17 April, 2026 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ
યુરિન ઇન્ફેક્શન પુરુષોમાં હોય કે સ્ત્રીઓમાં એ વારંવાર પાછું આવતું હોય છે, પણ બન્નેમાં આ ઇન્ફેક્શન થવા પાછળનાં કારણોમાં ફરક છે. પુરુષોમાં યુરિન ઇન્ફેક્શન ૬૦ વર્ષની ઉંમર પછી જ વધુ જોવા મળે છે. યુવાન પુરુષોમાં આ રોગ કૉમન નથી. વળી પુરુષોમાં આ ઇન્ફેક્શન હાઇજીન ખરાબ હોવાને કારણે જોવા મળતું નથી. હાઇજીન કરતાં કોઈ બીજી અંદરની પરિસ્થિતિ એના માટે જવાબદાર હોય છે. વળી પાણી વધારે પીવાથી પણ આ પ્રકારના ઇન્ફેક્શનમાં ફાયદો થતો નથી. સ્ત્રીઓમાં આ નુસખો કામ લાગે છે, પુરુષોમાં નહીં. વળી સ્ટોનને કારણે થતું ઇન્ફેક્શન પણ હોઈ શકે, પરંતુ એ વૃદ્ધ પુરુષોમાં ઓછું અને યુવાનોમાં વધુ જોવા મળે છે.
ઇન્ફેક્શન થાય ત્યારે શરૂઆતમાં યુરિનમાં બળતરા થાય, ઓછા-વત્તા અંશે તાવ આવે, અંદરથી સતત માંદા હોય એવું લાગ્યા કરે. આ ઇન્ફેક્શનની દવાઓ લઈને વ્યક્તિ ઠીક થઈ જાય છે, પણ ફરીથી એ ઊથલો મારે છે. આમ તો આ પ્રકારના ઇન્ફેક્શન પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. પહેલું તો એ સમજવું પડે કે તમારી ફોરસ્કિનને તમે ઉપર ખેંચી શકો છો કે નહીં. જો એમાં તકલીફ હોય તો વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે. બીજું એ કે તમે ડાયાબિટીઝ ચેક કરાવ્યું? વારંવાર ઇન્ફેક્શન થવાનું કૉમન કારણ ડાયાબિટીઝ હોઈ શકે છે. જોકે મોટી ઉંમરે આ ઇન્ફેક્શન પાછળનું કારણ મુખત્વે પ્રોસ્ટેટનું વધવું રહે છે. મોટી ઉંમરે પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય છે અને એની સાઇઝ મોટી થવાને કારણે એ એની આજુબાજુનાં અંગો પર પ્રેશર આપતી થઈ જાય છે. ખાસ કરીને મૂત્રાશય એને કારણે દબાય છે અને એને લીધે મૂત્રાશય પૂરેપૂરું ખાલી થતું નથી. એમાં પેશાબ વધુ સમય માટે ભરાઈ રહે છે. ભરાઈ રહેવાને લીધે પેશાબમાં ઇન્ફેક્શન થઈ જાય છે. ૬૦ વર્ષથી મોટી વયના દરદીઓમાં આ સૌથી સામાન્ય કારણ છે જેને લીધે તેમને યુરિન ઇન્ફેક્શન થતું હોય છે.
સામાન્ય યુરિનની ટેસ્ટ સિવાય પેટની સોનોગ્રાફી દ્વારા ખબર પડે છે કે વ્યક્તિને ઇન્ફેક્શન થવા પાછળનું મુખ્ય કારણ શું છે. જો આ કારણ કિડની સ્ટોન હોય તો એનો ઇલાજ એ રીતે અને પ્રોસ્ટેટની તકલીફ હોય તો એનો ઇલાજ જુદી રીતે કરવામાં આવે છે. મહત્ત્વનું એ છે કે એવું કોઈ કારણ નથી
જેનો અકસીર ઇલાજ આપણી પાસે ન હોય. જરૂરી એ છે કે તમે કોઈ યુરોલૉજિસ્ટને બતાવો અને જરૂરી ટેસ્ટ કરાવીને આ ઇન્ફેક્શન પાછળનું કારણ જાણી લો. જો કારણ શોધશો તો એ પાછું ન આવે એ માટેના પ્રયત્નો પણ કરી શકશો.