તમે ફિટ રહેવા માટે જિમમાં જાઓ છો, પણ જિમનાં કપડાં તમને બીમાર ન પાડે એ જોજો

01 May, 2026 04:02 PM IST  |  Mumbai | Kajal Rampariya

ઘણી વાર આપણે વર્કઆઉટ પૂરું કર્યા પછી એ જ કપડાંમાં કલાકો સુધી મિત્રો સાથે બેસી રહીએ છીએ અથવા તો આળસમાં આવીને એ જ કપડાંને ધોયા વગર બીજા દિવસે ફરી પહેરી લઈએ છીએ. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ એ ગંભીર બીમારીઓનું મૂળ છે.

પ્રતીકાત્મક તસવીર

વર્કઆઉટ દરમ્યાન શરીરમાંથી નીકળતો પરસેવો અને ટાઇટ ફિટિંગ સિન્થેટિક કપડાં વચ્ચેનું ઘર્ષણ બૅક્ટેરિયા માટે પ્રજનનકેન્દ્ર બની જાય છે ત્યારે ચામડીના ઇન્ફેક્શનથી લઈને હૉર્મોનલ ડિસ્ટર્બન્સ સુધીની સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ વર્કઆઉટ પછી કલાકો સુધી એ જ કપડાંમાં બેસી રહો છો કે એને ધોયા વગર પાછાં પહેરો છો તો ચેતી જજો

ફિટનેસ એક પૅશન બની ગયું છે અને એની સાથે જોડાયેલું વર્કઆઉટ ફૅશન માર્કેટ પણ આસમાને છે. મોંઘાં લાઇક્રા પૅન્ટ્સ, બ્રૅન્ડેડ સ્પોર્ટ્‍સ ટી-શર્ટ્સ અને હાઈ-ટેક શૂઝ પહેરીને જિમમાં જવું એ હવે નૉર્મલ છે. જોકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે પરસેવો શોષી લેવાનો દાવો કરતાં આ જ કપડાં તમને હૉસ્પિટલના ખાટલે પણ પહોંચાડી શકે છે? તાજેતરના રિસર્ચ મુજબ તમારાં જિમવેઅરના રેસાઓમાં એક એવું ડર્ટી સીક્રેટ છુપાયેલું છે જે તમારી સ્કિન અને ઓવરઑલ હેલ્થ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ફૅબ્રિકની પસંદગી

જિમમાં વર્કઆઉટ કરતી વખતે પરસેવો થાય ત્યારે આપણું શરીર કુદરતી રીતે તાપમાન જાળવી રાખવા માટે ઠંડું પડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયામાં આપણાં કપડાંની ભૂમિકા મહત્ત્વની હોય છે. જોકે અત્યારે જિમવેઅરની વાત કરીએ તો મૉડર્ન સિન્થેટિક અને ટાઇટ ફિટિંગનાં કપડાંનું ચલણ વધ્યું છે, પણ મોટા ભાગે આવાં કપડાં ઘણી વાર કુદરતી ચક્રમાં અવરોધ ઊભો કરે છે. મોટા ભાગનાં જિમવેઅર પૉલિયેસ્ટર અથવા નાયલૉન જેવા મટીરિયલનાં બનેલાં હોય છે અને બ્રીધેબલ હોવાનો દાવો કરે છે, પણ હકીકતમાં આ ફૅબ્રિક પરસેવાને શોષી લેતું નથી. એને કારણે કપડાંની અંદર ગરમ અને ભેજવાળું વાતાવરણ તૈયાર થાય છે જે હાનિકારક બૅક્ટેરિયા અને ફૂગનું ઘર બની જાય છે.

ઇન્ફેક્શનનું જોખમ

ઘણી વાર આપણે વર્કઆઉટ પૂરું કર્યા પછી એ જ કપડાંમાં કલાકો સુધી મિત્રો સાથે બેસી રહીએ છીએ અથવા તો આળસમાં આવીને એ જ કપડાંને ધોયા વગર બીજા દિવસે ફરી પહેરી લઈએ છીએ. આ ટેવ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ એ ગંભીર બીમારીઓનું મૂળ છે. કપડાંમાં ભરાયેલા બૅક્ટેરિયાને કારણે વાળના મૂળમાં સોજો આવે છે તથા અચાનક થતા ખીલ અને રિંગવૉર્મ જેવા ચામડીના રોગોને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, જિમનાં મશીનો પર રહેલા અન્ય લોકોના બૅક્ટેરિયા પણ તમારાં કપડાં દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જો તમારી ત્વચા પર કોઈ નાનો કટ કે ઈજા હોય તો આ સૂક્ષ્મ જીવાણુઓ લોહીમાં ભળીને ગંભીર આંતરિક ઇન્ફેક્શન પણ પેદા કરી શકે છે.

કેમિકલનો ભંડાર

તમારા જિમવેઅર માત્ર બૅક્ટેરિયાનું જ ઘર નથી, એ કેમિકલ્સનો ભંડાર પણ હોઈ શકે છે. કપડાંને વધુ આકર્ષક બનાવવા, એને ચમક આપવા અને એમાં ઍન્ટિ-ઑડોર એટલે કે દુર્ગંધ ન આવે એવા ગુણો ઉમેરવા માટે ઉત્પાદકો પ્રોસેસિંગ દરમ્યાન ઝેરી કેમિકલ્સનો છૂટથી ઉપયોગ કરે છે. આ કપડાંમાં રહેલા પ્લાસ્ટિકના અંશ અને કેમિકલ કસરત દરમ્યાન જ્યારે પોર્સ ખૂલે છે ત્યારે ત્વચા દ્વારા સીધાં શરીરમાં શોષાય છે. લાંબા ગાળે આ કેમિકલ્સ હૉર્મોનલ અસંતુલન અથવા ક્રોનિક ઍલર્જી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. ફિટનેસના નામે આપણે જે ફૅન્સી આઉટફિટ્સ ખરીદીએ છીએ એ અજાણતાંમાં આપણી રોગપ્રતિકારક શક્તિને જ નબળી પાડે છે.

વર્કઆઉટ સાથે કરો હાઇજીન મૅનેજમેન્ટ

જિમનાં કપડાંથી થતી બીમારીઓથી બચવા માટે આપણે જીવનશૈલીમાં નાના પણ અસરકારક ફેરફારો કરવાની જરૂર છે. સૌથી પહેલો નિયમ એ છે કે વર્કઆઉટ પૂરું થયાની ૨૦થી ૩૦ મિનિટમાં જ કપડાં બદલીને ઍન્ટિ-બૅક્ટેરિયલ સાબુથી સ્નાન કરી લેવું જોઈએ. હાઇજીનની દૃષ્ટિએ જિમવેઅરને ક્યારેય ધોયા વગર રિપીટ ન કરવાં જોઈએ. દરેક સેશન પછી એને ગરમ પાણી અને સારા ડિટર્જન્ટથી ધોવાં અનિવાર્ય છે. કપડાં ખરીદતી વખતે માત્ર બ્રૅન્ડ કે લુક જોવાને બદલે ફૅબ્રિકની ગુણવત્તા તપાસો. બને ત્યાં સુધી ઉચ્ચ ગુણવત્તાવાળું ટેક્નિકલ ફૅબ્રિક્સ પસંદ કરો. આ ઉપરાંત જિમનાં સાધનો વાપરતી વખતે હંમેશાં પોતાનો અંગત ટુવાલ પાથરવો જેથી અન્યના પરસેવા અને બૅક્ટેરિયા સાથેનો સીધો સંપર્ક ટાળી શકાય.

health tips lifestyle news life and style gujarati mid day columnists