13 December, 2025 08:13 PM IST | Mumbai | Darshini Vashi
સમોસા સ્ટફ્ટ કુલચાઃ યે કુછ નયા લગતા હૈ
મહાવીરનગરમાં વધુ એક યુનિક ડિશનું આગમન થયું છે જે છે સમોસા સ્ટફ્ડ કુલચા. નામ પરથી અંદાજ આવી જ ગયો હશે કે આ ડિશમાં સમોસા અને કુલચાનું કૉમ્બિનેશન કરવામાં આવ્યું હશે. તો તમે બરાબર જજ કરી રહ્યા છો. આ ડિશમાં એવું જ કંઈક કરવામાં આવ્યું છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ રીતે. ચાલો જાણીએ વિગતે.
મહાવીરનગરમાં આવેલા ધ સબ હબના ઓનર પુરવ ગાંધી કહે છે, ‘મારાં મમ્મી ટિફિન-બિઝનેસની સાથે સંકળાયેલાં છે. તેમને હું નાનપણથી ટિફિન બનાવતો જોતો આવ્યો છું એટલે મને પણ કુકિંગમાં રસ પડ્યો. મારું પૅશન બની ગયું એટલે મેં બારમા પછી હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ મેં અનેક મોટી હોટેલમાં એક્સ્પીરિયન્સ લીધો. મને મારું પોતાનું કંઈક શરૂ કરવાની ઇચ્છા હતી, પરંતુ કંઈ ક્લિક થઈ નહોતું રહ્યું. એક દિવસ મેં ઝવેરી બજારની કુલચા સૅન્ડવિચ વિશે સાંભળ્યું. મને કંઈક યુનિક લાગ્યું. મેં જોયું કે તેઓ આ સૅન્ડવિચમાં બેઝિક વસ્તુ જ ઍડ કરીને આપે છે તો મેં વિચાર્યું કે આપણે એમાં થોડું નવું અને યુનિક લાવીને કસ્ટમર્સ સમક્ષ મૂકી શકીએ. બસ, આ સાથે મેં રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું. આમ પણ મારે સબવે સૅન્ડવિચ સ્ટાઇલમાં કંઈક લાવવું હતું એટલે મેં રેસ્ટોરાંનું નામ પણ એવું જ રાખ્યું. અથાગ મહેનત અને ટ્રાયલ ઍન્ડ એરર બાદ આખરે અમે કુલચા સૅન્ડવિચ લૉન્ચ કરી જે હિટ ગઈ. ત્યાર બાદ મેં અલગ-અલગ ટૉપિંગ અને સ્ટફિંગ સાથેની લગભગ દોઢ ડઝન જેટલી કુલચા સૅન્ડવિચ રજૂ કરી જે લોકોની જીભે ચડી ગઈ છે. ત્યાર બાદ હવે અમે સમોસા સ્ટફ્ડ કુલચા લઈને આવ્યા જેમાં કુલચાની વચ્ચે થોડાં વેજિટેબલ્સ અને સમોસા મૂકીને આપીએ છીએ. સમોસાને પ્રેસ કરી નાખીએ જેથી ખાવાનું ફાવે અને દરેક બાઇટે સમોસાનો ટેસ્ટ પણ આવે. આ ઉપરાંત અમે કેટલાક સૉસ પણ ઍડ કરીએ છીએ જેથી એ વધુ ટેસ્ટી પણ લાગે. એ પણ લોકોને ભાવી રહ્યા છે.’
ક્યાં મળશે? : ધ સબ હબ, પાવનધામ માર્ગ, MCA ક્લબના ગેટની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)