આજથી શરૂ થતા હિન્દુ નવા વર્ષને સુધારવા અપનાવી લો ત્રણ મુખ્ય યોગાભ્યાસ

19 March, 2026 12:50 PM IST  |  Mumbai | Ruchita Shah

યોગમાં કંઈ જ નથી આવડતું? સમય પણ નથી મળતો ? તો આ લેખ તમારા માટે : આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિ અને ગુઢીપાડવાની ઉજવણી સાથે જીવનને સકારાત્મકતા તરફ વાળવું હોય, સ્વાસ્થ્યવર્ધક બનવું હોય અને મનને મજબૂત કરવું હોય તો શું કરી શકાય એનું સરળ વર્ણન પ્રસ્તુત છે

પ્રતીકાત્મક તસવીર

આજનો દિવસ ખાસ છે અઢળક રીતે. મૂળ વાત પર આવતાં પહેલાં થોડીક વાતો આજના દિવસ માટે જ કરી લઈએ. પુરાણો મુજબ આજના દિવસે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આ દિવસથી સત્યયુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. એટલે જ યુનિવર્સનો બર્થ-ડે છે આજે એવું પણ કહી શકાય. બીજી એક માન્યતા કહે છે કે આજના દિવસે જ રાવણ પર વિજય મેળવીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમનું સ્વાગત વિજય પતાકા એટલે કે ગુઢી લહેરાવીને કરવામાં આવ્યું હતું. આજથી જ ઑફિશ્યલી વસંત ઋતુનો પ્રારંભ આ સમયગાળામાં થાય છે. ઝાડ પર નવી કૂંપળો આવે છે અને પ્રકૃતિ ખીલી ઊઠે છે, જે નવસર્જનનો સંકેત છે. હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષનો પ્રથમ દિવસ છે. મહારાષ્ટ્રિયન અને મારવાડીઓ બાકાયદા આજે જ નવા વર્ષની ઉજવણી કરે છે. ઘરના આંગણે કે બારીમાં વાંસની લાકડી પર રેશમી વસ્ત્ર, લીમડાની ડાળી, સાકરની માળા અને ઉપર તાંબાનો લોટો ઊંધો રાખીને ગુઢી તૈયાર કરવામાં આવે છે; જે જીવનમાં આવતા ઉતાર-ચડાવ છતાં હંમેશાં વિજયી રહેવાની પ્રેરણા આપે છે. માનવામાં આવે છે કે ગુઢી ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરી સુખ-સમૃદ્ધિ લાવે છે. બીજો એક મહત્ત્વનો સંયોગ એટલે કે આજથી જ ચાર નવરાત્રિઓમાં શ્રેષ્ઠ મનાતી ચૈત્ર નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. રામનવમી સુધી ચાલનારા શક્તિની ઉપાસનાના પવિત્ર મહોત્સવ દરમિયાન આદ્યશક્તિનાં નવ સ્વરૂપોની આરાધના કરવાથી આંતરિક ઊર્જા અને મનોબળમાં વધારો થાય છે એવું મનાય છે. નવરાત્રિ આધ્યાત્મિક શુદ્ધિ અને માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ ગણાય છે જેમાં યોગ અને ધ્યાનનો સમન્વય કરવાથી વ્યક્તિ શારીરિક વ્યાધિઓથી મુક્ત થઈને નવી ચેતનાનો અનુભવ કરી શકે છે. આ બધા જ સંયોગોનો સાર એટલો જ કે આજનો દિવસ એ શુભારંભનો, નવેસરથી જાતને બહેતર બનાવવાની દિશામાં ડગ ભરવાનો દિવસ છે જેમાં યોગાભ્યાસ તમારા ખૂબ કામ લાગી શકે છે પણ જેમણે ક્યારેય યોગ નથી કર્યા અથવા યોગ માટે લાંબો સમય ફાળવી શકે એવું પણ નથી ત્યારે કઈ રીતે એને જીવનમાં સ્થાન આપવું એના જવાબમાં પ્રસ્તુત છે યોગ નિષ્ણાત ડૉ. રક્ષા વાઢૈયાએ શૅર કરેલા સરળ પણ અસરદાર અભ્યાસો વિશે. 

સૂર્યની સામે ઊભા રહીને કરો સ્થિત પ્રાર્થનાસન

સૂર્યદેવ ઊર્જાના વાહક છે અને અત્યારનો સમય ઊર્જાને રીગેઇન કરવાનો છે ત્યારે બન્ને પગ એકબીજાની એકદમ નજીક રાખીને બન્ને હાથ જોડીને આંખો બંધ કરીને ઊભા રહેવાની ક્રિયા પણ સંતુલનનું અદ્ભુત કામ કરી શકે છે જેને યોગની ભાષામાં સ્થિત પ્રાર્થનાસન કહે છે. એકદમ લગોલગ પગ રાખીને આંખો બંધ કરો ત્યારે તમારું સંતુલન ખોરવાય એવું બની શકે પરંતુ ત્યારે તમે જો જોડેલા હાથને જરાક દબાણ આપો તો સ્થિરતા આવતી હોય છે. આ અભ્યાસ તમારામાં અકલ્પનીય સંતુલન લાવશે. ઊગતા સૂર્યને જળ ચડાવીને થોડીક ક્ષણો પણ જો આ રીતે ઊભા રહો તો તમારું મન ધીમે-ધીમે સ્થિર થતું જશે. મનની વિહવળતા ઓછી થશે. ઘણા લોકો સૂર્ય નમસ્કાર કરવા અસમર્થ હોય છે. એ લોકો આ સ્થિત પ્રાર્થનાસન કરી શકે. જીવનમાં હાર્મની અને બૅલૅન્સ આ અભ્યાસથી વધશે. એ સિવાય પગની પિંડીઓ સ્ટ્રૉન્ગ બને. શરીરનું પૉશ્ચર સુધરે એ બધું જુદું.

બહુ જ ઈઝીલી કરી શકાય એવી સમાન સંતુલન ક્રિયા

તમે ઊભા રહી નથી શકતા, બેસી પણ નથી શકતા પણ જો બેડમાં આડા પડી શકો છો તો પણ એવા અભ્યાસ છે જે કરવાથી તમને રાહત મળશે. આપણા શરીરમાં પેટના વિસ્તારમાં રહેલો સમાન નામનો પ્રાણ યોગની ભાષામાં પાચન માટે જવાબદાર પ્રાણઊર્જા ગણાય છે. જોકે આપણા સર્વાઇવલનું ઉદ્ગમ બિન્દુ આપણી નાભિને મનાય છે અને સમાન પ્રાણનું સ્થાન પણ ત્યાં જ છે એટલે સમાન પ્રાણના સંતુલનની આ સરળ પ્રૅક્ટિસ તમારા જીવનની દરેકેદરેક સમસ્યાનું સમાધાન બની શકે એમ છે. પીઠના બળે ચત્તા સૂઈ જવાનું. બન્ને ઘૂંટણને વાળીને હળવાશથી એમ રાખવાનાં કે એ આકાશ તરફ રહે. પગની એડીઓ જમીનને સ્પર્શેલી હોય. ડાબો અથવા જમણો હાથ હળવાશ સાથે પેટ પર નાભિને સ્પર્શે એ રીતે મૂકવાનો. હવે પેટથી જ ઊંડા શ્વાસ લેવાના. ઊંધી ગણતરી કરવાની અને શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર આવતું હોય અને શ્વાસ બહાર જતા હોય ત્યારે પેટ અંદર જતું હોય. એ આખી પ્રોસેસને ઊંધી ગણતરીના એકેક રાઉન્ડ સાથે જોવાની. જેમ કે શ્વાસ લીધો, પેટ બહાર આવ્યું અને શ્વાસ છોડ્યો અને પેટ અંદર ગયું એવો એક રાઉન્ડ પતે એટલે મનમાં દસ ગણવાનું. પછી બીજા રાઉન્ડ સાથે નવ ગણવાનું. પછી આઠ, પછી સાત એમ એક સુધી ગણતા જવાનું. જમ્યા પછી જમતા પહેલાં, ખૂબ થાકી ગયા હો ત્યારે, મન વિક્ષિપ્ત અથવા તનાવમાં હોય ત્યારે એમ તમને મન થાય ત્યારે આ અભ્યાસ કરો અને અસર જુઓ. તમારા શરીરમાં ક્યાંય પણ તકલીફ આવે ત્યારે પહેલી અસર તમારા આ સમાન પ્રાણ પર અથવા નાભિના વિસ્તારમાં પડતી હોય છે. આ અભ્યાસ તમને સેફ્ટીની ફીલિંગ આપશે અને શરીરમાં સેલ્ફ-હીલિંગની પ્રોસેસને સ્પીડઅપ કરશે. બહુ જ સરળ, આડઅસર વિનાના આ અભ્યાસને આજના જમાનામાં મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બન્ને માટે રામબાણ ગણી શકીએ.

મેન્ટલ બૅલૅન્સ આપશે અનુલોમ-વિલોમ પ્રાણાયામ

આજે મોટા ભાગની સમસ્યાનું મૂળ છે માનસિક અસંતુલન. મનને કન્ટ્રોલ કરવું અઘરું છે પરંતુ યોગમાં સ્વરશાસ્ત્ર એટલે કે ડાબી અને જમણી નાસિકાના પ્રભાવની જે અદ્ભુત વાતો છે એ અકલ્પનીય છે. અનુલોમ-વિલોમ અથવા તો નાડીશુદ્ધિ પ્રાણાયામ તમારા જીવનમાં માનસિક સ્વાસ્થ્યને ઇન્સ્ટન્ટ આપવા માટે બનેલી પ્રૅક્ટિસ છે. બીજા નંબરે ફિઝિકલ સંતુલન પણ એનાથી આવી જ શકે છે. મનને શાંત અને સ્થિર કર્યા પછી જીવનને સમજવાનું અને અન્ય સમસ્યાઓને સમજદારીથી ઉકેલવાનું કામ સરળ છે અને એટલે જ જરૂરી છે કે દિવસમાં વીસથી પચીસ રાઉન્ડ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવો જોઈએ જેમાં ડાબી નાસિકાથી ધીમા શ્વાસ લઈને જમણી નાસિકાથી બહાર કાઢવાનો અને જમણી બાજુથી શ્વાસ લઈને ડાબી બાજુથી બહાર કાઢવાનો હોય છે. કોઈ પણ જાતની આડઅસરો વિનાની આ પ્રૅક્ટિસ તમે યોગમાં સાવ નવા હો તો પણ સરળતાથી જાતે પોતાની જ દેખરેખમાં કરી શકો અને પરિણામ સોએ સો ટકા મળે એની ગૅરન્ટી છે.

આજથી થતી શરૂઆતમાં નિયમ પાળવાની સંભાવનાઓ વધી જાય : ડૉ. રક્ષા વાઢૈયા

આજના દિવસથી દસેક દિવસ કડવા લીમડાનો રસ અને સાકરનું સેવન કરવાની આપણી પરંપરા છે એમ જણાવીને સિનિયર યોગ નિષ્ણાત ડૉ. રક્ષા વાઢૈયા કહે છે, ‘ચૈત્ર મહિનાની શરૂઆતનો આ સમય ઋતુ પરિવર્તનનો હોવાથી આપણી દિનચર્યામાં પણ કડવા રસનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પ્રાચીન કાળથી હેલ્થને પ્રાધાન્ય આપવા માટે આ સમયગાળાને ખાસ ગણાયો છે. આ સમય સમજાવે છે કે જેમ પ્રકૃતિ નવું રૂપ ધારણ કરે છે એમ આપણે પણ આપણી ખરાબ આદતો છોડીને સ્વાસ્થ્ય અને સકારાત્મકતા તરફ આગળ વધવું જોઈએ. ગરમીમાં જ્યારે બહારનું વાતાવરણ તપેલું હોય ત્યારે યોગસાધનાથી શરીરની અને મનની અંદરના વાતાવરણને સંતુલિત કરવાનું કામ સરળતાથી થઈ શકે એમ છે. આ સમય છે પોતાને રીક્રીએટ કરવાનો, રીઇન્વેન્ટ કરવાનો, સારી આદતોને સ્થાયી કરવાનો. આ સમયને સાચવી લો તો આવનારા આખા વર્ષ દરમ્યાન એની અસર રહે. પ્લસ આ સમયગાળા દરમ્યાન તમે જો નક્કરતાપૂર્વક પરિણામ લાવવાના પ્રયાસ કરો તો એની અસર પણ લાંબા ગાળાની રહેતી હોય છે. બ્રેઇનના અને બૉડીના કેમિકલ લોચાને સંતુલિત કરવામાં આજથી શરૂઆત કરીને કેટલાક સરળ યોગાભ્યાસ પણ ખાસંખાસ પરિણામ આપી શકે છે.’

gudi padwa yoga health tips healthy living life and style lifestyle news columnists