11 April, 2026 02:09 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, ઉનાળાની ઋતુમાં આવતી કેરી ખાવાથી શું ખરેકર કેલરી વધે છે? કેલરી ન વધે તે રીતે કેરીનો આનંદ માણવો શક્ય છે?
ઉનાળાની ઋતુ એટલે ફળોના રાજા કેરીની ઋતુ.
દરેક ઘરમાં ઉનાળાની રાહ એટલે પણ જોવાતી હોય છે, કારણકે આ ઋતુ સાથે કેરીનું આગમન થાય છે. ઉનાળાની શરુઆતથી જ કેરી ખાવાની શરુ થાય તો છેક ચોમાસું આવે ત્યાં સુધી લગભગ દરેક ઘરમાં સવાર-સાંજ કેરી કે કેરીની કોઈક વાનગી હોય છે.
જોકે, કેટલાક લોકો અપરાધભાવ સાથે કેરી ખાય છે, જ્યારે કેટલાક સ્વાસ્થ્ય પર થતી કેરીની અસરો વિશે વિચાર્યા વિના તેને ખાય છે. આ બંને વલણો પોતાની જગ્યાએ હાનિકારક હોઈ શકે છે.
કેરીને ઘણીવાર ચરબીયુક્ત ફળ તરીકે લેબલ કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં ચરબી ફળમાં નથી, ચરબીનું પ્રમાણ આપણે કેરી કેવી રીતે ખાઈએ છીએ તેના પર હોય છે.
મુદ્દો કેરીનો નથી - આપણે તેને આપણા આહારમાં કેવી રીતે સમાવીએ છીએ તે છે.
ધ્યાનપૂર્વક પસંદગી કરીને, કેરી તમારા દૈનિક ભોજનનો સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભાગ બની શકે છે.
આપણામાંથી ઘણા લોકો ભરપેટ જમ્યા પછી ડીઝર્ટ તરીકે કેરીનો આનંદ માણે છે. વિચારો - દાળ, ભાત, શાક, રોટલી જમ્યા પછી એક વાટકી કેરીના ટુકડા અથવા કેરીનો રસ…!!!
પેટ ભરીને ભોજન કર્યા પછી તરત જ અન્ય કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ સાથે કેરી ખાવાથી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો થાય છે.
દુકાનમાંથી તૈયાર ખરીદેલા ખાંડયુક્ત આમરસ, મેંગો મિલ્કશેક વગેરેમાં કેલરી વધુ હોય છે અને તે ખરેખર વજનમાં વધારો કરી શકે છે.
બીજી સામાન્ય ભૂલ છે – કેરીની માત્રા (કેરી ખાવાનું પ્રમાણ) વધુ હોવી. કેરી મોસમી હોય છે, અને આપણામાંથી ઘણા લોકો તેને લાગણીઓ અને યાદો સાથે જોડી દે છે, જેના કારણે આપણે કેરી ખાવાની માત્રા પર નિયંત્રણ ગુમાવીએ છીએ. ખાવાનું શરુ કરીએ એટલે બે ટુકડા સરળતાથી બે આખી કેરીમાં ક્યારે ફેરવાઈ જાય તેનું ભાન જ નથી રહેતું!
એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરુર છે - કેરીમાં કુદરતી રીતે જ ખાંડ અને કેલરીનું પ્રમાણ હોય છે. એક કેરીમાં સામાન્ય રીતે 250+ કેલરી હોય છે.
ત્રીજી ભુલ એ છે કે, મોડી રાત્રે કેરી ખાવી. કેરી ખાવાનો સમય પણ મહત્વનો છે. મોડી રાત્રે ડીઝર્ટની જેમ કે પછી ફોન પર સ્ક્રોલ કરતાં-કરતાં કેરી ખાવાથી ચયાપચય અને પાચનમાં ખલેલ પહોંચી શકે છે.
આનો અર્થ એ છે કે આપણે કેરી ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ? બિલકુલ નહીં! કેરીના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો છે અને જો તેને યોગ્ય રીતે ખાઓ તો કેરીનો સ્વાદ કોઈપણ પ્રકારના નુકસાન વિના માણી શકાય છે. બસ, કેરી ખાતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે.
કેરી કેટલા પ્રમાણમાં ખાવી (કેરીની માત્રા કેટલી હોવી જોઈએ) તેના પર નિયંત્રણ રાખવાથી શરુઆત કરો. મોટાભાગના લોકો માટે દરરોજ એક મધ્યમ કદની કેરી અથવા લગભગ ૧ કપ સમારેલી કેરી સારી અને સલામત માત્રા છે. આ રીતે, તમે તમારા શરીર પર વધુ પડતી ખાંડનો બોજ નાખ્યા વિના ફળનો આનંદ માણી શકો છો.
કેરી ખાવામાં સમય પણ મોટી ભૂમિકા ભજવે છે. કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તા સમયે અથવા સાંજના નાસ્તા તરીકે હોય છે, જ્યારે તમારું ચયાપચય સક્રિય હોય છે. ભોજન પછી તરત જ અથવા મોડી રાતના ડીઝર્ટ તરીકે કેરી ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો.
કેરીનું યોગ્ય ફોર્મેટ પસંદ કરો. આખી કેરી હંમેશા જ્યુસ, શેક અથવા પેકેજ્ડ કેરીના ઉત્પાદનો કરતાં વધુ સારી હોય છે. જ્યારે તમે કેરીનો રસ પીઓ છો, ત્યારે તમે ફાઇબર ગુમાવો છો. બીજી બાજુ, આમરસ, ફક્ત એક વાટકી પીવાથી સંતોષ નથી મળતો, તેથી તમે ધારો તેના કરતાં વધુ કેરી ખાઓ છો.
ફળને તેના કુદરતી સ્વરૂપમાં ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
બ્લડ સુગરને સંતુલિત કરવામાં મદદ કરવા માટે કેરીને સમજદારીપૂર્વક ખાઓ. પ્રોટીન અથવા હેલ્ધી ફેટ્સ સાથે કેરીને ભેળવવાથી ખાંડનું શોષણ ઝડપથી ધીમું થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, કેરીને મુઠ્ઠીભર બદામ, સીડ્સ અથવા ગ્રીક યોગર્ટના બાઉલ સાથે ખાઈ શકાય છે. આ રીતે ખાવાથી બ્લડ સુગર સ્પાઇક્સને રોકવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
કૃત્રિમ રીતે પાકેલી કેરી કરતાં કુદરતી રીતે પાકેલી, મોસમી કેરી પસંદ કરો. વધુ પડતી પાકેલી કેરીમાં વધુ ખાંડ હોય છે, જે બ્લડ સુગરમાં ઝડપી સ્પાઇકનું કારણ બની શકે છે.
આ ઉનાળામાં, એટલું સમજી લો - કેરી સમસ્યા નથી, વિચાર્યા વિના ખાવી એ જ સમસ્યા છે. જ્યારે તમે કેરીનો આનંદ મનથી, સંતુલિત રીતે અને યોગ્ય સમયે લો છો, ત્યારે તે સ્વસ્થ, વજન પ્રત્યે સભાન જીવનશૈલીમાં સરળતાથી ફિટ થઈ શકે છે.
તો, આ ઉનાળામાં, કેરીનો આનંદ માણો. ફક્ત એટલું ધ્યાન રાખો કે તમે તેને કેવી રીતે ખાઓ છો.
(શબ્દાંકનઃ રચના જોષી)