બાળકોના માનસિક સ્વાસ્થ્યને જાળવવા આટલું ચોક્કસ કરીએ

19 December, 2025 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેના માટે તમે અવેલેબલ રહો. આ ખૂબ જ અઘરું થઈ ગયું છે આજના સમયમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દરેક માતા-પિતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે પણ ડિપ્રેશન જેવી બીમારી આજકાલ ૧૦ વર્ષનાં નાનાં બાળકોમાં પણ જોવા મળી રહી છે ત્યારે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે એ માટે માતા-પિતાએ અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

તેમનો ભણતરનો ભાર થોડો ઓછો કરો. આજના સમયની માગ છે કે સ્કૂલોએ બદલવું જ પડશે. રોબોટની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું? સ્કૂલમાં ભણ્યા એટલું બસ છે. આખો સમય બાળક ભણ્યા જ કરે તો બીજું કંઈ કરી જ નહીં શકે.

સ્કૂલમાં જે ભણતરનો ભાર છે એનો ભાર બમણો ઘરે માતા-પિતા કરતાં હોય છે. દરેક વાતમાં સરખામણી કરીને. તમારા બાળકને સમજો અને સરખામણીઓ ન જ કરો. જો એના પર પ્રેશર હળવું કરશો તો એ વધુ સારું પર્ફોર્મ કરશે. બીજા સાથેની સરખામણીમાં તેનો આત્મવિશ્વાસ ઘટશે. હીન ભાવના તેની અંદર આવશે.

બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેના માટે તમે અવેલેબલ રહો. આ ખૂબ જ અઘરું થઈ ગયું છે આજના સમયમાં. માતા-પિતાને બાળક માટે સમય જ નથી હોતો. અથવા એવું થઈ ગયું છે કે માતા-પિતા પાસે જ્યારે સમય હોય ત્યારે એ બાળકને આપે. આમાં એવું થાય છે કે બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેને તેના પ્રૉબ્લેમ્સ કે તેની ભાવનાઓને જાતે એકલાં સંભાળવી પડે છે. જે બાળક સંભાળી લે છે તે હોશિયાર બની જાય છે પરંતુ જે નથી સંભાળી શકતું તેની હાલત ખરાબ થઈ જાય છે. બાળકને સમય આપતાં માતા-પિતાનાં બાળકો સંતોષી અને આત્મવિશ્વાસથી છલકાતાં હોય છે. બાળકને બીજું કંઈ જ નહીં, તમારો સમય જોઈતો હોય છે. એ ચોક્કસ આપો. દરેક સોશ્યલ પાર્ટીમાં હાજરી નહીં આપો તો ચાલશે પરંતુ તમારા બાળકને દરરોજ રાત્રે સૂતાં પહેલાં વાર્તા કરવા માટે સમય કાઢો. બાળક બોલે એ જરૂરી છે અને એના માટે તમે તેને સાંભળો એ પણ એટલું જ જરૂરી છે, જેના માટે સમય જરૂરી છે.

બાળકોના ખોરાક પર ધ્યાન આપો. બહારનો ખોરાક અને ઘરનો ખોરાક એમાં ઘણો ફરક છે અને આ ફરકની અસર બાળકના માનસ પર પડવાની જ છે. બીજું એ કે જો તેની ડાયટ હેલ્ધી હશે તો શરીર અને મન બન્ને હેલ્ધી હશે.

બાળકો આજકાલ ૧૨-૧ વાગ્યે તો ઘણાં તો ૨-૨ વાગ્યા સુધી જાગતાં હોય છે. આ જાગરણ પાછળનાં કારણોમાં તેમનાં ગૅજેટ્સ જવાબદાર છે. ૧૨-૧૫-૧૭ વર્ષે આ પ્રકારના રાત્રિ ઉજાગરાઓ સામાન્ય બનતા જાય છે એ ચિંતાજનક છે. આ પ્રકારના ઉજાગરા કરવા જ ન જોઈએ.

health tips healthy living mental health lifestyle news life and style columnists