03 May, 2026 11:38 AM IST | Mumbai | Rashmin Shah
૮ કિલો વજનનું બ્રાસનાં ૭૨ લેયરવાળું ઍસ્ટ્રોલૅબ તરીકે જાણીતું આ સુપરકમ્પ્યુટર ભવિષ્યની આગાહી, પંચાંગ, દિશાસૂચન, ગ્રહોની સ્થિતિ દર્શાવે છે. એના પર સંસ્કૃત અને ફારસી બન્ને ભાષામાં લખાણ છે.
મહારાજા સવાઈ માનસિંહના ખજાનામાં રહેલા વીજળી વિના ચાલતા ઍસ્ટ્રોલૅબ તરીકે ઓળખાતા ઐતિહાસિક ડિવાઇસથી ગ્રહોની દશા અને એની મૂવમેન્ટથી લઈને મક્કાની દિશા અને તારાઓ વચ્ચેનું અંતર માપી શકાતું હોવાથી એને એ જમાનાનું સુપરકમ્પ્યુટર કહેવાતું હતું. ભારતની સમૃદ્ધ વૈજ્ઞાનિક વિરાસતના પ્રતીક સમા આ સ્માર્ટ ડિવાઇસ વિશે જાણીએ
જો આ જ લંબાઈ-પહોળાઈનો બ્રાસનો ટુકડો તમે બ્રાસનગરી એવા જામનગરમાં જઈને માગો તો તમને એ અંદાજે ચારેક હજાર રૂપિયામાં મળી જાય, પણ સત્તરમી સદીમાં બનેલું ખાસ સાધન ગયા અઠવાડિયે લંડનમાં યોજાયેલી હરાજીમાં વેચાવા નીકળ્યું ત્યારે એના ૨.૭પ મિલ્યન ડૉલર રૂપિયા ઊપજ્યા. મોઢામાંથી અધધધ નીકળી જાય એવી આ રકમ આવવા પાછળનું કારણ એ છે કે આ ઍસ્ટ્રોલૅબ જગતનું એકમાત્ર એવું સાધન છે જેને દુનિયાના પહેલા સ્માર્ટ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહોથી માંડીને નક્ષત્રની દશા, એનું સ્થાન, ગ્રહો અને તારાઓની મૂવમેન્ટ માપવાથી લઈને ઊંચાઈ અને ઊંડાઈ સુધ્ધાં માપવાની ક્ષમતા ધરાવતું આ ઍસ્ટ્રોલૅબ જયપુરના રાજવી સવાઈ માનસિંહ (બીજા) પાસે હતું જે તેમના અવસાન પછી મહારાણી ગાયત્રીદેવી પાસે આવ્યું અને પછી તેમના ખાનગી સંગ્રહમાં સ્થાન પામ્યું. આ ઍસ્ટ્રોલૅબની હરાજી લંડનના ઑક્શન હાઉસ સૉધબીઝે સંભાળી. સૉધબીઝના ઑફિશ્યલ સ્પોક્સમૅનનું કહેવું છે કે ઇસ્લામિક જગતના કોઈ પણ ઍસ્ટ્રોલૉજિકલ સાધનની અત્યાર સુધીમાં થયેલી હરાજીમાં આ સૌથી ઊંચી રકમ આવી છે. જગતભરના ઑક્શન હાઉસમાં જબરદસ્ત માન ધરાવતી સૉધબીઝ નામની આ બ્રિટિશ સંસ્થાના ઇસ્લામિક અને ઇન્ડિયન આર્ટ ડિપાર્ટમેન્ટના હેડ બેનેડિક્ટ કાર્ટરનું કહેવું છે કે જગતમાં અસ્તિત્વ ધરાવતી હોય એવી તમામ ઍસ્ટ્રોલૅબમાં આ સૌથી મોટી ઍસ્ટ્રોલૅબ છે અને એ જ એની સૌથી મોટી ખાસિયત છે. આ એવા સમયે બનેલી ઍસ્ટ્રોલૅબ છે જે સમયે ટેક્નૉલૉજીનો ઉદય પણ નહોતો થયો. આ ઍસ્ટ્રોલૅબનું તમામ કામ હસ્તકલાથી થયું છે.
ઍસ્ટ્રોલૅબ તરીકે દુનિયાભરમાં પોપ્યુલર થયેલું આ સાધન હરાજી પછી હવે ક્યાં જોવા મળી શકે છે એ વિશે જાણતાં પહેલાં તમારે એ સાધન આવ્યું ક્યાંથી એ જાણવું જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે એ સવાઈ માનસિંહ પાસે કેવી રીતે પહોંચ્યું?
સોધબીઝ પાસેથી અંદાજે ૨૬.૫ કરોડ રૂપિયામાં ઍસ્ટ્રોલૅબ ખરીદનારાનું નામ સોધબીઝે જાહેર નથી કર્યું. આ નામ જાહેર ત્યારે જ કરવામાં નથી આવતું જ્યારે ખરીદનારે શરત મૂકી હોય. સામાન્ય રીતે આવી શરત એવા જ સમયે મૂકવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ સંસ્થા કે વ્યક્તિગત રીતે કોઈએ એની ખરીદી કરી હોય. એવું માનવામાં આવે છે કે આ ઍસ્ટ્રોલૅબ ઇરાક, ઈરાન કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના કોઈ શ્રીમંત દ્વારા ખરીદવામાં આવ્યું હશે, જે એને પોતાના પ્રાઇવેટ કલેક્શનમાં રાખશે. ગાયત્રીદેવીએ પણ પોતાના અંગત કલેક્શનમાં જ એ રાખ્યું અને જીવનમાં ક્યારેય કોઈને જોવા મળ્યું નહીં. એવું જ હજી આ ઍસ્ટ્રોલૅબના નસીબમાં છે. સંભાવના ઓછી છે કે એ કોઈ મ્યુઝિયમમાં જોવા મળે.
ઍસ્ટ્રોલૅબ છે શું?
ઍસ્ટ્રોલૅબ એ ધાતુની તકતીઓનાં અનેક લેયર સાથે તૈયાર કરવામાં આવેલું એક એવું સાધન છે જે મૅન્યુઅલી કામ કરે છે. આપણે ત્યાં શ્રીયંત્ર છે જે આઠ લેયરમાં હોય છે, પણ આ ઍસ્ટ્રોલૅબ કુલ ૭૨ લેયરમાં હોય છે. સદીઓ પહેલાં આ ઍસ્ટ્રોલૅબનો ઉપયોગ સમય જોવાથી માંડીને સ્ટાર્સ કે પછી ગ્રહોનો નકશો તૈયાર કરવામાં થતો અને સાથોસાથ એનો ઉપયોગ મક્કાની દિશા શોધવામાં થતો. મુસ્લિમ કમ્યુનિટીમાં નમાઝ પઢતી વખતે મક્કા તરફ ચહેરો રાખીને બેસવાની પ્રથા છે, જેને લીધે આ ઍસ્ટ્રોલૅબ બહુ ઉપયોગી રહેતું. અલબત્ત, એનો અર્થ એવો નથી કે ઍસ્ટ્રોલૅબ તમામ મુસ્લિમો પાસે રહેતું. આની બનાવટમાં એ સ્તર પર ખર્ચ આવતો કે એ માલતુજાર મુસ્લિમ સિવાય કોઈને પરવડતું નહીં તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે આ ટેક્નૉલૉજી પણ કોઈ પાસે હતી નહીં. અલબત્ત, એવું પણ માનવામાં આવે છે કે આ ઍસ્ટ્રોલૅબનો મહદંશે ઉપયોગ બાદશાહ-શહેનશાહ જ કરતા અને એ પછી એનો ઉપયોગ કરનારા એ સમયના વૈજ્ઞાનિકો હતા. ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિસ્ટરી ઑફ સાયન્સના ડૉ. ફેડેરિકા ગિગાન્ટેના કહેવા મુજબ ઍસ્ટ્રોલૅબ એ થ્રી-ડાઇમેન્શનલ બ્રહ્માંડનું ટૂ-ડી એટલે કે ટૂ-ડાઇમેન્શનલ પ્રોજેક્શન છે. ડૉક્ટર ગિગાન્ટે પહેલી એવી વ્યક્તિ હતા જેમણે કહ્યું હતું કે આ ઍસ્ટ્રોલૅબને આજના સમયના સ્માર્ટ કમ્પ્યુટર કે સ્માર્ટફોન સાથે સરખાવી શકાય,. કારણ કે એ અનેકાનેક ઉપયોગમાં કામ કરતું હતું.
વાત ખોટી પણ નથી. ઍસ્ટ્રોલૅબના આધારે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય નક્કી થતો તો સાથોસાથ ઇમારતની ઊંચાઈ કે કૂવાની ઊંડાઈ જાણવા, બે શહેર વચ્ચેનું અંતર જાણવા અને ભવિષ્યની આગાહી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. આગળ કહ્યું એમ ઍસ્ટ્રોલૅબ દ્વારા મક્કાની દિશા તો જોઈ જ શકાતી, પણ એ હિન્દુઓને ઉપયોગી બને એ માટે એનો ઉપયોગ પંચાંગ તરીકે પણ થતો અને જ્યોતિષીય કુંડળી જોવા માટે પણ થતો. આ જ તો કારણ છે કે સોધબીઝ દ્વારા ઑક્શનમાં વેચાયેલા ઍસ્ટ્રોલૅબ પર લખવામાં આવેલા તારાઓનાં નામ ફારસી ભાષાની સાથે-સાથે સંસ્કૃતમાં પણ લખેલાં છે જે દર્શાવે છે કે એ સમયના (ખાસ તો) વૈજ્ઞાનિકો હિન્દુ અને ઇસ્લામિક બન્ને અવકાશ-જ્ઞાનનો ઉપયોગ કરતા.
ઍસ્ટ્રોલૅબનો ઉપયોગ જાણ્યો, હવે જાણો આ ઍસ્ટ્રોલૅબ બનાવ્યું કોણે?
એક સમયે મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય અને તેમનાં પત્ની મહારાણી ગાયત્રીદેવી પાસે આ સુપરકમ્પ્યુટર હતું.
આપણે જે ઍસ્ટ્રોલૅબની વાત કરીએ છીએ એ નામ તો અત્યારના સમયે એની ટેક્નૉલૉજીના આધારે ઊભું થયું છે, પણ હકીકતમાં એને સાયન્ટિસ્ટો ઇન્ડો-પર્શિયન ઍસ્ટ્રોલૅબના નામે ઓળખે છે, કારણ કે એ ભારત (ઇન્ડો) અને પર્શિયા એટલે કે ઈરાનની સંયુક્ત સંસ્કૃતિ અને નૉલેજનું પ્રતીક છે. આ ઍસ્ટ્રોલૅબ ગ્રીક ઍસ્ટ્રોલેબોસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે તારાઓ પકડનારો. પર્શિયન ઇતિહાસમાં આ ઍસ્ટ્રોલૅબનું નામ જામ-એ-જહાન-નુમા આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે એક એવો પ્યાલો જેમાં સમગ્ર વિશ્વ દેખાય છે.
આ શોધ કોની?
ઇતિહાસને ઘૂંટીને પી ગયા છે એવા ઇતિહાસકારોનું કહેવું છે કે આ ઍસ્ટ્રોલૅબની શોધ અને એનું ડેવલપમેન્ટ બીજી સદી BCEમાં ગ્રીસમાં થયું, પણ એની ડિમાન્ડ કે પછી એના ઉપયોગની મહતા વધી ઇસ્લામિક ધર્મના ફેલાવા પછી. આઠમી સદી સુધીમાં ઇસ્લામિક ધર્મ વિશ્વમાં ફેલાયો અને એ પછીના સૈકાઓમાં ઇરાક, ઈરાન, ઉત્તર આફ્રિકા અને સ્પેનમાં પણ ઍસ્ટ્રોલૅબ બનાવવાનું શરૂ થયું. જોકે એ સાધનોમાં ઘણી મર્યાદા હતી. કોઈ માત્ર ગ્રહોનું સંકલન કરી આપતું તો કોઈ ઍસ્ટ્રોલબેમાં માત્ર દિશાઓની ખબર પડતી. સોધબીઝે જે ઑક્શન કર્યું એ મહારાજા સવાઈ માનસિંહનું ઍસ્ટ્રોલૅબ જગતનું સૌથી આધુનિક ઍસ્ટ્રોલૅબ હતું એવું અનેક રીતે પુરવાર થયું છે.
આ ઍસ્ટ્રોલૅબ ૧૭મી સદીની શરૂઆતમાં અત્યારના પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં બન્યું. એ સમયે લાહોર મોગલ સામ્રાજ્યની અન્ડરમાં આવતું હતું અને લાહોર આ પ્રકારનાં લુહારી કામોમાં અવ્વલ હતું. ત્યાં અનેક લુહારો નાના પાયે ઍસ્ટ્રોલૅબ બનાવતા. આપણે જે ઍસ્ટ્રોલૅબની વાત કરીએ છીએ એ કાઇમ મોહમ્મદ અને મુકીમ મોહમ્મદ નામના બે ભાઈઓએ બનાવ્યું હતું. યાદ રહે, એ સમયે લાહોર આજનું NASA કે આપણા ISROના સ્તર પર કામ કરતું (વાંચો બૉક્સ), જેનો કાઇમ અને મુકીમ બહુ મહત્ત્વનો ભાગ હતા. ઍસ્ટ્રોલૅબ બનાવવાની આ જે કલા હતી એ એક જ પરિવારમાં જળવાયેલી રહેતી અને પેઢી દર પેઢી આગળ વધતી. આ બન્ને ભાઈઓએ સાથે મળીને બનાવેલાં માત્ર બે જ ઍસ્ટ્રોલૅબ જાણીતાં છે. બીજું ઘણું નાનું છે જે ઇરાકના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે અને સોધબીઝે ઑક્શન કર્યું એ ઍસ્ટ્રોલૅબ ખાસ્સું મોટું છે.
બનાવવામાં આવેલું આ મોટું ઍસ્ટ્રોલૅબ કાઇમ અને મુકીમે લાહોરના એ સમયના ઉમરાવ એવા આકા અફઝલ માટે બનાવ્યું હતું. આકા અફઝલ એ સમયે મોગલ સામ્રાજ્ય વતી લાહોરનો વહીવટ સંભાળતા. આકા અફઝલ મૂળ ઈરાનના ઇસ્ફાહાન નામના શહેરના. મોગલ સમ્રાટ જહાંગીર અને શાહજહાંના શાસનમાં તે બહુ મહત્ત્વના હોદ્દાઓ પર રહ્યા હતા. એ સમયે બનતા ઍસ્ટ્રોલૅબની સરખામણીમાં આ મહાકાય ઍસ્ટ્રોલૅબ બનાવવાનું કામ કરાવવું એ જ દેખાડે છે કે આકા અફઝલ પોતાની આલમને દેખાડવા માગતા હતા કે તે બીજા કરતાં ચડિયાતા છે.
આ મહાકાય ઍસ્ટ્રોલૅબની કેટલીક વિગતો તો આગળ આપી, પણ એ સિવાયની વાત કરીએ તો આ ઍસ્ટ્રોલૅબમાં એ સમયનાં ૯૪ શહેરોનાં નામ એના અક્ષાંશ અને રેખાંશ સાથે અંકિત છે તો ઍસ્ટ્રોલૅબમાં ૩૮ સ્ટાર પૉઇન્ટર્સ અને પાંચ ચોકસાઈપૂર્વક માપાંકિત પ્લેટ્સ છે. એમાં એક ડિગ્રીના ત્રીજા ભાગ સુધીના વિભાગો પાડવામાં આવ્યા છે, જે દેખાડે છે કે એ હદે બારીક વિગતો પર કામ કરવામાં આવ્યું છે.
આ અગાઉ સોધબીઝે ૨૦૧૪માં સુલતાન બાયઝિદ (બીજા) માટે બનાવવામાં આવેલા નાના ઍસ્ટ્રોલૅબનું ઑક્શન કર્યું હતું, જેના અંદાજે દસ કરોડ આવ્યા હતા. જરા વિચારો, આ ઍસ્ટ્રોલેબે એ રેકૉર્ડ તોડી નાખ્યો. કારણ, એ એકે હજારા જેવું છે.
લાહોર સ્કૂલ તરીકે પૉપ્યુલર થયેલી આ સ્કૂલ આજના NASA કે ISROના લેવલ પર કામ કરતી. અહીં સોળમી અને સત્તરમી સદીમાં વિશ્વવિખ્યાત કારીગરો અને ઍસ્ટ્રોનોમીના ધુરંધરો સાથે મળીને સંશોધનો કરતા. તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત છે કે લાહોર સ્કૂલની ખાસિયત હતી કે એમાં જે ટેક્નિકલ નૉલેજ આપવામાં આવતું એ એક જ પરિવારમાં સીમિત હતું. એ કળા બાપ પાસેથી દીકરાને વારસામાં મળતી, જેને ઉસ્તાદની ઉપાધિ પણ મળતી. મેટલૉજી, મૅથ્સ અને ઍસ્ટ્રોનોમી એમ ત્રણેત્રણ શાસ્ત્રમાં માસ્ટરી ધરાવતા આ જ પરિવારના કાઇમ મોહમ્મદ અને મુકીમ મોહમ્મદ ભાઈઓ હતા. તેમને દાદા અલ્લાહ-દાદ પાસેથી આ કારીગીરી શીખવા મળી હતી અને અલ્લાહ-દાદ જ લાહોર સ્કૂલના સ્થાપક હતા. કાઇમ અને મુકીમ એટલા માટે ખાસ બન્યા કે તેમણે વિજ્ઞાન અને કળાને એક કર્યાં. તેમણે બનાવેલાં સાધનો માત્ર ચોક્કસ ગણતરી જ નહોતાં આપતાં, જોવામાં પણ કોઈ કીમતી દાગીના જેવા સુંદર હતાં.
લાહોર સ્કૂલનાં સાધનોમાં ગણતરીની ભૂલ નહીંવત્ રહેતી. એ સમયના વહાણવટીઓ અને રાજાઓ આ જ સ્કૂલનાં સાધનો પર ભરોસો કરતા તો લાહોર સ્કૂલમાં પિત્તળ અને અન્ય ધાતુઓનું એવું મિશ્રણ વપરાતું કે વર્ષો પછી પણ આ સાધનો કાટ લાગ્યા વગર અકબંધ રહેતાં, જેને લીધે ઍક્યુરસીમાં પણ કોઈ અડચણ આવતી નહીં. લાહોર સ્કૂલની ત્રીજી વાત. આ સ્કૂલની સૌથી મોટી ખાસિયત એ હતી કે એ અરબી, ફારસી અને સંસ્કૃત એમ ત્રણેય પરંપરાની ભાષાને એક જ સાધનમાં કંડારી શકતી. આ સ્કૂલને મોગલ બાદશાહ હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાંનો સીધો સપોર્ટ હતો. બાદશાહોને યુદ્ધની રણનીતિ નક્કી કરવાથી લઈને ગ્રહો મુજબ પોતાનું નસીબ જોવા કે સમય જાણવા માટે સચોટ સાધનો જોઈતાં જે લાહોર સ્કૂલ દ્વારા પૂરાં પાડવામાં આવતાં. જોકે સમયની કઠણાઈ જુઓ. જ્ઞાનને માત્ર પરિવારમાં જ આપવા જેવી સંકુચિત માનસિકતાને લીધે લાહોર સ્કૂલ ખતમ થઈ ગઈ અને એ જ્ઞાન ઇતિહાસમાં ધરબાઈ ગયું.
પહોંચ્યું કેવી રીતે?
આ ઍસ્ટ્રોલૅબ મહારાજા સવાઈ માનસિંહ પાસે કેવી રીતે આવ્યું એ એક સવાલ છે, પણ એવું અનુમાન મૂકવામાં આવે છે કે મોગલ સામ્રાજ્યના અંત સમયે તેમને એ સામ્રાજ્ય દ્વારા જ ભેટ આપવામાં આવ્યું હોય અને અવકાશીય વિજ્ઞાનમાં ભારોભાર રસ ધરાવતા સવાઈ માનસિંહે એ ભેટનો સ્વીકાર કર્યો હોય. સવાઈ માનસિંહના મૃત્યુ બાદ આ ઍસ્ટ્રોલૅબ મહારાણી ગાયત્રીદેવી પાસે આવ્યું હોય.
ગાયત્રીદેવીએ લાંબો સમય એ પર્સનલ કલેક્શનમાં રાખ્યું અને એ પછી તેમણે રાજવી પરિવાર સાથે જોડાયેલી કોઈ વ્યક્તિને એ ભેટ તરીકે આપ્યું, જેણે સોધબીઝની સાથે ડીલ કરીને આ ઍસ્ટ્રોલૅબ ઑક્શન માટે આપ્યું. આ અંગત ચીજ હોવાથી ભારત સરકાર એના ઑક્શન સામે વિરોધ કરી શકે નહીં. સોધબીઝ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું ઑક્શન હાઉસ છે જે આ પ્રકારની ઐતિહાસિક ચીજવસ્તુઓનું ઑક્શન સંભાળે છે. આ પ્રકારના ઑક્શનમાં પહેલેથી એજન્સીની ટકાવારી નક્કી હોય છે, જે બાદ કર્યા પછી બાકીની રકમ ઑક્શન કરાવનારી વ્યક્તિને મળે છે.
સોધબીઝે આ ઍસ્ટ્રોલૅબનું આર્ટ્સ ઑફ ધી ઇસ્લામિક વર્લ્ડ ઍન્ડ ઇન્ડિયાના બૅનર હેઠળ ઑક્શન કર્યું હતું. સોધબીઝ આ ઍસ્ટ્રોલૅબને માત્ર ઍન્ટિક નથી માનતું. સોધબીઝનું કહેવું છે કે આ માનવઇતિહાસની બૌદ્ધિકતાની પ્રગતિની નિશાની છે. જે સમયે ટેક્નૉલૉજીનો જન્મ નહોતો થયો એ સમયે પણ લોકો મૅથ્સ અને સાયન્સની મદદથી બ્રહ્માંડને સમજવાનો પ્રયાસ કરતા અને એ પ્રયાસ દ્વારા જીવનમાં ગ્રહો દ્વારા કે કુદરતી રીતે આવનારા સંઘર્ષનો ઉકેલ શોધવાની કોશિશ કરતા.