28 January, 2026 10:44 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
કચ્છના સફેદ રણમાં વિશ્વના સૌથી મોટા તિરંગાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સોમવારે કચ્છના સફેદ રણમાં વિશ્વના સૌથી મોટા ૨૨૫ ફુટ લાંબા અને ૧૫૦ ફુટ પહોળા એવા વિશાળ તિરંગાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય સેના અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોએ લશ્કરી સન્માન સાથે આ તિરંગાને સલામી આપી હતી.
ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આ ધ્વજ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ધ્વજ ૨૨૫ ફુટ લાંબો, ૧૫૦ ફુટ પહોળો અને આશરે ૧૪૦૦ કિલો વજનનો છે. આ ધ્વજ બનાવવા માટે હાથથી કાંતેલી અને હાથથી વણાયેલી ખાદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ્વજમાં અશોકચક્રનો વ્યાસ ૩૦ ફુટનો છે. આ ધ્વજ તૈયાર કરવામાં ૭૦ કારીગરોને ૪૯ દિવસ લાગ્યા હતા.
સફેદ રણમાં ધોરડો નજીક આ વિશાળ ધ્વજ પ્રદર્શિત કરવામાં આવતાં દેશભક્તિ અને સ્વદેશી શક્તિનો સંગમ જોવા મળ્યો હતો. દેશભરના ખાદીકારીગરોએ વિડિયો-સંદેશ દ્વારા આ ધ્વજને સલામી આપી હતી. આ સમારોહમાં ભારતીય સેના અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના અધિકારીઓ અને જવાનો, સ્થાનિક નાગરિકો તેમ જ કારીગરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને ઑપરેશન સિંદૂરના સૈનિકોને સમર્પિત કરવામાં આવ્યો હતો.