01 May, 2026 04:35 PM IST | Mumbai | Heena Patel
ગરમીમાં તરબૂચ ખાવાના નિયમો નહીં જાણો તો પડી શકો છો મુશ્કેલીમાં
આ જ અઠવાડિયે પાયધુનીમાં બિરયાની બાદ તરબૂચ ખાધા પછી તબિયત લથડતાં એક જ પરિવારના ૪ સભ્યોનાં મૃત્યુ થયાં હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના પછી તરબૂચ સાથે શું ખાવાની ભૂલો ન કરવી જોઈએ એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાથે જ બજારમાં વેચાતાં કેમિકલવાળાં ફ્રૂટ્સને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક્સપર્ટ પાસેથી આ તમામ બાબતોને લઈને જાણકારી લઈએ જેથી આપણે મુસીબતમાં મુકાતાં બચી જઈએ
ગરમીની સીઝનમાં ઠંડક મેળવવા માટે આપણે બધા તરબૂચ, શક્કરટેટી અને લીચી જેવાં ફળોનું મન મૂકીને સેવન કરતા હોઈએ છીએ. એની સાથે જ આ કેરીની પણ સીઝન છે. આમ તો ફળ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે, પરંતુ બદલાતા જમાનામાં ફળોમાં પણ બેફામ ભેળસેળ થઈ રહી છે. ફળોને ઝટપટ પકાવવા માટે હાનિકારક કેમિકલનો ઉપયોગ કરીને એને અકુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ સિવાય કયા ફળ સાથે શું ખાવું અને શું ન ખાવું એનું પૂરતું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે, નહીંતર એ હાનિકારક નીવડી શકે છે. પાયધુનીમાં તાજેતરમાં બનેલા કિસ્સાને જ જોઈ લો. એક પ્રસંગ માટે ભેગા થયેલા ઘણા લોકોએ ચિકન બિરયાની ખાધી હતી. મહેમાનો ગયા પછી પરિવારના ૪ જણે તરબૂચ કાપીને ખાધું હતું. એ ખાધાના થોડા જ કલાકોમાં તેમની તબિયત લથડી. તેમને હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનાં કરુણ મૃત્યુ થયાં. હાલ અનેક સવાલો ઊઠી રહ્યા છે કે શું તરબૂચમાં કેમિકલની ભેળસેળ હતી, બિરયાની વાસી હતી કે પછી આ ફૂડ-કૉમ્બિનેશન જ અયોગ્ય હતું. બિરયાની વાસી હોત તો બીજા પણ ઘણા લોકોએ બિરયાની ખાધી હતી. તેમને કેમ કંઈ ન થયું એ પણ સવાલ છે. આ કેસની વાસ્તવિકતા તો તપાસ પછી જ બહાર આવશે, પરંતુ આ ઘટનાએ તરબૂચના ખોટા ફૂડ-કૉમ્બિનેશન અને કેમિકલથી પકવવામાં આવતાં ફળો અંગેની ચર્ચાને ફરી તેજ બનાવી દીધી છે. હેલ્ધી ગણાતું આ ફળ આપણા માટે સુરક્ષિત રહે એ માટે શું તકેદારી રાખવી જોઈએ એ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ. સાથે જ માર્કેટમાં મળતા અસલી અને નકલી ફળોને ઓળખવાની રીતો અને કેમિકલયુક્ત ફળો શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે એની પણ વિગતવાર સમજ મેળવીએ.
તરબૂચ ખાવાની યોગ્ય રીત
તરબૂચ કયા કૉમ્બિનેશનમાં ન ખાવું જોઈએ અને એને ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે માહિતી આપતાં આયુર્વેદ360નાં ફાઉન્ડર ડૉ. પ્રિયંકા રાજ્યગોર કહે છે, ‘તરબૂચ ખાવાના આયુર્વેદિક નિયમોની વાત કરીએ તો તરબૂચની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. તેથી તરબૂચ ખાધા પછી તરત જ કોઈ ગરમ તાસીરવાળી વસ્તુ ન ખાવી જોઈએ. મસાલેદાર કે ભારે ભોજન લીધા પછી તરત જ તરબૂચ ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં બળતરા કે અસ્વસ્થતા થઈ શકે છે. આયુર્વેદ મુજબ તરબૂચ અને દૂધ ‘વિરુદ્ધ આહાર’ છે. એ શરીરમાં ઝેરી તત્ત્વો પેદા કરે છે જે લાંબા ગાળે ત્વચાના રોગો અથવા ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તરબૂચમાં પહેલેથી જ પાણીનું પ્રમાણ વધારે હોય છે. એ ખાધા પછી તરત જ પાણી પીવાથી જઠરાગ્નિ (પાચનશક્તિ) નબળો પડે છે, જેનાથી અપચો થઈ શકે છે. સાંજે કે રાત્રે તરબૂચ ખાવાથી કફ વધી શકે છે. આના કારણે ખાંસી, શરદી કે ગળામાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. તરબૂચ ખાવામાં ભલે હલકું લાગે, પણ પચવામાં એ ભારે છે. તેથી એનું સેવન હંમેશાં મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તરબૂચને માત્ર એકલા જ ફળ તરીકે ખાવું જોઈએ, જેથી એનું પાચન યોગ્ય રીતે થઈ શકે. દરમ્યાન જેમને ડાયાબિટીઝ હોય, કિડનીની સમસ્યા હોય, શરીરમાં પહેલેથી જ સોજા કે પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોય, મંદ પાચન અને કબજિયાત રહેતી હોય, ગૅસ અને પેટ ફૂલવાની સમસ્યા હોય અથવા શરદી, ઉધરસ અને કફ રહેતાં હોય તેમણે તરબૂચનું સેવન ટાળવું જોઈએ.’
આ વાતને સમર્થન આપતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘તરબૂચને દૂધ, દહીં કે પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ સાથે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તરબૂચ ખૂબ જ ઝડપથી પચી જાય છે જ્યારે ડેરી પ્રોડક્ટ્સને પચવામાં વધુ સમય લાગે છે. તમે જ્યારે તરબૂચને આવા ભારે અથવા ધીમેથી પચતા ખોરાક જેમ કે ઈંડાં, માંસ, માછલી જેવા હાઈ-પ્રોટીન ખોરાક અથવા તેલયુક્ત ખોરાક સાથે ખાઓ છો ત્યારે એ જરૂરિયાત કરતાં વધુ સમય માટે પેટમાં રોકાઈ રહે છે. આ વધારાના સમય દરમ્યાન પેટમાં આથો આવવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં આંતરડાંના બૅક્ટેરિયા તરબૂચમાં રહેલી શર્કરાનું વિઘટન કરવા લાગે છે. આ પ્રક્રિયા દરમ્યાન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે જે પેટ ફૂલવું, ગૅસ થવો અને ક્યારેક ઍસિડિટી જેવી અસ્વસ્થતા અથવા અપચાનું કારણ બની શકે છે.’
કેમિકલવાળાં ફળોથી નુકસાન
કેમિકલના ઉપયોગથી અકુદરતી રીતે પકાવવામાં આવેલાં ફળોનાં આપણા સ્વાસ્થ્ય પર કેટલાં ગંભીર પરિણામો થાય છે એ વિશે વાત કરતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘ફળોના પરિપક્વ થવાની કુદરતી પ્રક્રિયામાં જ્યારે ફળ ઝાડ પર જ પાકે છે ત્યારે એ પોતાની મેળે ઇથિલીન નામનો ગૅસ મુક્ત કરે છે જે ફળમાં રહેલા સ્ટાર્ચને સિમ્પલ શુગરમાં ફેરવીને એને મીઠાશ આપે છે અને સાથે જ એના ગરને નરમ બનાવીને ઍસિડિટીમાં ઘટાડો કરે છે. એને કારણે ફળનો રંગ બદલાય છે અને એમાં કુદરતી મીઠી સુગંધ પેદા થાય છે જે એને પચવામાં હળવું અને સ્વાદિષ્ટ બનાવે છે. બીજી તરફ ઇથિલીન ચેમ્બર જેવી સુરક્ષિત આર્ટિફિશ્યલ પદ્ધતિમાં ફળોને નિયંત્રિત વાતાવરણમાં આ જ ગૅસ આપીને પકવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત ગણાય છે કારણ કે એમાં કોઈ ઝેરી અવશેષો બાકી રહેતા નથી. જોકે ફળોને ઝડપથી પકવવા માટે વપરાતું કૅલ્શિયમ કાર્બાઇડ અત્યંત જોખમી છે, કારણ કે એ ભેજ સાથે ભળીને ઍસિટિલિન ગૅસ મુક્ત કરે છે જેમાં આર્સેનિક અને ફૉસ્ફરસ જેવાં ઝેરી તત્ત્વો હોય છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. આવા કેમિકલવાળાં ફળો ખાવાથી તાત્કાલિક ધોરણે માથાનો દુખાવો થવો, ચક્કર આવવાં, માનસિક મૂંઝવણ થવી, ઊંઘ આવવી તેમ જ આંખો અને ત્વચામાં બળતરા થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે અને એ પાચનમાર્ગમાં બળતરા પેદા કરીને ઊલટી તથા ડાયેરિયા જેવી સ્થિતિ સર્જે છે. આ ઝેરી ગૅસ ચેતાતંત્ર પર માઠી અસર કરવાની સાથે શરીરને ડીટૉક્સ કરતા લિવર અને કિડની પર વધારાનું દબાણ લાવે છે જે લાંબા ગાળે આ અંગોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં આવાં ફળોનું સતત સેવન કરવાથી કોષોને નુકસાન થવાથી કૅન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે અને ખાસ કરીને બાળકોમાં પાચનની સમસ્યાઓ, ચીડિયાપણું અને નબળાઈ જેવાં લક્ષણો જોવા મળે છે. આ રીતે પકવેલાં ફળોમાં કુદરતી મીઠાશ હોતી નથી અને વિટામિન્સનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે.
તરબૂચમાં ભેળસેળને આ રીતે પકડો
તરબૂચ સીઝનનું મનપસંદ ફળ છે, પણ આજકાલ એના ગરને લાલચટક બનાવવા માટે એમાં ભેળસેળ અને કેમિકલ ઇન્જેક્શનના કિસ્સાઓ વધી રહ્યા છે. તરબૂચ ફેક અથવા કેમિકલવાળું છે કે નહીં એ ઓળખવા માટે તમે આ સરળ ટેસ્ટ કરી શકો છો.
કૉટન ટેસ્ટ : આ સૌથી અસરકારક રીત છે. તરબૂચને વચ્ચેથી કાપો. રૂનો એક ટુકડો લો અને એને લાલ ભાગ પર હળવેથી ઘસો. જો રૂ લાલ થઈ જાય તો એનો અર્થ એ છે કે એમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું છે.
વૉટર ટેસ્ટ : તરબૂચનો એક નાનો ટુકડો કાપીને કાચના પાણી ભરેલા ગ્લાસમાં નાખો. જો પાણી તરત જ ઘાટું ગુલાબી કે લાલ થઈ જાય તો સમજી લેવું કે એમાં કેમિકલ કલર છે.
હોલ અથવા ઇન્જેક્શનનાં નિશાન : તરબૂચ ખરીદતી વખતે એના પર કોઈ નાનાં કાણાં કે ડાઘ તપાસો. ક્યારેક ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં કાળો ડાઘ અથવા નાનું કાણું રહી જાય છે.
કલર વેરિએશન : કુદરતી તરબૂચમાં ક્યારેય એકસરખો લાલ રંગ નથી હોતો. એમાં કુદરતી રીતે ક્યાંક આછો ગુલાબી તો ક્યાંક લાલ એમ શેડ્સ જોવા મળે છે. કુદરતી તરબૂચમાં સફેદ કે આછા રંગના ઝીણા રેસા દેખાય છે, જ્યારે કેમિકલવાળું તરબૂચ અંદરથી એકદમ સ્મૂધ અને અકુદરતી રીતે ચમકતું દેખાય છે.
બીને જુઓ : જે તરબૂચ કુદરતી રીતે પાક્યું હોય એનાં બી એકદમ કાળાં અથવા ઘેરા કથ્થઈ અને સખત હોય છે. જો તરબૂચ અંદરથી એકદમ લાલચટક દેખાતું હોય, પરંતુ એનાં બી સફેદ કે આછા રંગનાં હોય તો એ સાવચેત રહેવાનો સંકેત છે. આનો અર્થ એ થાય છે કે તરબૂચ હજી કાચું હતું ત્યારે જ એને ઇન્જેક્શન આપીને અંદરથી લાલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે કેમિકલ માંસલ ભાગનો રંગ બદલી શકે છે પણ બીને કુદરતી રીતે પકવી શકતું નથી.
સ્વાદ અને સુગંધ : જો તરબૂચ જરૂર કરતાં વધારે ગળ્યું લાગે અને એમાં ખાંડ જેવો સ્વાદ આવે તો એમાં સેકેરિન હોવાની શક્યતા છે. જો કાપ્યા પછી તરબૂચમાંથી કોઈ કેમિકલ જેવી અથવા અજીબ વાસ આવે તો એનો ત્યાગ કરવો હિતાવહ છે.
બહારનો દેખાવ : તરબૂચ ખરીદતી વખતે એની સપાટી પર પીળો કે ક્રીમ રંગનો મોટો ડાઘ ખાસ તપાસો. આ ડાઘ એ વાતની નિશાની છે કે તરબૂચ જમીન પર રહીને સૂર્યના તાપમાં કુદરતી રીતે પાક્યું છે. કુદરતી રીતે પાકેલા તરબૂચની છાલ થોડી ફિક્કી હોય છે. જો છાલ અતિશય ચમકતી કે પૉલિશ કરેલી લાગે તો એના પર વૅક્સ (મીણ) અથવા કેમિકલનો ઉપયોગ થયો હોઈ શકે છે.
દાંડીની તપાસ : જો તરબૂચની દાંડી સુકાઈ ગયેલી અને કથ્થઈ રંગની હોય તો એનો અર્થ એ છે કે તરબૂચ વેલા પર પૂરેપૂરી રીતે પાક્યા પછી તોડવામાં આવ્યું છે. આવું તરબૂચ કુદરતી રીતે ગળ્યું હોય છે. જો દાંડી એકદમ લીલી અને તાજી હોય તો એનો અર્થ એ છે કે એને હજી કાચું હતું ત્યારે જ તોડી લેવામાં આવ્યું છે. આવું તરબૂચ અંદરથી લાલ હોઈ શકે (જો ઇન્જેક્શન આપ્યું હોય તો) પણ કુદરતી રીતે ગળ્યું હોતું નથી.
ફીણ : જો તરબૂચની ઉપરની સપાટી પરથી સફેદ ફીણ નીકળતું દેખાય તો એને ભૂલથી પણ ખાવું નહીં. આનો અર્થ એ છે કે તરબૂચ અંદરથી સડી ગયું છે અને એમાં આથો આવવાને કારણે ગૅસ ભરાયો છે.
ગરમીની સીઝનમાં તરબૂચની સાથે કેરી તેમ જ લીચી અને શક્કરટેટી જેવાં ફળો પણ ખૂબ ખવાતાં હોય છે. એવામાં આ ફળની પણ ખરાઈ કરવાની રીત જાણી લો
કેરી : કેરીને પાણીની ડોલમાં નાખો. જો તળિયે બેસી જાય તો અસલી અને જો તરે તો એ કેમિકલવાળી હોવાની શક્યતા વધુ છે. અસલી કેરીમાં લીલા અને પીળા રંગનું મિશ્રણ હોય છે. નકલી કે કેમિકલવાળી કેરી આખી એકસરખી ઘાટી પીળી દેખાય છે. કેરીના ડીંટિયા પાસે સૂંઘો. અસલીમાં તીવ્ર મીઠી સુગંધ આવશે, જ્યારે કેમિકલવાળીમાં કોઈ સુગંધ નહીં હોય અથવા દવાની વાસ આવશે. કેરીને દબાવી જુઓ. જો એ બધી બાજુથી સરખી નરમ હોય તો અસલી, પણ જો ક્યાંક નરમ અને ક્યાંક પથ્થર જેવી કડક હોય તો એ નકલી રીતે પકવેલી છે.
લીચી : અસલી અને તાજી લીચી ક્યારેય એકદમ ચમકતી કે લાલચટક નથી હોતી. એમાં લાલ, ગુલાબી અને ક્યાંક લીલા કે કથ્થઈ રંગનું મિશ્રણ જોવા મળે છે. કુદરતી લીચીની છાલ બારીક ઊપસેલી, ખરબચડી અને ચામડા જેવી હોય છે. જો લીચીની છાલ એકદમ લિસ્સી, મીણ જેવી ચમકતી કે ચીકણી લાગે તો સમજી લેવું કે એના પર કેમિકલનો છંટકાવ થયો છે. તાજી લીચીની સુગંધ હળવી અને મીઠી હોય છે. જો એમાંથી કોઈ તીખી કે કેમિકલ જેવી ગંધ આવે તો એ ભેળસેળની નિશાની છે.
શક્કરટેટી : અસલી શક્કરટેટીમાં મીઠી અને તીવ્ર સુગંધ આવે છે, જ્યારે કેમિકલવાળીમાં કોઈ સુગંધ નથી હોતી અથવા દવાની વાસ આવે છે. કુદરતી રીતે પાકેલી શક્કરટેટી પર ઊપસેલી અને જાડી જાળી જેવી ડિઝાઇન જોવા મળે છે. જેની સપાટી એકદમ લિસ્સી હોય એ બહુ મીઠી હોતી નથી. પાકેલી શક્કરટેટીનો રંગ આછો પીળો કે સોનેરી હોય છે. જો આખી શક્કરટેટી એકદમ ઘાટી લીલી હોય તો એ કાચી હોઈ શકે છે. અસલી શક્કરટેટી હાથમાં લેતાં વજનદાર લાગે છે અને દબાવતાં સહેજ નરમ હોય છે. જો એ પથ્થર જેવી કડક હોય તો એ કાચી કે નકલી રીતે પકવેલી હોઈ શકે છે. ભીના રૂના પૂમડાને એની છાલ પર ઘસતા જો રંગ લાગે તો એમાં આર્ટિફિશ્યલ કલરની ભેળસેળ હોવાની શક્યતા છે.