21 September, 2026 06:41 PM IST | Mumbai | Jigisha Jain
ઑલ્ઝાઇમર્સ
તાજેતરમાં મહિલાઓમાં ઑલ્ઝાઇમર્સ રોગના વિકાસ પર એકલતાની અસરોની તપાસ કરવા માટે એક સ્ટડી થયો જે ટ્રેન્ડસ ઇન સાઇકિયાટ્રી અને સાઇકોથેરપી જર્નલમાં પ્રકાશિત થયો હતો. એ અનુસાર મહિલાઓમાં એકલતા અને ઑલ્ઝાઇમર્સ રોગના વિકાસ વચ્ચે મહત્ત્વપૂર્ણ સંબંધ જોવા મળ્યો છે. એકલતાને કારણે ઑલ્ઝાઇમર્સ થવા અને એક વાર થઈ ગયા પછી વધવા પાછળ કેટલાંક મુખ્ય પરિબળો જવાબદાર માનવામાં આવ્યાં છે. જેમ કે સતત લાંબા ગાળાથી રહેતી માનસિક તાણ, સામાજિક અને ભાવનાત્મક સપોર્ટની ઊણપ અને સામાજિક અને કૉગ્નિટિવ એટલે કે બૌદ્ધિક
પ્રવૃત્તિઓમાં ઘટાડો. એકલતા માત્ર રોગની શરૂઆત જ નહીં, માનસિક અને માનસિક ક્ષમતાઓમાં થતા ઘટાડાની ઝડપને પણ અસર કરી શકે છે. મહિલાઓમાં ઉંમર વધવાની સાથે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મનો-સામાજિક પરિબળો ખૂબ મહત્ત્વનાં છે અને સ્પષ્ટ જોઈ શકાયું કે એકલતા એ ઑલ્ઝાઇમર્સ ડિસીઝના જોખમને વધારવામાં અને એને ઝડપી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ઑલ્ઝાઇમર્સ મગજનો એક ગંભીર રોગ છે જે ધીમે-ધીમે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. આ રોગ મુખ્યત્વે વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે અને એ ડિમેન્શિયા એટલે કે મંદબુદ્ધિ અથવા સ્મૃતિભ્રંશનું સૌથી સામાન્ય કારણ છે. એને કારણે ક્ષમતાઓમાં ઉત્તરોત્તર ઘટાડો થાય છે જે વ્યક્તિને શારીરિક-કાર્યાત્મક અક્ષમતા તરફ દોરી જાય છે. એ થવા પાછળનાં કારણો હજી સુધી વિજ્ઞાન જાણી શક્યું નથી. એ વિશે વાત કરતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ઑલ્ઝાઇમર્સ થવાનાં ચોક્કસ અને સંપૂર્ણ કારણો હજી સુધી પૂર્ણપણે જ્ઞાત નથી. વૈજ્ઞાનિકો અને તબીબી સંશોધકો અત્યાર સુધી એ ચોક્કસપણે શોધી શક્યા નથી કે આ રોગની શરૂઆત કોઈ એક ચોક્કસ ક્ષણે કેમ અને કેવી રીતે થાય છે. જોકે મગજમાં શું ફેરફારો થાય છે અને કયાં પરિબળો આ રોગ માટે જવાબદાર છે એની ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી સંશોધનો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. આ રિસર્ચ પણ એમાંનું એક કહી શકાય. જોકે આ બધાં જ રિસર્ચ હજી કારણો તરફ શક્યતા દર્શાવે છે, આંગળી ચીંધે છે; પણ ૧૦૦ ટકા એ ન સમજી શકાય કે આ જ કારણો એના માટે જવાબદાર છે. આ રિસર્ચની વાત કરીએ તો એકલતા સાથે એને સંબંધ છે. મારા અનુભવ અને જ્ઞાન પ્રમાણે એ કહી શકાય કે એકલતા આ રોગને તીવ્ર બનાવી શકે છે, આ રોગનું કારણ બની શકતી નથી. એટલે કે જેને આ રોગ છે તે વ્યક્તિ વધુ એકલવાયી હોય તો કદાચ આ એકલતાને કારણે તેનો રોગ વધુ ઝડપથી આગળ વધે એવું બને. જોકે એ પણ ૧૦૦ ટકા એવું થશે જ એમ ન કહી શકાય, પણ કોઈ વ્યક્તિ એકલતાને કારણે આ રોગનો ભોગ બનશે એવું ન માની શકાય. બીજું એ કે સ્ત્રીઓ પર ઇમોશન્સ વધુ અસર કરે છે. એકલતા તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર વધુ કરતી હોઈ શકે, પણ દરેક સ્ત્રી પર એ લાગુ નથી પડતું. સમાજમાં ઘણી સ્ત્રીઓ એકલા રહીને ખુદને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખી શકતી આપણે જોઈએ જ છીએ. આમ ચોક્કસ આવાં તારણો માની ન શકાય.’
ઑલ્ઝાઇમર્સ બે પ્રકારના હોય છે : રિયલ ઑલ્ઝાઇમર્સ અને બીજો ઑલ્ઝાઇમર્સ જેવું દેખાતું ડિપ્રેશન જેને સુડો-ઑલ્ઝાઇમર્સ કહે છે. યાદશક્તિ નબળી પડવી, રોજિંદા કામમાં તકલીફ થવી, નિર્ણય લેવાની ક્ષમતા ઘટવી, વર્તનમાં ફેરફાર જેમ કે ચીડિયાપણું આવવું, ગુસ્સો થવો, મૂડ બદલાવો, વધુ પડતી અસ્વસ્થતા થવી કે શંકાશીલ થવું, સમય અને સ્થળનું ભાન ન રહેવું એ ઑલ્ઝાઇમર્સનાં લક્ષણો છે. જોકે આ ફક્ત ઑલ્ઝાઇમર્સનાં લક્ષણો નથી એમ સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આ ડિપ્રેશનનાં લક્ષણો પણ છે. ઑલ્ઝાઇમર્સને કારણે વ્યક્તિ ભૂલી જતી હોય છે તો સાથે જો તે ડિપ્રેસ છે તો ધ્યાન ન આપવાને કારણે પણ તે ભૂલી જતી હોય છે. એટલે ભૂલવું એ ઑલ્ઝાઇમર્સનું લક્ષણ છે, પણ દરેક વ્યક્તિ જે ભૂલી જાય છે તે ઑલ્ઝાઇમર્સ નથી ધરાવતી. અમારી પાસે વ્યક્તિ જ્યારે આવાં લક્ષણો લઈને આવે ત્યારે અમે તપાસ કરીએ છીએ કે આ વ્યક્તિને ડિપ્રેશન છે કે નહીં. એકલતા વ્યક્તિને ડિપ્રેશન તરફ લઈ જાય છે એટલે આ સ્ટડીમાં આપેલો સંબંધ જેના પર બંધ બેસે છે તે આ સુડો-ઑલ્ઝાઇમર્સ તરફ ઇશારો કરે છે. અહીં એનો સંબંધ સીધો છે. જો તમે વધુ પડતા કે લાંબા સમયથી એકલા રહેતા હો તો ડિપ્રેશન આવી શકે છે.’
તમને જ્યારે ઑલ્ઝાઇમર્સ છે ત્યારે પણ તમે એકલતાનો ભોગ બની શકો છો એ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘જે વ્યક્તિને યાદ નથી રહેતું, જે વ્યક્તિ તેનાં રોજિંદાં કામો કરવામાં અસમર્થ છે તે વ્યક્તિને ગમે એટલો પ્રેમ કરવા છતાં ઘરના લોકો એક સમયે પડતી મૂકી દે છે. જેમ કે તેને કશું યાદ નથી રહેતું; રહેવા દો, તેને કંઈ કહેવાનો અર્થ નથી. આ રીતે વ્યક્તિ બધાની વચ્ચે રહેવા છતાં એકલી પડી જાય છે. આ એકલતા તેના સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર કરે છે જેને લીધે તેનો રોગ ઑલ્ઝાઇમર્સ પણ અસરગ્રસ્ત થશે જ એ નક્કી વાત છે. એકલતા એ માત્ર મનનો વહેમ નથી. એ મગજમાં ન્યુરોકેમિકલ અસંતુલન ઊભું કરે છે. એ મગજને સતત ‘ફાઇટ અથવા ફ્લાઇટ’ મોડમાં રાખે છે જેનાથી મગજના કોષો સુકાવા લાગે છે, યાદશક્તિ અને નિર્ણાયક ક્ષમતા ઘટે છે અને માનસિક તેમ જ શારીરિક સ્વાસ્થ્ય ઝડપથી બગડે છે. આ વાત વિજ્ઞાને સાબિત કરી છે. જ્યાં સુધી ઑલ્ઝાઇમર્સનો સંબંધ છે એના દરદીઓને આમ પણ તેમની કાળજી ખાતર પણ એકલા મૂકવા ન જોઈએ. કોઈએ ને કોઈએ તેમની સાથે રહેવું અને તેઓ ઇચ્છે એટલો સંવાદ સ્થાપવો જરૂરી છે.
ઑલ્ઝાઇમર્સ ધરાવતા દરદીઓ સાથેનું વર્તન એ માત્ર શારીરિક દેખભાળ પૂરતું મર્યાદિત નથી, એ તેમની ભાવનાત્મક સુરક્ષા સાથે સીધું જોડાયેલું છે. ઑલ્ઝાઇમર્સના દરદીઓ તથ્યો કે ઘટનાઓ ભૂલી જાય છે, પરંતુ તેઓ ભાવનાઓ અને અનુભવોને લાંબા સમય સુધી યાદ રાખે છે. વિશ્વભરની પ્રમાણિત સંસ્થાઓ જેમ કે ઑલ્ઝાઇમર્સ અસોસિએશન અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑન એજિંગ દ્વારા દરદીઓ સાથે ભાવનાત્મક વ્યવહાર કરવા માટે અમુક ચોક્કસ માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી છે:
૧. વૅલિડેશન થેરપી - તેમની ભાવનાઓને સ્વીકારો
જો દરદી કોઈ એવી વાત કરે જે અવાસ્તવિક કે ભૂતકાળની હોય - જેમ કે મારે મારી મમ્મી પાસે જવું છે - તો ભલે તેમનાં માતા-પિતા હયાત ન હોય, તેમની સાથે દલીલ કરવાને બદલે તેમની પાછળ છુપાયેલી ભાવનાને સમજો. ‘તમારાં મમ્મી તો ગુજરી ગયાં છે’ એવું કહીને તેમને આઘાત આપવાને બદલે કહો કે તમને આજે મમ્મી બહુ યાદ આવે છે તો ચાલો આપણે તેમની વાતો કરીએ. આનાથી દરદીને સાંત્વન મળે છે.
૨. દલીલ ન કરો અને સુધારા ટાળો
દરદી કોઈ વાત ખોટી કહે તો તેને વારંવાર સુધારવાનો કે તેની ભૂલ સાબિત કરવાનો પ્રયાસ ન કરો. ઑલ્ઝાઇમર્સના દરદીઓને સુધારવાથી તેમનો આત્મવિશ્વાસ તૂટે છે અને તેઓ ગુસ્સે કે અસ્વસ્થ થઈ જાય છે. તેમની હામાં હા મિલાવીને વાતને શાંતિથી બીજી તરફ વાળી દો.
તેમને ક્યારેય એવા પ્રશ્નો ન પૂછો જેનાથી તેમની નબળી યાદશક્તિ પર દબાણ આવે. જેમ કે ‘તમે મને ઓળખ્યો?’, ‘સવારે શું ખાધું હતું યાદ છે?’ જેવા પ્રશ્નો પૂછવાને બદલે જાતે જ પ્રેમથી માહિતી આપો કે હું તમારો દીકરો અંકિત છું અથવા સફેદ શર્ટ તમે મગાવેલું પહેરવા, કારણ કે એ તમને ખૂબ ગમે છે.
૪. શબ્દ વગરના સંવાદની સ્થાપના કરો
જેમ-જેમ રોગ વધે છે એમ-એમ દરદી ભાષા સમજી શકતો નથી, પરંતુ તે તમારા ચહેરાના ભાવ અને અવાજનો ટોન તરત પકડી લે છે. હંમેશાં ચહેરા પર હાસ્ય રાખો અને આંખોમાં આંખો પરોવીને વાત કરો. તેના હાથ પર હળવેથી હાથ રાખવો, સ્પર્શ કરવો કે પ્રેમથી ભેટવું. ક્યારેય તેના પર ચીસો ન પાડો કે ગુસ્સામાં અવાજ મોટો ન કરો.
૫. ગૌરવ અને આદર જાળવો
દરદીની સામે જ બીજા લોકો સાથે તેની બીમારી કે ભૂલો વિશે એવી રીતે વાત ન કરો જાણે તે ત્યાં હાજર જ નથી કે કંઈ સમજતો જ નથી. તેને હંમેશાં એવું અનુભવવા દો કે તે પરિવારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેની સાથે બાળકો જેવું વર્તન ન કરો, પરંતુ એક પુખ્ત અને આદરણીય વ્યક્તિ તરીકે જ વાત કરો.
૬. શાંત અને સ્થિર વાતાવરણ પૂરું પાડો
ઘરમાં વધુ પડતો ઘોંઘાટ, ટીવીનો મોટો અવાજ કે અચાનક થતા ફેરફારો દરદીમાં ગભરાટ ઊભો કરે છે. તેની દિનચર્યા એકસરખી રાખો. જો તે કોઈ વાતથી અસ્વસ્થ થાય તો શાંત સંગીત વગાડો અથવા તેને ગમતી જૂની વાતો તરફ તેનું ધ્યાન દોરો.