04 August, 2023 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અચ્યુત યાજ્ઞિક
ગુજરાત (Gujarat)ના અગ્રણી વિચારક, ઈતિહાસકાર, કેળવણીકાર, પત્રકાર, સમાજ સુધારક અને લેખક એવા અચ્યુત યાજ્ઞિકનું નિધન થયું છે. અચ્યુત યાજ્ઞિક ગુજરાત વિશે સારી એવી જાણકારી ધરાવતા હતા. ગુજરાતને લગતી કોઈપણ બાબત હોય તેઓ હંમેશા સંદર્ભ સાથે વાત કરી શકતા હતા.
તેઓની ‘સેતુ’ સંસ્થા ખૂબ જ જાણીતી છે. અનેક લોકોને તેમણે ગ્રામીણ ઇન્ટર્નશિપ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ બાબત પરથી તેમની ગ્રામ ઉત્થાનની ભાવના સમજી શકાય છે. આ સાથે તેઓ સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન, અમદાવાદના માનદ સચિવ પણ હતા. જે પશ્ચિમ ભારતના પછાત સમુદાયો વચ્ચે કામ કરતી એક સામાજિક સંસ્થા છે.
તેઓએ દલિત આંદોલનમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ સાથે જ પ્રગતિશીલ ચળવળો હોય કે પછી વિચારમંથનો હોય તેમાં તેમની હાજરી રહેતી. અચ્યુતભાઈ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. ગુજરાતી પત્રકારત્વમાં અચ્યુતભાઈનું સારું પ્રદાન છે. તેમણે `સેતુ` સંસ્થા મારફતે અનેક પ્રકારના પ્રકાશનો પણ કર્યા છે.
અચ્યુત યાજ્ઞિકે 1970થી 1980 સુધી અમદાવાદમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. તેઓ વર્કિંગ જર્નાલિસ્ટ યુનિયન અને પ્રેસ વર્કર્સ યુનિયનના સક્રિય સભ્ય હતા. ત્યારબાદ તેઓએ દિલ્હીમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના લોકાયણ પ્રોજેક્ટના ગુજરાત સંયોજક તરીકે તેમજ ગુજરાત પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL)ના જનરલ સેક્રેટરી તરીકે પોતાની ફરજ બજાવી હતી.
તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઘણા પુસ્તકો લખ્યા છે. જેમાં 1995માં "ક્રિએટિંગ અ નેશનલિટી: રામજન્મભૂમિ મૂવમેન્ટ એન્ડ ફીયર ઓફ ધ સેલ્ફ" લખ્યું હતું. ઉપરાંત તેઓએ "ધ મેકિંગ ઓફ મોર્ડન ગુજરાત"માં સહ-લેખક તરીકે પણ કામ કર્યું હતું.
અચ્યુત યાજ્ઞિક 1986થી 1987 સુધી ટોક્યો (Tokyo)માં યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીમાં સલાહકાર પણ રહી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના ગુજરાતી સંશોધન જર્નલ `અર્થત`ના સ્થાપક સંપાદક હતા. તેઓએ ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીના ગુજરાત સંવાદદાતા તરીકે પણ કામ કર્યું હતું. આટલી બહુમુખી પ્રતિભા ધરાવતા અચ્યુત યાજ્ઞિકે ગુજરાત યુનિવર્સિટીમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે પણ પોતાની સેવા આપી હતી.
માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમણે કોલંબિયા, શિકાગો અને બર્લિનની યુનિવર્સિટીઓમાં લેક્ચર્સ આપ્યા હતા. તેમના નિધન પર અનેક લોકો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
ફેસબુક યુઝર અનુરાગ ચતુર્વેદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અચ્યુત યાજ્ઞિક એ ગુજરાતના પ્રતિષ્ઠિત ચિંતક, લેખક, સામાજિક કાર્યકર, પત્રકાર, સંઘવાદી અને અનેક લોક ચળવળના કાર્યકર હતા. તેમનું આજે સવારે નિધન થયું છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા. તેઓ શેપિંગ ઓફ મોર્ડન ગુજરાતના સહ-લેખક હતા. શ્રદ્ધાંજલિ. અચ્યુતભાઈ.”