✕

ઘઉં અને ચોખાને બદલે રાજગરો, કુટ્ટુ કે સામો આપણે શા માટે ખાવા જોઈએ?

12 October, 2026 03:20 PM IST  |  Mumbai | Jigisha Jain

જે ધાન્ય આપણે દરરોજ ખાઈએ છીએ એને બદલે નવરાત્રિના ૯ દિવસ બીજાં ધાન્યો વપરાય છે. એનો અર્થ એ નથી કે ઘઉં અને ચોખા ગુણકારી નથી, પરંતુ આ સમયગાળામાં પચવામાં હલકાં ધાન્ય ખાવાં જરૂરી છે. તમે ઉપવાસ ન પણ કરવાના હો તો એક ટંક આ ધાન્યો ખાવાં હેલ્થ માટે ખૂબ જ સારાં

કુટ્ટુ, સામો

નવરાત્રિના ઉપવાસ દરમ્યાન ઘઉં અને ચોખા જેવાં નિત્ય વપરાતાં ધાન્ય ન ખાવા પાછળ ધાર્મિક પરંપરાની સાથે સચોટ વૈજ્ઞાનિક કારણો પણ રહેલાં છે. ઘઉં અને ચોખા ગુણકારી જ છે; પણ ભારતીય ન્યુટ્રિશન સાયન્સ સદીઓ પહેલાં આ વાત સમજતું હતું કે ખોરાકનું ફક્ત ગુણકારી હોવું જ પૂરતું નથી, એને આરોગવાનો સમય પણ એટલો જ મહત્ત્વનો છે. કઈ ઋતુમાં કઈ વસ્તુ ખાવી અને કઈ ન ખાવી એનું એક સુંદર સાયન્સ છે. પહેલાંના સમયમાં એ એટલું અઘરું નહોતું સમજવું, કારણ કે લોકો વગર સમજ્યે પણ પાલન કરી શકતા હતા. આજે દરેક વસ્તુ પાછળ કારણો શોધવાં જરૂરી બન્યાં છે ત્યારે નવરાત્રિમાં ઉપવાસ દરમ્યાન શું ખાવું અને શું ન ખાવું એ નિયમો પાછળના સાયન્સને પણ સમજી લઈએ. ઘઉં અને ચોખા જેવાં દૈનિક આહારમાં લેવાતાં ધાન્યો આ નવરાત્રિ દરમ્યાન કેમ ન લેવાં અને એને બદલે બીજાં ધાન્યોનો વપરાશ શા માટે કરવો જરૂરી છે એને થોડું આજે સમજી લઈએ.

રેગ્યુલર ધાન્ય ન ખાવાનું કારણ

નવરાત્રિનો સમયગાળો શરદ કે વસંત ઋતુના સંધિકાળ, જેને સરળ ભાષામાં બદલાતી ઋતુ કહી શકાય, દરમ્યાન આવે છે. આ સમયે વાતાવરણમાં ફેરફાર થવાથી માનવશરીરનો પાચનઅગ્નિ મંદ પડી જાય છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘઉં અને ચોખા પચવામાં ભારે ગણાય છે. ઘઉંમાં ગ્લુટેન નામનું પ્રોટીન હોય છે જે આંતરડાં માટે પચાવવું અઘરું હોય છે. ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી એ સુસ્તી અને ઊંઘ લાવે છે. જો ઉપવાસમાં પણ દરરોજનો જ ભારે ખોરાક લેવામાં આવે તો શરીરનાં અંગોને આરામ મળતો નથી. રેગ્યુલર ધાન્ય છોડીને હળવો ખોરાક લેવાથી શરીર નકામાં ઝેરી તત્ત્વો બહાર કાઢી શકે છે. આપણો વર્ષોથી સ્થાપિત સાત્ત્વિક આહારનો સિદ્ધાંત સમજીએ તો ઘઉં-ચોખા જેવાં ધાન્ય શરીરમાં તમોગુણ અને રજોગુણ વધારી શકે છે, જ્યારે વ્રતમાં ખવાતો ખાદ્ય પદાર્થ સાત્ત્વિક ગુણ વધારે છે. એનાથી મન શાંત રહે છે અને ભક્તિમાં ધ્યાન પરોવાય છે.

ફરાળી ધાન્ય કઈ રીતે વધુ ગુણકારી છે?

ઉપવાસમાં વપરાતા રાજગરો, કુટ્ટુ અને સામો ખરેખર ધાન્ય નથી પરંતુ છોડનાં બીજ છે. તેથી એમને સુડો-સિરિયલ્સ કહેવામાં આવે છે. એ પોષક તત્ત્વોની દૃષ્ટિએ અત્યંત શ્રેષ્ઠ છે. એ દરેકના ગુણ ચકાસીએ તો...

૧. રાજગરો

રાજગરામાં બિલકુલ ગ્લુટેન હોતું નથી એટલે એ પાચનતંત્ર પર બોજ નાખ્યા વિના સરળતાથી પચી જાય છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે. સામાન્ય ઘઉં કે ચોખાની સરખામણીએ રાજગરામાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એમાં લાયસિન નામનું મહત્ત્વનું અમીનો ઍસિડ હોય છે જે અન્ય અનાજમાં હોતું નથી. રાજગરામાં કૅલ્શિયમ અને આયર્નનો ભંડાર હોય છે. એ હાડકાં અને દાંતની મજબૂતી માટે કૅલ્શિયમ પૂરું પાડે છે તથા લોહીની ઊણપ જેને કારણે એનીમિયા થાય છે એ દૂર કરવામાં મદદ કરે છે.’

૨. કુટ્ટુનો લોટ / કુટ્ટુ

આ ધાન્યથી ત્વરિત ઊર્જા અને સંતૃપ્તિમાં મદદ મળે છે. આ બાબતે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘કુટ્ટુમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને હાઈ ફાઇબર હોય છે. આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. હૃદય અને બ્લડ-પ્રેશર માટે એ ઘણું ઉત્તમ છે. એમાં રુટિન નામનું ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે બ્લડ-પ્રેશર નિયંત્રિત રાખવામાં અને

બ્લડ-વેસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એ ડાયાબિટીઝનું નિયંત્રણ રાખવામાં પણ મદદરૂપ છે. એનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી લોહીમાં શુગરનું પ્રમાણ એકાએક વધવા દેતું નથી.’

૩. સામો / મોરૈયો

સામો કૅલરીમાં હલકો અને ફાઇબરથી સભર હોય છે અને મોરૈયો પાચન માટે અત્યંત હળવો છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘એ આંતરડાંની સફાઈ કરે છે અને કબજિયાત કે ગૅસ થવા દેતો નથી. એમાં મિનરલ્સનો સ્રોત રહેલો છે. સામામાં ઝિન્ક, મૅગ્નેશિયમ અને આયર્ન જેવાં સૂક્ષ્મ પોષક તત્ત્વો વિપુલ પ્રમાણમાં રહેલાં છે જે ઉપવાસ દરમ્યાન શરીરને થાક લાગવા દેતાં નથી. વળી એ શરીરને ઠંડક આપે છે. સામો ગુણધર્મમાં ઠંડો હોય છે એટલે ઉપવાસ દરમ્યાન પેટમાં થતી બળતરા કે ઍસિડિટી શાંત થાય છે.’

નવરાત્રિના ઉપવાસમાં ઘઉં અને ચોખાનો ત્યાગ કરીને રાજગરો, કુટ્ટુ અને સામાનો ઉપયોગ કરવો એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી પરંતુ બદલાતી ઋતુમાં શરીરને સુદૃઢ, સ્વસ્થ અને ઊર્જાવાન રાખવા માટેનું સચોટ વિજ્ઞાન છે.

આ ધાન્યોમાંથી શું બનાવીને ખાશો? 

• રાજગરાની પૂરી ગમે એટલી સ્વાદિષ્ટ લાગે પણ તળેલો ખોરાક પચવામાં ભારે જ ગણાશે. એટલે રાજગરાની રોટલી કે પરાઠા ખાવાં વધુ હેલ્ધી છે. એ શેકતી વખતે ઘી પ્રમાણસર વાપરવું પણ મહત્ત્વનું છે. એને બનાવતી વખતે લોટ બાંધવો સરળ ન લાગે તો એમાં એક બટાટો કે શક્કરિયું ઉમેરી શકો છો. એનાથી એનો સ્વાદ અને ટેક્સ્ચર બન્ને ખૂબ સારાં થઈ જશે. સોશ્યલ મીડિયા પર રાજગરાની બીજી અઢળક રેસિપી મળશે. જેમ કે એના ઢોસા, ઉપમા, રાજગરાની કઢી, રાજગરાનો ચેવડો વગેરે. આ બધી રેસિપી નવીનતા માટે ટ્રાય કરી શકો છો. ફક્ત એમાં તળેલી કે વાનગીને વધુ હેવી બનાવી નાખતી રેસિપી અવગણવી.

• કુટ્ટુની ખીચડી બને છે. એનાં રોટલી કે પરાઠા બને છે. ચિલ્લા કે ઢોસા પણ બનાવી શકાય છે. અમુક ગુજરાતી ઘરોમાં કુટ્ટુ ક્યારેય ખવાતો ન હોય એવું બને તો એને ખાવો કઈ રીતે એ બાબતે મૂંઝવણ થાય એ સહજ છે. જોકે આ ધાન્ય બનાવવું સરળ છે. જો આખું ધાન્ય વાપરો તો ખીચડી કે ઉપમા જેવું બનાવો અને એનો લોટ વાપરો તો પણ સરળ છે. ફક્ત એનો લોટ બાંધો ત્યારે નવશેકું પાણી વાપરવું.

• સામો એક પ્રકારનું મિલેટ છે એટલે એને આખો રાંધવો જ વધુ ગુણકારી ગણાશે. ધ્યાન એ રાખવાનું કે એને પલાળીને રાંધવો. ઓછામાં ઓછો અડધો કલાક અને સમય હોય તો ૪ કલાક જેટલો પલાળીને પછી રાંધો. કુકરમાં પણ એને બાફી શકાય અથવા છુટ્ટો પણ રાંધી શકાય. સામાની ખીચડી બનાવી શકાય. એમાં દૂધી, કોળું અને સિંગદાણાનું કૉમ્બિનેશન ઉમેરી શકાય. સામાનો લોટ પણ મળે છે, પણ એને દળીને વાપરવાને બદલે આખો ખાવો વધુ ગુણકારી રહેશે. સામાની ટિક્કી કે સામાની કચોરી જેવી ફૅન્સી તળેલી વાનગીઓ ખાવી નહીં. એના કરતાં ખીચડી કે ભાત તરીકે જ એનો ઉપયોગ કરવો.

navratri health tips life and style lifestyle news columnists healthy living Jigisha Jain