હેરફૉલ રોકવા કરિશ્મા તન્ના આ પાંચ નુસખા અપનાવે છે

30 January, 2025 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાળ ખરતા ઘટે એ માટે એને પૂરતું પોષણ મળવું જરૂરી છે. ટીવી અને વેબ-સિરીઝની ઍક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતે એ માટે કયા પાંચ નુસખા અપનાવે છે એ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે. આ નુસખા અપનાવવામાં કંઈ જ નુકસાન નથી

કરિશ્મા તન્ના

ખરતા વાળ એ દરેક યુવતીની ઊંઘ ઉડાડનારી બાબત છે. કાંસકો ફેરવતાં જ એમાં જથ્થાબંધ વાળનો ગુચ્છો નીકળતો હોય તો એ બતાવે છે કે તમારા હેરની હેલ્થમાં ગરબડ છે. એવા સંજોગોમાં એને પૂરતું ન્યુટ્રિશન મળે એવી ડાયટ અને હેરકૅર કરવું મસ્ટ છે. જોકે બહુ ચિંતાજનક હેરલૉસ ન થતો હોય અને તમે વાળનાં મૂળિયાંને મજબૂત રાખવા માગતા હો તો ટીવી-ઍક્ટ્રેસ કરિશ્મા તન્નાએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલા જુગાડ અપનાવવા જેવા છે. આ એવા ઘરેલુ ઉપાય છે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને એમાં તમારા વાળ કોઈ પણ પ્રકારનાં કેમિકલ્સથી એક્સપોઝ પણ નથી થવાના. ચાલો જાણીએ પાંચ સ્ટેપમાં શું થઈ શકે છે એ.

  વાળની ગૂંચ નીકળી જાય એ પછી માથું નીચે કરીને વાળને લટકાવો. એ પછી પાછળથી એટલે કે ગરદનના ભાગથી આગળની તરફ કાંસકો ફેરવવો. આ રીતે આખા માથામાં કાંસકો ફેરવવાથી બ્લડ-સર્ક્યુલેશન સુધરશે. એનાથી વાળનો જથ્થો પણ ટેમ્પરરી ધોરણે વધેલો જણાશે. રોજ દિવસમાં એક વાર આમ કરવું.

  હવે પલંગ પર સીધાં એવી રીતે સૂઈ જાઓ જેથી માથું પલંગની બહારની તરફ ઢળતું રહે. માથું પાછળની તરફ ઢળશે. પાંચેક મિનિટ આ રીતે સૂઈ રહેવાથી માથા તરફ લોહીનું ભ્રમણ વધશે. મગજને અને વાળના તાળવાને લોહી પહોંચે છે. વાળનાં છિદ્રોને વધુ લોહી મળતાં લોહી થકી પોષક તત્ત્વો પણ પૂરાં પડે છે.

  વાળની હેલ્થ સારી રહે એ માટે હાથમાં પ્રાણમુદ્રા ધારણ કરીને જમીન પર બેસી જવું. પૃથ્વીના સંસર્ગમાં રહીને પ્રાણમુદ્રામાં ઊંડા શ્વાસ લેવા અને છોડવા.

 વાળને ખોલીને માથામાં હાથ ફેરવીને તાળવામાં હળવો મસાજ કરો અને પછી દરેક જગ્યાના વાળને મુઠ્ઠીમાં લઈને થોડા ખેંચો.

 વાળ ખેંચાવાને કારણે ઊભી થયેલી તાણને શાંત કરવા માટે માથામાં ચારે તરફ હથેળીથી હળવી થપકીઓ આપવી.

fashion news fashion life and style karishma tanna columnists gujarati mid-day mumbai beauty tips