પુષ્કળ પરસેવો વહી જવાથી શરીરમાં સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ જેવાં ખનીજ તત્ત્વો ઘટી જાય તો ગરબાની મજા સજામાં પરિણમી શકે છે. એવું ન થાય એ માટે ચોક્કસ પ્રકારનાં પીણાંથી શરીરને હાઇડ્રેટેડ રાખો
જો બૉડી ડીહાઇડ્રેટ થઈ જશે તો ગરબા રમવામાં મુશ્કેલી પડશે
નવરાત્રિના દિવસોમાં કલાકો સુધી ગરબા રમવાને કારણે શરીરની ઊર્જા અને પરસેવાના રૂપમાં પાણી અને મહત્ત્વપૂર્ણ ક્ષારો, જેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહે છે એ મોટા પ્રમાણમાં ઘટી જાય છે. આ ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ કે સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ આપણા શરીરની માંસપેશીઓ અને ચેતાતંત્રને યોગ્ય રીતે કામ કરતાં રાખવા માટે અત્યંત જરૂરી છે. જો આ દિવસોમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે તો શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે.
ઇલેક્ટ્રોલાઇટ્સનું ધ્યાન ન રાખીએ તો...
જો શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલિત થઈ જાય અથવા શરીરમાં પાણીની તીવ્ર અછત સર્જાય તો એનાં ગંભીર પરિણામો આવી શકે છે. જેમ કે સ્નાયુઓમાં ખેંચાણ આવી જાય. સોડિયમ અને પોટૅશિયમની ઊણપને કારણે અચાનક પગની કે હાથની માંસપેશીઓમાં તીવ્ર ખેંચાણ આવી શકે છે અને દુખાવો ઊપડી શકે છે, જેનાથી ગરબા રમવામાં મુશ્કેલી પડે છે. આ સિવાય શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટવાથી બ્લડ-પ્રેશર અચાનક ઘટી જવાને કારણે માથું ભારે થાય, ચક્કર આવે કે અશક્તિને કારણે વ્યક્તિ બેભાન થઈ શકે છે. મગજને પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને ઑક્સિજન ન મળવાને કારણે માથાનો તીવ્ર દુખાવો થાય છે અને કલાકો સુધી રમવાનો ઉત્સાહ હોવા છતાં શરીર સાથ આપતું નથી અને અતિશય થાક લાગી શકે છે. આ સિવાય પાચન-સંબંધી તકલીફો થાય છે. ડીહાઇડ્રેશનને કારણે ઍસિડિટી કે કબજિયાત જેવી પેટની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો લાંબા સમય સુધી આ બાબતે બેદરકારી રાખવામાં આવે તો હીટ એક્ઝોશન એટલે કે અતિશય ગરમીને કારણે અશક્તિ આવી શકે છે, જેને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે એવી શક્યતા પણ ઊભી થાય.
ધ્યાન કઈ રીતે રાખવું?
ગરબાના મેદાનમાં ઉત્સાહ સાથે રમતી વખતે શરીર હાઇડ્રેટ રહે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જળવાઈ રહે એ માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
પર્યાપ્ત પાણીનું અને પ્રવાહીનું સેવન કરવું
ફક્ત સાદું પાણી પીવું પૂરતું નથી. ગરબા રમતી વખતે અથવા એની વચ્ચેના વિરામમાં થોડા-થોડા અંતરે નારિયેળપાણી, લીંબુશરબત, છાશ અથવા ORS પીવું જોઈએ. નારિયેળપાણીમાં કુદરતી રીતે જ પોટૅશિયમ અને સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ કરે છે.
ઘરે બનાવેલાં
હેલ્ધી ડ્રિન્ક્સ ગુણકારી છે
બજારમાં મળતાં કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિન્ક્સ કે એનર્જી ડ્રિન્ક્સને બદલે ઘરે બનાવેલું વરિયાળીનું પાણી, ફુદીનાનું શરબત અથવા ફ્રેશ ફ્રૂટ-જૂસ પીવાને પ્રાથમિકતા આપવી. એનાથી શરીરને ઠંડક પણ મળે છે અને જરૂરી ખનિજ તત્ત્વો પણ મળી રહે છે.
ફળો અને
આહારનો સમાવેશ
નવરાત્રિમાં જો ઉપવાસ હોય તો પણ આખો દિવસ ભૂખ્યા રહેવાને બદલે કેળું, દાડમ, સફરજન અને મોસંબી જેવાં ફળો ખાવાં જોઈએ. કેળામાં પોટૅશિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત સિંધવ મીઠું નાખેલી ફરાળી વાનગીઓ ખાવાથી પણ શરીરમાં સોડિયમનું સંતુલન જળવાઈ રહે છે.
વધારે પડતી
ચા-કૉફીથી ન લો
ગરબા રમવાના સમયની આસપાસ વધુ પડતી ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે એ શરીરને ડીહાઇડ્રેટ કરે છે અને શરીરમાંથી પાણી તથા જરૂરી ક્ષારો બહાર ફેંકી દે છે.