શું તમને પણ એક તરફ વધુ ભાર આપીને ઊભા રહેવાની આદત છે?

20 May, 2026 12:38 PM IST  |  Mumbai | Jigisha Jain

ઘણા લોકો એવા હોય છે જેઓ સીધા ઊભા રહેતા નથી. એક તરફ, જમણી હોય કે ડાબી, ઝૂકીને ઊભા રહેતા હોય છે. એને કારણે તેમના શરીરનું વજન જે બન્ને બાજુ એકસરખું વહેંચાયેલું હોવું જોઈએ એ રહેતું નથી. આ આદત મોટી ઉંમરે કે લાંબા ગાળે મોટી તકલીફ બનીને સામે આવે છે.

પ્રતીકાત્મક તસવીર

કેસ – પંચાવન વર્ષનાં વર્ષાબહેનને ચાલવામાં તકલીફ થઈ રહી હતી એટલે તે ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે તેમને કહ્યું કે તમારા જમણી બાજુના સાંધાઓ અને સ્નાયુઓ નબળા પડી ગયા છે. તેમની હિપના એટલે કે થાપાના ભાગમાં તકલીફ હોવાને કારણે તેમના ઘૂંટણ અને કમર જકડાઈ ગયાં હતાં. એને કારણે તેમને એટલું પેઇન રહેવા લાગેલું કે એકદમ મૂળભૂત કહી શકાય એવું હલનચલન પણ તેઓ કરી શકતાં નહોતાં. તપાસ કરી ત્યારે સમજાયું કે કોઈ પણ ગૃહિણીની જેમ વર્ષોથી વર્ષાબહેન રસોડામાં લગભગ ચારથી ૭ કલાક ઊભાં-ઊભાં કામ કરતાં ત્યારે તેમનું ઊભા રહેવાનું પૉશ્ચર ખોટું હતું. જમણા ભાગ પર વધુ ભાર આપીને તેમને ઊભા રહેવાની આદત હતી. આ આદત વર્ષોની હતી. ત્યારે કંઈ ન થયું, પણ જેવી તેમની ઉંમર વધી એટલે તકલીફો શરૂ થઈ ગઈ. આજે પંચાવન વર્ષે ચાલવામાં પણ તકલીફ આવી. વર્ષાબહેન અત્યારે ફિઝિયોથેરપી લઈ રહ્યાં છે, પણ તેમને જ્યારે ખબર પડી કે તેમના ઊભા રહેવાની સ્ટાઇલ ખોટી હતી ત્યારે તેમને એક જ વાત ખટકી કે તેમને ખબર જ ન પડી કે તેઓ કશું ખોટું કરી રહ્યાં છે, કારણ કે જેઓ એક બાજુ ઢળીને ઊભા રહેતા હોય છે તેમને થોડી ખબર પડે છે કે તેમનું પૉશ્ચર ખોટું છે. એ તો જોનારને સમજ પડે છે. ઘરના કોઈએ તેમને ક્યારેય કહ્યું નહીં કે આમ ન ઊભા રહેવું. જોકે હવે ધીમે-ધીમે તેઓ પોતાનું પૉશ્ચર સુધારી રહ્યાં છે.  

એવી ઘણી વસ્તુ છે જે આપણે જીવનમાં અજાણતાં કરી બેસતા હોઈએ છીએ. આપણને ખબર નથી હોતી કે આપણે એવું કરીએ છીએ, કારણ કે આપણે આવી નાની બાબતો પર ધ્યાન આપ્યું જ નથી હોતું. જોકે કોઈ બીજી વ્યક્તિ આપણને માર્ગદર્શન આપી શકે છે કે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ. આ ભૂલોમાંની એક એટલે આપણું ઊભા રહેવાનું ખોટું પૉશ્ચર. તમે ક્યારેય એ નોટિસ કર્યું છે કે તમે ઊભા-ઊભા એક તરફ વધુ ઝૂકી જાઓ છો? એટલે કે શરીરનો આખો ભાર એક પગ પર નાખીને ઊભા રહો છો. બીજો પગ થોડો આડો હોય કે એના પર ભાર ન હોય એ રીતે ઊભા રહેવાની આદત અત્યંત કૉમન છે. ઘણાબધા લોકોને આવી આદત હોય છે. આદર્શ રીતે તો બન્ને પગ પર એકસરખું વજન આવે એ રીતે સીધા ઊભા રહેવાનું હોય છે, પણ ભાગ્યે જ લોકો આ રીતે ઊભા રહેતા હોય છે. ટટ્ટાર ઊભા રહેવાનું દરેક વ્યક્તિને ફાવતું નથી. તેઓ જાણતાં-અજાણતાં એક તરફ ઝૂકી જ જતા હોય છે. ઘણા ખૂબ નાનપણથી આ આદત ધરાવતા હોય છે તો ઘણા લોકો ઉંમર વધતાં આ પ્રકારનું ખોટું પૉશ્ચર રાખતા થઈ જાય છે. આ આદત હોય છે ઘણા લોકોને, પણ કોઈનેય સપનામાં પણ ખ્યાલ નથી હોતો કે આ આદતને કારણે તેઓ પોતાનું કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે.

સ્લો પૉઇઝન

આ રીતે ઊભા રહેવાનું પૉશ્ચર ખરાબ હોય તો એની અસર સ્લો પૉઇઝન જેવી હોય છે. ઝેર ધીમે-ધીમે સમય લઈને શરીરમાં ફેલાય અને વ્યક્તિ માટે ઘાતકી સાબિત થાય એવું જ કંઈક આ પૉશ્ચરનું છે, કારણ કે એ મસ્ક્યુલો-સ્કેલીટલ એટલે કે સ્નાયુ અને હાડકાંની હેલ્થ માટે ખૂબ ખરાબ છે. એનું કારણ સમજાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘શરીરનું બંધારણ એવું છે કે એમાં બૅલૅન્સ ખૂબ જરૂરી છે. તમે જ્યારે ઊભા રહો ત્યારે તમારા શરીરનું વજન તમારી જમણી બાજુ અને ડાબી બાજુ બન્ને તરફ એકસરખું વહેંચાયેલું હોવું જોઈએ. એવું થાય ત્યારે તમારા કોર મસલનો ઉપયોગ થાય છે અને શરીર સીધું ટટ્ટાર રહી શકે છે. જ્યારે એવું નથી થતું ત્યારે પેલ્વિક મસલ એટલે કે પેડુના સ્નાયુઓ પર એની અસર થાય છે જેને કારણે થાપાનો દુખાવો થાય છે અને કમર પર તાણ આવે છે. શરીર ખૂબ જ સરસ મશીન છે. જ્યારે એક સ્નાયુ પર તાણ આવે ત્યારે બીજા સ્નાયુઓ ઍડ્જસ્ટ થઈને એ તાણને વહેંચી લે છે અને સ્નાયુને ડૅમેજ થતું અટકાવે છે, પણ જ્યારે આ તકલીફ વર્ષોથી થતી હોય ત્યારે પ્રૉબ્લેમ થાય છે. વ્યક્તિની ઉંમર થઈ ગઈ હોય ત્યારે 
સ્નાયુ પાસે શક્તિ ઓછી હોય છે એટલે તકલીફ દેખાય છે.’

૩ જગ્યાએ થાય અસર

શરીર જ્યારે એક તરફ નમેલું ઊભું હોય ત્યારે એ સમયે શું થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘શરીરની બન્ને બાજુ વજન સરખી રીતે વિભાજિત નથી થતું એટલે એક બાજુએ સ્નાયુ ખેંચાય છે અને બીજી બાજુના સ્નાયુઓ કડક થઈ જાય છે. જે ખેંચાતા રહે છે એ પણ નબળા પડે છે અને જે કડક થઈ જાય છે એ પણ સમય જતાં નબળા પડે છે. આમ બન્ને બાજુ એ તકલીફ થાય છે. આ જે પૉશ્ચર છે એને કારણે કરોડરજ્જુ, થાપો અને ઘૂંટણ ત્રણેય મહત્ત્વના સાંધાઓમાં તકલીફ શરૂ થાય છે. શરૂઆત ઝીણા દુખાવાથી થાય છે જે સમય જતાં વધતો જાય છે. જો કરોડરજ્જુની વાત કરીએ તો બે મણકા વચ્ચેની ગાદી ખસી શકે છે. ઘૂંટણમાં નાનીથી લઈને મોટી ઇન્જરી થઈ શકે છે જેને લીધે ઘૂંટણ વાળવામાં તકલીફ થાય છે. ઘણી વાર આ તકલીફ એક જ પગની હોઈ શકે છે. જેમ કે પગથી વાળતી વખતે ઘણા લોકોનો એક ઘૂંટણ ઉપર હવામાં અધ્ધર હોય અને બીજો ઘૂંટણ જમીનને લાગેલો હોય એવું તમે જોયું જ હશે. આવી તકલીફો પાછળ ઘૂંટણની ઇન્જરી જવાબદાર હોય છે જે ખોટા પૉશ્ચરને કારણે આવી શકે છે. બાકી આ ખોટા પૉશ્ચરને કારણે થાપાનો ભાગ ખૂબ ટાઇટ કે કડક થઈ જવાને લીધે વ્યક્તિની હલનચલન પર અસર પડે છે.’

શું કરવું?

વ્યક્તિને જ્યારે એક તરફ ઝૂકીને ઊભા રહેવાની આદત હોય ત્યારે એ આદતને બદલવી જરૂરી છે જેને કારણે ભવિષ્યમાં એ ડૅમેજને અટકાવી શકે. એ માટે શું કરવું એ જાણીએ ડૉ. વિભૂતિ કાણકિયા પાસેથી.

૧. પહેલાં તો એ જાણવું જરૂરી છે કે વ્યક્તિનું ઊભા રહેવાવાળું પૉશ્ચર ખોટું છે. એક તરફ ઝૂકીને ઊભી રહેતી વ્યક્તિને ખુદને ખબર નથી હોતી કે તે ખોટી રીતે ઊભી છે. આજુબાજુના લોકોએ, ખાસ કરીને ઘરના લોકોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે જો વ્યક્તિ આ રીતે ઊભી રહેતી હોય તો તેને જાણ કરવી કે આ ખોટું છે.

૨. મોટા ભાગે આ રીતે ઊભા રહેવું એ વ્યક્તિની આદત હોય છે, એ પણ વર્ષોની એટલે બદલાતાં વાર લાગે છે. આ માટે સજાગતા અતિ જરૂરી છે. ઊભા રહો ત્યારે ચેક કરવું કે બન્ને પગ પર ભાર એકસરખો રાખીને ટટ્ટાર ઊભા રહો છો કે એક તરફ ઢળી પડો છો.

૩. તમારી આદત ગમે એટલી જૂની હોય, એને બદલી શકાય છે અને જે ડૅમેજ થયું છે એને રિપેર કરવાનો પ્રયાસ પણ કરી શકાય છે. એટલે હતાશ ન થાઓ. જો તમને કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો ૪૦-૫૦ વર્ષની ઉંમરે શરૂ થઈ ગયો છે તો પહેલી ફરજ એ છે કે તમે તમારા ઊભા રહેવાના જ નહીં; બેસવા, ઊઠવા અને સૂવાના પૉશ્ચરને પણ એક વાર ચેક કરો.

healthy living health tips life and style lifestyle news columnists Jigisha Jain