવ સામે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. ૧૧,૭૨૯ આઇસપૅક ઉપલબ્ધ રખાયાં છે જેથી હીટવેવથી અસરગ્રસ્ત દરદીને તાત્કાલિક સારવાર આપી શકાય. હીટવેવ માટે જિલ્લાની હૉસ્પિટલમાં ૭૦ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઉપરાંત ૩૮ ઍમ્બ્યુલન્સ, ૩૪ મોબાઇલ ટીમ અને ૪૧૬ પૅરામેડિકલ ટીમને તાત્કાલિક કામગીરી માટે તહેનાત રખાઈ છે.