22 October, 2026 05:18 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
વાક્ય શરૂ કરતાં પહેલાં જ શબ્દો જાણે હોઠ પર અટકી જતા હોય છે. સામેની વ્યક્તિ રાહ જોઈ રહી હોય અને પોતાની જ વાત પૂરી કરવામાં થોડી વધુ ક્ષણો લાગી જાય. આવી સ્થિતિનો સામનો કરતી વ્યક્તિ માટે મુશ્કેલી માત્ર બોલવામાં થતી અડચણ પૂરતી નથી રહેતી. ધીમે-ધીમે લોકો શું વિચારશે, મજાક તો નહીં કરેને, ૪ લોકો વચ્ચે બોલવું પડશે ત્યારે શું થશે જેવા સવાલો પણ મનમાં ઘર કરવા લાગે છે. બોલતી વખતે તોતડાવું કે હકલાવું એ કંઈ શરમજનક સમસ્યા નથી. હા, એનાથી વ્યક્તિના મગજમાં કૉમ્પ્લેક્સ ઊભો થાય છે. જોકે સ્પીચ-પ્રૅક્ટિસ અને શ્વાસોચ્છ્વાસ પર કન્ટ્રોલ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડન, સિંગર એડ શીરન અને વિન્સ્ટન ચર્ચિલથી લઈને હૃતિક રોશન, પરેશ રાવલ, રણબીર કપૂર જેવી ઇન્ડિયન સેલિબ્રિટીઝ પણ બાળપણમાં સ્ટૅમરિંગ કે સ્ટટરિંગનો ભોગ બની ચૂકી છે ત્યારે આવું થવા પાછળનાં કારણો અને એના સૉલ્યુશન વિશે વિલે પાર્લેનાં અનુભવી સ્પીચ-થેરપિસ્ટ અને ઑડિયોલૉજિસ્ટ ડૉ. દેવાંગી દલાલ પાસેથી જાણીએ અને સમજીએ.
ડર કારણ છે કે પરિણામ?
હકલાવું બુદ્ધિની ખામી નથી અને માત્ર ડર કે ગભરાટને કારણે થતું નથી. મૉડર્ન રિસર્ચ એને ભાષા, અવાજ પેદા થવાની ટેક્નિકલ પ્રક્રિયા, વિકાસ અને આનુવંશિક પરિબળો સહિત અનેક પરિબળો સાથે જોડાયેલી જટિલ ન્યુરો-ડેવલપમેન્ટલ સ્થિતિ તરીકે જુએ છે. હકલાવા વિશે સમાજમાં સૌથી સામાન્ય માન્યતા એ છે કે બાળક ડરી ગયું હશે એટલે અટકી-અટકી બોલે છે. હકીકત એટલી સરળ નથી. વાણી ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં મગજ, ભાષા, શ્વાસ, અવાજ અને મોં-જીભની અત્યંત ઝડપી અને સંકલિત કામગીરી થાય છે. સ્ટટરિંગમાં આ પ્રક્રિયાની ગતિ અને સંકલનમાં તફાવત જોવા મળી શકે છે. સંશોધન એ પણ દર્શાવે છે કે આનુવંશિક તથા વિકાસ સંબંધિત પરિબળો એની શરૂઆત અને ચાલુ રહેવાની સંભાવનામાં ભૂમિકા ભજવી શકે છે. બાળકની વાણીનું મૂલ્યાંકન કરતી વખતે માત્ર તે કેવી રીતે બોલે છે એટલું જ નહીં, તે
કેટલું સારી રીતે સાંભળે છે એ પણ જોવું જરૂરી છે. વારંવાર કાનમાં ઇન્ફેક્શન થવું, કાનમાં પ્રવાહી ભરાવું અથવા અન્ય હિયરિંગની સમસ્યાને કારણે બાળકને ભાષા અને ઉચ્ચાર શીખવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે હિયરિંગ પ્રૉબ્લેમ અને સ્ટટરિંગ એક જ સમસ્યા નથી. જરૂરી જણાય ત્યારે કાનની તપાસ કરાવવી મહત્ત્વપૂર્ણ છે.
ડર, ઉતાવળ, સામાજિક દબાણ અથવા હવે તો અટકવાનું નહીં જેવી ચિંતા કેટલાક લોકોમાં હકલાવાની તીવ્રતા વધારી શકે છે. એટલે ડર હંમેશાં મૂળ કારણ નથી, પરંતુ હકલાવા સાથે જોડાયેલી પરિસ્થિતિને અસર કરી શકે છે. ખાસ કરીને બાળક અચકાઈને બોલે ત્યારે માતા-પિતા કે આસપાસના લોકોની અતિશય ચિંતા, સતત ટોકાટોકી અથવા તરત સુધારવાની કોશિશ બાળકને પોતાની વાણી પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે.
નાની ઉંમરે અટકવું હંમેશાં ચિંતાની વાત નથી
નાનાં બાળકોમાં ભાષા ઝડપથી વિકસતી હોય છે. આ સમયગાળા દરમ્યાન બાળક વિચારો જેટલી ઝડપથી શબ્દોમાં વ્યક્ત ન કરી શકે અને કેટલીક સામાન્ય અચકાટવાળી બોલચાલ જોવા મળી શકે છે, પણ જો વારંવાર અવાજ કે શબ્દના ભાગનું પુનરાવર્તન થતું હોય, લાંબા સમય સુધી અવાજ ખેંચાતો હોય, શબ્દ બોલતાં બ્લૉક થતો હોય અથવા બાળક બોલતી વખતે ચહેરા પર તનાવ, આંખ મીંચવી, હોઠ કસવા કે શરીરમાં વધારાની હલચલ કરતું હોય તો નિષ્ણાતની સલાહ લેવી
યોગ્ય છે. વાણીના વિકાસ સાથે સાંભળવાની ક્ષમતા તથા ભાષા સમજવાની અને ભાષા વ્યક્ત કરવાની ક્ષમતાનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી બની શકે છે.
કયા બાળકમાં હકલાવું લાંબા સમય સુધી રહેશે એ ચોક્કસ રીતે અગાઉથી કહી શકાય એમ નથી. માતા-પિતા માટે સૌથી અગત્યની વાત એ છે કે બાળક થોડું મોટું થશે એટલે બધું આપોઆપ સારું થઈ જશે એમ માનીને લાંબો સમય રાહ ન જુઓ. ચિંતા હોય તો સ્પીચ-લૅન્ગ્વેજ પૅથોલૉજિસ્ટ અથવા સ્પીચ-થેરપિસ્ટનું મૂલ્યાંકન કરાવવું વધુ યોગ્ય છે.
સ્પીચની સાથે વાતાવરણનું ઘડતર
બાળપણની શરૂઆતનાં વર્ષો ભાષા-સંવાદ અને સામાજિક કૌશલ્યના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આ સમયગાળામાં બાળક સાથે સતત વાતચીત કરવી, વાર્તા કહેવી, પ્રશ્નો પૂછવા, ગીતો ગાવાં અને બાળક શું કહે છે એ ધ્યાનથી સાંભળવું જરૂરી છે. આજે નાના બાળકને વ્યસ્ત રાખવા માટે મોબાઇલ અથવા ટૅબ્લેટ આપી દેવું સામાન્ય બન્યું છે. સ્ક્રીન પોતે દરેક સ્પીચ-પ્રૉબ્લેમનું કારણ છે એવું કહેવું યોગ્ય નથી, પણ સ્ક્રીનને કારણે જો બાળક અને પરિવાર વચ્ચેનો સીધો સંવાદ ઘટી જાય તો ભાષા અને સંવાદની તક ઘટી શકે છે. બાળકને માત્ર સ્ક્રીન સામે બેસાડવાને બદલે તેની સાથે વાત કરવી, રમવું અને તેની વાત સાંભળવી વધુ ઉપયોગી કમ્યુનિકેશનનું વાતાવરણ ઊભું કરે છે. બાળકોને વસ્તુઓ બતાવીને એનાં નામ પૂછવાં, રોજિંદી પ્રવૃત્તિઓ દરમ્યાન વાતચીત કરવી, ચિત્રની વાર્તા કહેવી અને બાળકને પોતાના શબ્દોમાં જવાબ આપવા પ્રોત્સાહિત કરવું આવી નાની-નાની બાબતો ભાષાકીય વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે.
શું સ્પીચ-થેરપીથી સમસ્યા પૂર્ણપણે દૂર થાય?
આ પ્રશ્નનો એક જ જવાબ નથી. બાળપણમાં શરૂ થયેલા હકલાવામાં કેટલાંક બાળકો સમય જતાં સ્વાભાવિક રીતે રિકવર કરે છે, જ્યારે કેટલાંકમાં એ આગળ પણ ચાલુ રહી શકે છે. વ્યક્તિની ઉંમર, હકલાવાની પ્રકૃતિ, પરિવારનો ઇતિહાસ અને અન્ય વિકાસલક્ષી પરિબળો સહિત અનેક બાબતો સારવારના અભિગમને અસર કરી શકે છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે પણ થેરપીનો હેતુ માત્ર દરેક શબ્દ ફ્લુઅન્ટ બોલાવવાનો હોવો જરૂરી નથી. ઘણી વખત લક્ષ્ય વધુ આરામદાયક સંવાદ, બોલતી વખતે નિયંત્રણ, બોલવાનું ટાળવાની વૃત્તિ ઘટાડવી અને પોતાની વાત આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવામાં મદદ કરવાનું હોય છે. સ્પીચ-થેરપી કોઈ એક ફૉર્મ્યુલા નથી. ડૉ. દેવાંગી દલાલના જણાવ્યા મુજબ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ, ઘરમાં બોલાતી ભાષા, સામાજિક વાતાવરણ, તે કઈ પરિસ્થિતિમાં વધુ અચકાય છે અને એની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આ બધું સમજીને થેરપીનું આયોજન કરવું જરૂરી છે. એટલે ૧૦૦ ટકા કાયમી ઇલાજ જેવી ગૅરન્ટી
આપવી યોગ્ય નથી. પરિણામ વ્યક્તિ પ્રમાણે બદલાઈ શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને નિયમિત થેરપીથી હકલાવાની અસર ઘટાડવામાં અને સંવાદની ક્ષમતા તથા
આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી શકે છે.
સમસ્યા માત્ર સ્પીચની નથી
કોઈ બાળકની વારંવાર ક્લાસમાં બોલે ત્યારે મજાક ઉડાવવામાં આવે, કોઈ કિશોરને મિત્રો સામે શબ્દ બોલતાં મજાકનો સામનો કરવો પડે અથવા કોઈ પુખ્ત વ્યક્તિ ઇન્ટરવ્યુમાં હકલાવાના ડરથી જવાબ ટૂંકા કરી દે તો અસર માત્ર વાણી સુધી મર્યાદિત રહેતી નથી. વ્યક્તિ ધીમે-ધીમે કેટલીક પરિસ્થિતિઓ ટાળવા માંડે છે. ફોન પર વાત કરવી, અજાણી વ્યક્તિને મળવું, પ્રેઝન્ટેશન આપવું કે જાહેરમાં પોતાનું નામ કહેવું પણ મુશ્કેલ લાગી શકે છે. કેટલીક વાર સમસ્યા પાછળ વ્યક્તિની સમગ્ર સામાજિક અને માનસિક પરિસ્થિતિ પણ સમજવી પડે છે. ઉદાહરણ તરીકે, કોઈ યુવાન પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માગતો હોય પરંતુ પરિવાર કે પરિસ્થિતિના દબાણને કારણે તેને પોતાની ઇચ્છા વિરુદ્ધનું કામ કરવું પડે તો ફ્રસ્ટ્રેશન અને આત્મવિશ્વાસમાં ઘટાડો તેની વાતચીતની મુશ્કેલીને વધુ સ્પષ્ટ બનાવી શકે છે. આવા કિસ્સામાં માત્ર કેવી રીતે બોલવું એના પર કામ કરવું પૂરતું નથી. વ્યક્તિના બૅકગ્રાઉન્ડ, તેની પસંદગી, સામાજિક પરિસ્થિતિ અને આત્મવિશ્વાસને પણ સમજવાં જરૂરી છે. આનો અર્થ એવો નથી કે ફ્રસ્ટ્રેશન પોતે સ્ટટરિંગનું સીધું કારણ છે, પણ વ્યક્તિ કયા વાતાવરણમાં રહે છે અને કઈ પરિસ્થિતિમાં વધુ સ્ટ્રેસ ફીલ કરે છે એ સમજવાથી થેરપી વધુ વ્યક્તિગત બની શકે છે.
બાળકને શું કહેવું અને શું ન કહેવું?
ઘરમાં માતા-પિતા ઘણી વખત સારા ઇરાદાથી કહે છે કે ધીમે બોલ, પહેલાં વિચારી લે, ફરીથી બોલ, અટકતો નહીં. સતત આવી સૂચનાઓ આપવાને બદલે બાળકને પોતાની વાત પૂરી કરવા પૂરતો સમય આપવો વધુ યોગ્ય છે. બાળકની સરખામણી કોઈ સાથે ન કરો. ‘જો તારી ઉંમરનું બીજું બાળક કેટલું સરસ બોલે છે’ આવી વાતો બાળકને પ્રોત્સાહિત કરવાને બદલે વધુ કૉન્શિયસ કરે છે. માતા-પિતા બાળક માટે સૌથી પહેલા રોલમૉડલ હોય છે. તેઓ જ ઘરનું વાતાવરણ બદલવામાં મદદ કરી શકે છે. સ્પીચ-થેરપિસ્ટ બાળકો સાથે થોડો જ સમય વિતાવે છે, પણ બાકીનો મોટા ભાગનો સમય બાળક પરિવાર અને સમાજ વચ્ચે જ વિતાવે છે. એટલે કે થેરપિસ્ટની સલાહને ઘરની રોજિંદી વાતચીતમાં ઉતારવી પણ સારવારનો મહત્ત્વનો ભાગ છે.
સ્પીચ અટકતી હોય તો ઘરે કરી શકાય એવી સરળ પ્રૅક્ટિસ
સ્પીચ અટકતી હોય તો ઘરે કરી શકાય એવી સરળ પ્રૅક્ટિસ
સ્પીચ-થેરપિસ્ટ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અલગ ટેક્નિક સૂચવે છે. કેટલીક સામાન્ય પ્રૅક્ટિસ બોલતી વખતે નિયંત્રણ અને આરામ વધારવામાં મદદ કરી શકે છે, પણ આ કસરતોને હકલાવાના ઇલાજ તરીકે ન જોવી.
ધીમો શ્વાસ : નાકથી આરામથી શ્વાસ લો અને ધીમે બહાર છોડો. હેતુ શ્વાસ રોકવાનો નહીં પણ બોલતી વખતે અનાવશ્યક તનાવ ઘટાડવાનો છે.
હળવો અવાજ શરૂ કરવાની પ્રૅક્ટિસ : સ્વર બોલતી વખતે અવાજને અચાનક જોરથી શરૂ કરવાને બદલે હળવેથી શરૂ કરવાનો અભ્યાસ કરી શકાય. આ પ્રકારની ટેક્નિક સ્પીચ-થેરપિસ્ટ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે શીખવે છે.
ધીમું વાંચન : દરરોજ થોડો સમય ઊંચા અવાજે વાંચો. ઝડપ વધારવાની સ્પર્ધા ન કરો. વાક્યનો અર્થ સમજતાં અને આરામથી બોલતાં વાંચો.
મિરર પ્રૅક્ટિસ : અરીસા સામે બોલવાથી ચહેરા અને મોંમાં અનાવશ્યક તનાવ વિશે જાગૃતિ આવી શકે છે. જોકે પોતાને ફ્લુઅન્ટ બોલાવવું એ એકમાત્ર લક્ષ્ય ન બનાવવું.
વાતચીતની પ્રૅક્ટિસ : કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે રોજ થોડો સમય સામાન્ય વાતચીત કરો. માત્ર એકલા વાંચવાની જગ્યાએ વાસ્તવિક સંવાદની પ્રૅક્ટિસ વધુ ઉપયોગી બની શકે છે.
જીભ કે હોઠની સામાન્ય કસરતો ઉચ્ચારની કેટલીક સમસ્યાઓમાં ઉપયોગી હોઈ શકે છે, પરંતુ એનાથી દરેક પ્રકારનું સ્ટટરિંગ મટી જાય છે એવો વૈજ્ઞાનિક આધાર નથી. સ્ટટરિંગ માટે વ્યક્તિગત મૂલ્યાંકન અને યોગ્ય થેરપી વધુ મહત્ત્વપૂર્ણ છે.
સમાજે શું બદલવું જોઈએ?
સૌથી પહેલાં તો સ્ટટરિંગ ધરાવતી વ્યક્તિને સુધારવાની જરૂર છે એવું માનવાનું બંધ કરવાની જરૂર છે. કોઈ વ્યક્તિ બોલતી વખતે અટકે ત્યારે તેને ઘૂરીને જોવું, હસવું, વાક્ય પૂરું કરી દેવું કે શું બોલવું છે એ પણ ખબર નથી? જેવી ટિપ્પણી કરવી વ્યક્તિ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી શકે છે. સામેની વ્યક્તિને સમય આપવો, ધ્યાનથી સાંભળવું અને તેની વાત વચ્ચે ન બોલવું એટલું જ પૂરતું છે. ફ્લુઅન્સી કરતાં સંવાદ મહત્ત્વનો છે. દરેક બાળક અને દરેક પુખ્ત વ્યક્તિને પોતાની વાત પોતાના સમય અને પોતાની રીતે કહેવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિના શબ્દો વચ્ચે થતી અડચણ તેના વિચારો, બુદ્ધિ, ક્ષમતા કે વ્યક્તિત્વનું માપદંડ નથી. તોતડાવું વ્યક્તિની ઓળખ નથી. એ તેની વાત કહેવાની રીતમાં આવતો એક પડકાર છે અને યોગ્ય સમજ, યોગ્ય માર્ગદર્શન, પરિવારની હૂંફ તથા સમાજના સ્વીકારથી આ પડકાર સાથે વધુ સારી રીતે જીવવું અને સંવાદ કરવો શક્ય છે.
શા માટે ઊજવાય છે આ દિવસ?
દર વર્ષે બાવીસ ઑક્ટોબરે ઇન્ટરનૅશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે મનાવવામાં આવે છે. એની શરૂઆત ૧૯૯૮માં થઈ હતી. સ્ટટરિંગ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી, લોકોમાં જાગૃતિ લાવવી અને હકલાવતા લોકો પ્રત્યે સમાજમાં સમજણ વધારવી એ આ દિવસનો મુખ્ય હેતુ છે. આ દિવસ માટે ઇન્ટરનૅશનલ સ્ટટરિંગ અસોસિએશન સહિતની સંસ્થાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટટરિંગ માત્ર બોલવામાં થતી અડચણ નથી. એની અસર વ્યક્તિના આત્મવિશ્વાસ અને સામાજિક સંવાદ પર પણ પડી શકે છે. તેથી આ દિવસ લોકોને સ્ટટરિંગ વિશે સાચી માહિતી મેળવવા, મજાક કે ટોકાટોકી ટાળવા અને જરૂર પડે ત્યારે યોગ્ય વ્યાવસાયિક મદદ લેવા માટે પ્રેરિત કરે છે.