૨૫થી ૪૫ વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં પેશાબ પરનું નિયંત્રણ ઘટી શકે?

05 September, 2025 09:50 AM IST  |  Mumbai | Jigisha Jain

લાઇફસ્ટાઇલમાં નાનાઅમથા ફેરફાર પણ આ તકલીફમાં સહાય કરી શકે છે. શરમ છોડીને ચાલો આ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

તમે છીંકો, હસો, ઉધરસ આવે ત્યારે યુરિન પર કન્ટ્રોલ રહેતો નથી? આવું મોટી ઉંમરે સ્ત્રીઓમાં જોવા મળતું હોય છે; પણ આ તકલીફ ૨૫થી ૪૫ વર્ષની સ્ત્રીઓમાં પણ હોય છે. એનાં કારણો વૃદ્ધ સ્ત્રીઓ કરતાં ઘણાં જુદાં હોય છે. જરૂર છે આ પ્રૉબ્લેમને ગંભીરતાપૂર્વક લેવાની, એ માટે ડૉક્ટરને મળવાની અને એનું કારણ શોધવાની. લાઇફસ્ટાઇલમાં નાનાઅમથા ફેરફાર પણ આ તકલીફમાં સહાય કરી શકે છે. શરમ છોડીને ચાલો આ વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ

૪૦ વર્ષની કિંજલને કૉમેડી-શોઝ ખૂબ ગમતા. ઘરે કે ઇન્ટરનેટ પર તે ઘણા શોઝ જોતી રહેતી. તેના ફેવરિટ કૉમેડિયનનો શો જાહેર થયો. તેણે હોંશે-હોંશે મોંઘી ટિકિટ ખરીદી. પતિને સમય નહોતો એટલે તે એકલી શો જોવા ગઈ. શો ચાલુ થયો. ગજબ ખડખડાટ હસવું આવતું હતું, પરંતુ થયું એવું કે જોરથી હસવાને કારણે તેનું યુરિન લીક થઈ ગયું. એને લાગ્યું કે થોડું જ થયું છે એટલે તે ઊભી ન થઈ. પણ પછીના ૧ કલાકના શોમાં તેની વલે થઈ ગઈ. ફરી પાંચ મિનિટ પછી થોડું વધુ લીક થયું. તેણે વિચાર્યું કે આ તો ભારે કરી. ડ્રેસ પર યુરિનના ડાઘ હતા. બધા વચ્ચેથી ઊઠીને જવાય એમ નહોતું. ખૂબ જ શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ. કંઈ પણ થાય, હવે હસવું નથી. તેણે પ્રયત્ન કર્યો પણ ત્યાં જ બેઠાં-બેઠાં સાંભળતાં-સાંભળતાં હસવાનું રોકવું પણ અઘરું જ હતું. એકદમ ગંભીર બનીને તેણે શો જોયો. છતાં વચ્ચે બીજી બે-ચાર વાર હસવું આવી જ ગયું. હાલત ખૂબ કફોડી થઈ ગઈ હતી. દોઢ કલાકના શોમાં તેને હસવું હતું પણ રડી પણ ન શકાય એવી હાલત થઈ ગઈ. સાથે કોઈ હોત તો ઍટ લીસ્ટ કોઈની મદદ માગી લેત. આખો શો પત્યો ત્યાં સુધી સીટ પરથી તે ઊભી ન થઈ. થિયેટર ખાલી થઈ ગયું એટલે ત્યાંના ગાર્ડ જ બચ્યા ત્યારે પાછળ જોયા વગર એકદમ ઊઠીને તે ભાગી. તેની હિંમત નહોતી એ જોવાની કોઈએ જોયું કે નહીં. તે બસ ત્યાંથી ભાગી જવા માગતી હતી. આ બનાવે તેના પર ગંભીર અસર કરી. ઘરે પણ હવે મિત્રો ભેગા થાય ત્યારે હસવાનું તે ટાળે છે. યુરિન પાસ કરીને પણ બેઠી હોય તો પણ એક છીંક કે થોડું જોરથી હસાઈ જાય એટલે ગરબડ. વગર પૅન્ટી-લાઇનરે બહાર જવાનું તે ટાળવા લાગી છે. દિવસની ૨-૩ અન્ડરવેઅર તેણે બદલાવવી જ પડે છે. કોઈ દિવસ લીકેજ જેવું કશું હોતું નથી અને ક્યારેક હાલત કફોડી થઈ જાય છે. રૂટીનમાં તેને કોઈ તકલીફ પડતી નથી પરંતુ જેવા બધા ભેગા થાય, ઠઠ્ઠા-મશ્કરી ચાલુ થાય એટલે આવી બન્યું. કિંજલે તેની મમ્મીને વાત કરી. તેનાં મમ્મી શાંતાબહેન ૬૫ વર્ષનાં છે. તેમણે કહ્યું, ‘બેટા, મને પણ આ તકલીફ છે. નાનીને પણ હતી.’

સ્ત્રીઓમાં યુરિન પર નિયંત્રણ હટવું સામાન્ય છે. જોકે કિંજલે પૂછ્યું ત્યારે ખબર પડી કે શાંતાબહેનને તો છેલ્લા ૬ મહિનાથી જ આ તકલીફ ચાલુ થઈ છે. તેઓ જ્યારે ૪૦ વર્ષનાં હતાં ત્યારે તેમને આવી કોઈ તકલીફ નહોતી. શું ૨૫-૪૫ વર્ષની વયની અંદર પેશાબ પર અનિયંત્રણની સમસ્યા આવી શકે ખરી એ પ્રશ્ન કિંજલના મનમાં જન્મ્યો, પણ તેણે એ ડૉક્ટરને પૂછવાની તસ્દી લેવાનું માંડી વાળ્યું. પૅન્ટી-લાઇનરના સહારે કામ ચલાવવાનું તેને સરળ લાગ્યું.

શરમ

આમ પણ સ્ત્રીઓની સમસ્યાઓ બાબતે સ્ત્રીઓ બોલતી નથી, ચૂપ રહેવાનું અને છુપાવવાનું વધુ પસંદ કરે છે. એમાં પણ પેશાબ સંબંધિત સમસ્યા તો એવી છે જેમાં સ્ત્રીને શરમ વધુ આવે છે એટલે તે એના વિશે વાત જ નથી કરતી. મોટી ઉંમરની સ્ત્રીઓને પેશાબ પર નિયંત્રણ રહેતું નથી એની ઘણા લોકોને ખબર છે, પણ શું આ તકલીફ યુવાન છોકરીઓમાં પણ આવી શકે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં યુરોલૉજિસ્ટ ડૉ. અનીતા પટેલ કહે છે, ‘એકદમ નાની છોકરીઓમાં પણ પેશાબ અનિયંત્રણની સમસ્યા હોઈ શકે છે પણ એનું કારણ જન્મથી લઈને શરીરમાં કોઈ પ્રકારની ખામી હોય છે. એ માટે સર્જરીની પણ જરૂર પડી શકે છે પણ એ કૉમન નથી. બીજું એ સમજવાનું કે પુરુષોમાં યુરિનરી પૅસેજ ઘણો લાંબો હોય છે. સ્ત્રીઓમાં ગર્ભાશય અને વજાઇના હોય છે એટલે એ પૅસેજ ટૂંકો હોય છે. વળી સ્ત્રીઓ પ્રેગ્નન્સી અને ડિલિવરીમાંથી પસાર થતી હોય છે જે પુરુષોને થવું પડતું નથી એટલે પુરુષોમાં પેશાબના અનિયંત્રણની તકલીફ સ્ત્રીઓ કરતાં ઓછી જોવા મળે છે. મોટી ઉંમરની સ્ત્રીઓમાં પેશાબના અનિયંત્રણની સમસ્યા યુવાન સ્ત્રીઓ કરતાં વધુ જોવા મળે છે. પરંતુ અહીં સમજવાનું એ છે કે બન્નેમાં આ તકલીફ થવાનાં કારણો જુદાં છે એટલે ઇલાજ પણ એ રીતે જુદો થવાનો.’

ઓવર-ઍક્ટિવ બ્લૅડર

યુવાન વયે સ્ત્રીઓમાં પેશાબનું અનિયંત્રણ હોવા પાછળનાં કારણો સમજાવતાં ડૉ. અનીતા પટેલ કહે છે, ‘૨૫-૩૦ વર્ષની વયે જો સ્ત્રીઓમાં આ પ્રૉબ્લેમ જોવા મળે તો એનું કારણ ઓવર-ઍક્ટિવ બ્લૅડર હોઈ શકે છે. મૂત્રાશયે જેટલું કામ કરવું જોઈએ એના કરતાં એ વધુ કામ કરે તો એને ઓવર-ઍક્ટિવ બ્લૅડર કહેવાય છે. અત્યારે ખૂબ જ સારી દવાઓ આવે છે જેના વડે આપણે ઓવર-ઍક્ટિવ બ્લૅડરની સમસ્યાને દૂર કરી શકીએ છીએ. આવી સ્ત્રીઓમાં પહેલાં અમે એ ચેક કરીએ છીએ કે તેમને યુરિન ઇન્ફેક્શન તો નથી? યુરિનમાં ઇન્ફેક્શન હોય તો એને કારણે બ્લૅડર ઓવર-ઍક્ટિવ થઈ શકે છે. યુવાન વયે ડાયાબિટીઝ આવ્યો હોય તો પણ એવું થઈ શકે. પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ ઢીલા પડી ગયા હોય તો પણ ઓવર-ઍક્ટિવ બ્લૅડરની સમસ્યા રહે. આ સિવાય જો સ્ત્રી ઓબીસ હોય તો પણ આ તકલીફ આવી શકે છે અને જેને પાણી વધુ પીવાની આદત હોય તેને પણ આ પ્રૉબ્લેમ આવી શકે છે. આદર્શ રીતે જો તમે એક નૉર્મલ જીવન જીવતા હો અને ફિઝિકલ કામ વધુ ન હોય તો દોઢથી બે લીટર પાણી શરીર માટે પૂરતું થઈ જતું હોય છે. આ બધા જ કેસમાં ઓવર-ઍક્ટિવ બ્લૅડર થઈ શકે છે અને એને કારણે અનિયંત્રણની સમસ્યા આવી શકે છે. કેટલાક કેસમાં જેમાં દવાઓ કે એક્સરસાઇઝ કામ ન કરે એમાં બોટોક્સનાં ઇન્જેક્શનનો ઉપયોગ કરી ઓવર-ઍક્ટિવ બ્લૅડરને ઠીક કરવાનો પ્રયાસ થાય છે.’

સ્ટ્રેસ-લીકેજ

૪૫ વર્ષથી નીચેની ઉંમરમાં સ્ત્રીઓના આ અનિયંત્રણ પાછળનાં બીજાં કારણો સ્પષ્ટ કરતાં ડૉ. અનીતા પટેલ કહે છે, ‘આ સિવાય પ્રેગ્નન્સી અને ડિલિવરીમાં એવા ઘણા બનાવો હોય છે જેમ કે નૉર્મલ ડિલિવરી એટલે કે વજાઇનલ ડિલિવરી થઈ હોય અને એમાં પણ એ ખૂબ લાંબી ચાલી હોય, બાળક થોડું મોટું હોય તો આ બનાવો દરમિયાન સ્ત્રીના એ જગ્યાના સ્નાયુઓ ખૂબ વધુ ખેંચાઈ જતા હોય છે. આમ તો આ સ્નાયુમાં રિકવરી પોટેન્શિયલ એટલે કે ફરી પહેલાં જેવું થવાની શક્યતા ઘણી વધુ હોય છે, પણ અમુક સ્ત્રીઓમાં આ સ્નાયુ ઢીલા થઈ જાય જેને કારણે જ્યારે જરૂર હોય ત્યારે આ સ્નાયુ મૂત્રાશય કે બ્લૅડરને સાથ નહીં આપે. એટલે અનિયંત્રણની તકલીફ આવે છે. આથી એ સમયે ખાસ તો ઉધરસ આવે, છીંકો આવે, તમે જોરથી હસો કે કૂદો, દોડો તો પેશાબ લીક થવાની શક્યતા રહે છે. આ સમસ્યા ૪૦-૪૫ વર્ષની વયે સ્ત્રીઓમાં જોવા મળી શકે છે. ઘણી સ્ત્રીઓમાં પરંપરાગત રીતે કૉલેજન ટિશ્યુ નબળા હોય એવું બને. એ જન્મથી જ નબળા હોય તો તેમને પ્રેગ્નન્સી ન આવી હોય એમ છતાં આ તકલીફ આવી શકે છે. કોઈ પણ પ્રકારના આવા સ્ટ્રેસને કારણે પેશાબ લીક થાય તો એને સ્ટ્રેસ-લીકેજ કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને આ સ્ટ્રેસ-લીકેજ માટે મિડ યુરેથ્રલ સ્લિંગ નામની સર્જરીથી રાહત આપી શકાય છે.’

ઉપાય

સૌથી પહેલાં તો એ જરૂરી છે કે કોઈ પણ સ્ત્રી આ બાબતે શરમ ન અનુભવે અને વાત કરતી થાય. તેનું તેના યુરિન પર નિયંત્રણ કેમ નથી એનું કારણ તપાસવા માટે તે એક વખત યુરોલૉજિસ્ટની મુલાકાત લે એ જરૂરી છે. યુરોલૉજિસ્ટ યુરિન ટેસ્ટ, સોનોગ્રાફી કરાવવાનું કહેશે. બધી બાબતોને જાણીને તે તારણ સુધી પહોંચશે. એના ઉપાય માટે અમુક લાઇફસ્ટાઇલ બદલાવ કરવા જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. અનીતા પટેલ કહે છે, ‘વજન ઓછું કરવું જરૂરી છે. તમને પુષ્કળ ચા અને કોફી પીવાની ટેવ હોય અને તમે એ લેતા હો તો એ બંધ કરવું જરૂરી છે કારણ કે કૅફીન અને ટેનિન બન્ને બ્લૅડરને સ્ટિમ્યુલેટ કરે છે. જો તમે વધુપડતું પાણી પીતા હો તો આ આદત બદલાવો. રાત્રે સૂવાના ત્રણ કલાક પહેલાં જમવાનું પતી જવું જોઈએ અને પાણી પણ ત્યારે જ પી લેવું. ૩ કલાકનો ગૅપ રાખીને જ સૂવું. આ સિવાય પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે કસરત કરવી જરૂરી છે. આ માટે કીગલ્સ એક્સરસાઇઝ પણ ઘણી ઉપયોગી છે. કોઈ જાણકાર પાસે શીખી શકો અથવા તો ઇન્ટરનેટ પર જોઈને એ પ્રૅક્ટિસ કરાય. એ સરળ છે પણ અતિ ઉપયોગી છે.’

બીજી તકલીફો 
તમારું યુરિન લીક થાય છે એને કારણે તમને યુરિન-ઇન્ફેક્શન ક્યારેય નહીં થાય પરંતુ જ્યારે પેશાબ બહાર આવી જતું હોય ત્યારે અન્ડરવેઅર ભીની રહે એવું બને છે. એને કારણે પ્રાઇવેટ એરિયાની સ્કિન પર ઇન્ફેક્શન થાય છે. એ સ્કિન પરનું ઇન્ફેક્શન હોય છે જેમાં ખંજવાળ આવે, બળતરા થાય. એનો ઇલાજ સ્કિન લેવલ પરનો હોય છે. ક્યારેક આ સ્કિન-ઇન્ફેક્શન ધ્યાન ન આપો તો ૧૦-૨૦ દિવસ જેટલું લાંબું ચાલે છે.

life and style healthy living health tips columnists Jigisha Jain