30 November, 2024 03:12 PM IST | Mumbai | Darshini Vashi
બાગવે કૅફે
ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે ગરમાગરમ ભજિયાં ખાવાં તો કમ્પલ્સરી જ છે પણ જો એની સાથે ગરમાગરમ બ્રાઉની પણ મળી જાય તો પછી મજા જ આવી જાય. ગોરેગામ સ્ટેશનની સામે એક ખૂબ જ નાના કહી શકાય એવા સ્ટૉલ પર આ ડિઝર્ટ તમને મળી જશે. સ્ટૉલ ભલે દૂરથી નાનો લાગતો હોય પણ તેની પાસે ડિઝર્ટ, શેક, બ્રાઉની, પૅનકેકની અનેક વરાઇટી છે.
બાગવે કૅફે નિખિલ બાગવે નામના એક યુવાને શરૂ કરી છે જે અગાઉ કાંદિવલીમાં હતી અને છેલ્લાં બે વર્ષથી ગોરેગામ સ્ટેશનની સામે એક દુકાનની બહાર શરૂ કરવામાં આવી છે. નિખિલ દર થોડા-થોડા મહિને કંઈક નવું લઈને આવે છે જેને લીધે ફૂડીઝને અહીં આવવાનો રસ પડી રહ્યો છે. થોડા સમય પૂર્વે તેમણે ઘઉંના લોટમાંથી પૅન કેક બનાવી હતી. હવે તેઓ કુલ્લડ બ્રાઉની લઈને આવ્યા છે. એક કુલ્લડમાં પહેલાં તેઓ નીચે થોડી બ્રાઉનીનો ભૂકો નાખે છે. પછી ઉપર થોડી લિક્વિડ ચૉકલેટ નાખે છે. એના પર ફરી બ્રાઉનીનો ભૂકો નાખે છે. આમ તેઓ આ પ્રક્રિયા ત્રણ વખત કરે છે અને પછી કુલ્લડને એકાદ મિનિટ માટે પાણી ભરેલા તપેલામાં વરાળે સ્ટીમ આપવામાં આવે છે. પછી ઉપર આઇસક્રીમ જોઈએ તો આઇસક્રીમ અને ચૉકલેટ ક્રીમ જોઈએ તો એ નાખી આપવામાં આવે છે.
આવી રીતે અહીં સિઝલિંગ બ્રાઉની વિથ આઇસક્રીમ પણ મળે છે જેના પર સ્પ્રિન્કલ નાખીને આપવામાં આવે છે. એ પણ અહીંનું વન ઑફ ધ ફેવરિટ્સ છે. આ સિવાય પૅનકેક તો અહીંની હાઇએસ્ટ સેલિંગ આઇટમ છે. કૉલ્ડ કૉફી, મોઇતો અને સીઝનલ ફ્રૂટ જૂસ, અમુક ચાટ આઇટમો પણ અહીં મળે છે. સ્વચ્છતા અહીંનું જમા પાસું છે. આમ તો બપોરથી આ કૅફે-કમ-સ્ટૉલ ઓપન થઈ જાય છે, પણ સાંજ પછી અહીં ગિરદી વધી જાય છે. સ્ટેશન નજીક હોવાથી સાંજે અહીં થોડો રશ પણ હોય જ છે.
ક્યાં મળશે? : બાગવે કૅફે, સુરભીની બાજુમાં, સ્ટેશનની સામે, ગોરેગામ (વેસ્ટ)
સમય : બપોરે ૧૨થી રાતના ૧૧ સુધી