✕

તમે જેકંઈ પણ બોલશો પ્રભુ તો તથાસ્તુ જ કહેશે

05 November, 2026 06:15 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે શબ્દોનું ભલે મહત્ત્વ ઓછું ભલે થયું, પણ એની અસર તો થવાની જ છે એ હકીકત છે ત્યારે હકારાત્મક અભિગમ જ નહીં, આપણા શબ્દોને પણ હકારાત્મક બદલાવ આપવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

આજે વાક્‍‍બારસ છે. વાક્ એટલે વાણી. કહેવાય છે કે આપણા જીભ પર સરસ્વતી વસે છે એટલે જે શબ્દો આપણા મોંમાંથી નીકળે છે એ ખૂબ જ પાવરફુલ હોય છે. એમ જ વાત-વાતમાં બોલી દેવાતા શબ્દો લાગે એટલા નિરર્થક નથી હોતા. એની પણ શરીર અને મન પર અસર થતી હોય છે. પહેલાંના સમયમાં ઋષિમુનિઓ બોલીને શ્રાપ આપતા અને બોલીને જ વરસાન આપતાં. આજે શબ્દોનું ભલે મહત્ત્વ ઓછું ભલે થયું, પણ એની અસર તો થવાની જ છે એ હકીકત છે ત્યારે હકારાત્મક અભિગમ જ નહીં, આપણા શબ્દોને પણ હકારાત્મક બદલાવ આપવો જરૂરી છે

‘આજનો દિવસ જ ખરાબ છે, સવારથી મારું એક પણ કામ થયું નથી.’

‘મારી સાથે જ બધું ખરાબ થયા કરે છે. સાવ બૂંદિયાળ નસીબ છે મારું.’

‘અરે યાર! ખાંસી શરૂ થઈ ગઈ મને. જોજે તાવ આવશે જ, મને ખબર છે. મારું થોડામાં પતવાનું નથી.’

‘બધાને આમંત્રણ અપાયું, મને જ કેવી રીતે ભૂલી ગયા? સાચું કહું તો મારી પરવા જ નથી કોઈને.’

આ સામાન્ય રીતે બોલાતાં વાક્યો છે, આપણા મોઢામાંથી સરી જ પડતાં હોય; પરંતુ ધ્યાન આપીશું તો સમજાશે કે આ વાક્યોમાં ભરપૂર નકારાત્મક વલણ જોઈ શકાય છે જે પણા જીવન પર અસર કરે છે. મોટા ભાગે આ વાક્યો આપણે બોલવા ખાતર જ બોલતા હોઈએ છીએ. એવું જરૂરી નથી કે આપણા મનમાં એવું હોય એમ આપણને લાગે, પરંતુ ખરેખર એની પાછળનું સાયન્સ શું છે એ આજે વાક્બારસના દિવસે સમજીએ, પરંતુ આજના દિવસે જ કેમ?

દિવાળીના પાંચ દિવસીય પર્વની શરૂઆત આસો વદ બારસથી થાય છે, જેને આપણે ‘વાઘબારસ’ કહેતા હોઈએ છીએ, પરંતુ હકીકતે આ દિવસને ‘વાઘ’બારસ નહીં, વાક્બારસ કહેવાય છે. અહીં ‘વાક્’ શબ્દનો સંબંધ ‘વાણી’ સાથે છે. સંસ્કૃતમાં ‘વાક્’ એટલે કે વાણી કે બોલી. દિવાળીના પર્વની શરૂઆતે વ્યક્તિ પોતાની વાણી પર સંયમ રાખે, મીઠી અને સકારાત્મક વાતો કરે તથા વાણીની દેવી માતા સરસ્વતીની આરાધના કરીને પોતાના શબ્દો દ્વારા સંબંધોમાં મધુરતા લાવવાનો સંકલ્પ કરે. આ ભાવ પાછળ રહેલો હોવાથી એને મૂળ રૂપમાં વાક્‍બારસ કહેવામાં આવે છે, જે સમય જતાં લોકમુખે અપભ્રંશ થઈને ‘વાઘબારસ’ તરીકે પ્રચલિત થઈ ગયો છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં કહેવાયું છે કે શબ્દ એ જ બ્રહ્મ છે. જે બોલાય છે એ બ્રહ્માંડમાં ગુંજ્યા કરે છે. ઋષિમુનિઓ અને સંતોના શબ્દો પછી એ શ્રાપ હોય કે આશીર્વાદ એટલા માટે જ પ્રભાવશાળી ગણાતા, કારણ કે તેમની વાણી પવિત્ર અને સિદ્ધ થયેલી હતી. આપણા મુખમાંથી નીકળેલું પ્રત્યેક વચન એક પ્રકારની ઊર્જા છે. મહાકવિ ભર્તૃહરિએ શતકત્રયીમાં કહ્યું છે કે માણસના બધા જ અલંકારો એટલે કે ઘરેણાં સમય જતાં નાશ પામે છે, પરંતુ વાણીરૂપી અલંકાર જ હંમેશાં ટકી રહે છે.

શબ્દ અને આંતરિક ઊર્જા

શબ્દ જોડે પણ છે અને તોડે પણ છે. મીઠી અને સાચી વાણી તૂટેલા સંબંધોને જોડી શકે છે, જ્યારે કડવા કે અપમાનજનક શબ્દો વર્ષો જૂના સંબંધોને ક્ષણવારમાં તોડી નાખે છે. વળી યોગ્ય સમયે બોલાયેલા આશ્વાસન કે પ્રશંસાના શબ્દો સામેવાળી વ્યક્તિમાં નવો ઉત્સાહ ભરી દે છે, પરંતુ એનું મહત્ત્વ એક રીતે ઘણું ઊંડું પણ છે જે સમજાવતાં લાઇફ કોચ વૈશાલી શાહ કહે છે, ‘શબ્દોનો આંતરિક ઊર્જા અને મનની સ્થિતિ સાથે સીધો સંબંધ છે. શબ્દો બીજું કંઈ નહીં પણ વિચારોનું પ્રતિબિંબ છે. આપણે જેવા શબ્દો બોલીએ છીએ એવી જ આપણી માનસિક ઊર્જા બને છે. સકારાત્મક અને સારા શબ્દો મનમાં શાંતિ અને પ્રસન્નતા લાવે છે, જ્યારે નકારાત્મક શબ્દોથી સ્ટ્રેસ અને ક્રોધ વધે છે. આપણા પોતાના શબ્દો આપણને અંદરથી મજબૂત બનાવે છે. સશક્ત શબ્દો આત્મવિશ્વાસ વધારે છે.’

નકારાત્મક અસર

આપણા દૈનિક જીવનમાં સહજભાવે બોલાતાં આ પ્રકારનાં વાક્યો માત્ર શબ્દો નથી, આપણી મનોસ્થિતિ અને વિચારોનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે ‘આજનો દિવસ જ ખરાબ છે’ કે ‘મારાં જ નસીબ ખરાબ છે’ જેવાં નકારાત્મક વાક્યો બોલીએ છીએ ત્યારે આપણે અજાણતાં જ આપણા મગજને નિરાશા તરફ ધકેલી રહ્યા હોઈએ છીએ. આ બાબતે વૈશાલી શાહ કહે છે, ‘મનોવિજ્ઞાન કહે છે કે આપણે જેવું વિચારીએ અને બોલીએ છીએ, આપણું સબકૉન્શિયસ માઇન્ડ એને સત્ય માની લે છે અને એવી જ પરિસ્થિતિઓને આકર્ષિત કરવા લાગે છે. આ પ્રકારનું નકારાત્મક વલણ આપણા આત્મવિશ્વાસને ક્ષીણ કરે છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની આપણી માનસિક શક્તિને તોડી નાખે છે.’

સંબંધો પર પણ અસર

જ્યારે કોઈ વ્યક્તિ નાની તકલીફ પડે એટલે તરત જ મોટા નુકસાનની કે ગંભીર બીમારીની કલ્પના કરી લે છે ત્યારે તેનું શરીર તનાવનાં હૉર્મોન્સ ઉત્પન્ન કરે છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. પરિણામે સામાન્ય ખાંસી-શરદી જેવી નાની બાબત પણ ખરેખર મોટા તાવ કે માંદગીમાં પરિણમી શકે છે એમ સમજાવતાં વૈશાલી શાહ કહે છે, ‘આ નેગેટિવ સેલ્ફ-ટૉક એટલે કે નકારાત્મક સ્વ-વાર્તા માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, સામાજિક સંબંધો પર પણ વિપરીત અસર કરે છે. જ્યારે આપણે એવું માની લઈએ છીએ કે ‘કોઈ મારી પરવા કરતું નથી’ કે ‘બધા મને ભૂલી ગયા છે’ ત્યારે આપણે લોકોથી અંતર રાખવા લાગીએ છીએ અને નજીકના સંબંધોમાં પણ શંકા કે ગેરસમજ ઊભી કરીએ છીએ જે વાસ્તવમાં સંબંધોમાં અંતર વધારી દે છે.’

શું કરવું?

આ નકારાત્મક વલણ વ્યક્તિને હંમેશાં પીડિત માનસિકતા તરફ ધકેલે છે, જ્યાં તે પોતાની પરિસ્થિતિ સુધારવા માટે સક્રિય પગલાં લેવાને બદલે માત્ર નસીબ પર કે અન્ય લોકો પર દોષનો ટોપલો ઢોળ્યા કરે છે. આનાથી જીવનમાં પ્રગતિ અટકી જાય છે અને વ્યક્તિ સતત એક અસંતોષ તથા હતાશાના વાતાવરણમાં જીવે છે. આ માટે શું કરવું એ સમજાવતાં વૈશાલી શાહ કહે છે, ‘આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સભાનપણે નકારાત્મક વિચારોને અટકાવીને હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો અનિવાર્ય છે. જો આપણે બોલતી વખતે શબ્દોની પસંદગી બદલીએ અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક પાસું શોધવાની ટેવ પાડીએ તો ન માત્ર આપણો માનસિક તનાવ ઓછો થશે, જીવનમાં ઉત્સાહ અને સફળતાનો સંચાર પણ વધશે.’

વેદમાં ઉલ્લેખ છે ૪ પ્રકારની વાણીનો

ભારતીય દર્શનશાસ્ત્ર, વેદાંત
અને યોગસાધનામાં વાણીના ૪ સ્તર અથવા પ્રકાર ગણાવવામાં આવ્યા છે જે સૂક્ષ્મથી સ્થૂળ તરફ પ્રયાણ કરે છે. વાણી માત્ર બોલાતા શબ્દો જ નથી, ચેતના એટલે કે કૉન્શિયસનેસની અભિવ્યક્તિ છે. વૈશાલી શાહ પાસેથી સમજીએ આ ચારેય પ્રકાર છે શું?

૧. પરા વાણી

પરાનો અર્થ થાય સર્વોચ્ચ કે મૂળ સ્રોત. આ વાણીનું સૌથી સૂક્ષ્મ અને આદિમ સ્તર છે જે નાભિ કે મૂલાધાર ચક્રમાં રહેલી દૈવી ચેતના અથવા કુંડલિની શક્તિ સાથે જોડાયેલું છે. આ સ્તરે કોઈ શબ્દ, વિચાર કે આકાર હોતો નથી; એ માત્ર શુદ્ધ અસ્તિત્વ કે સંવેદના સ્વરૂપે હોય છે. યોગીઓ અને સાધકો માટે આ આત્મચેતના કે ઈશ્વરીય અનુભૂતિનું સ્તર છે જ્યાં વાણી પ્રગટ થવા માટે તૈયાર થઈ રહી હોય છે.

૨. પશ્યંતી વાણી

પશ્યંતીનો અર્થ થાય જે જોઈ શકાય અથવા દૃશ્યમાન છે એ. આ બીજું સ્તર હૃદય સ્થાનમાં રહેલું છે. જ્યારે પરા વાણી સૂક્ષ્મ સ્તરેથી થોડી આગળ વધે છે ત્યારે એ વિચારો અને આંતરિક પિક્ચરનું રૂપ ધારણ કરે છે. આ સ્તરે ભાષા કે વ્યાકરણના શબ્દો નથી હોતા, પરંતુ એક સ્પષ્ટ અર્થ કે ભાવનો અહેસાસ થાય છે. જ્ઞાનીઓ અને દ્રષ્ટા કવિઓ આ સ્તરે કલ્પનાઓ કે પ્રેરણાઓ અનુભવે છે.

૩. મધ્યમા વાણી

મધ્યમા એટલે કે મધ્યમાં રહેલી એટલે કે બુદ્ધિ અને મનના સ્તર પર રહેલી વાણી. આ વાણી બુદ્ધિ અને મન સાથે જોડાયેલી છે જે ગળા (વિશુદ્ધિ ચક્ર) અને હૃદયની વચ્ચે અર્થાત્ મગજ અને બુદ્ધિના સ્તરે કાર્ય કરે છે. જ્યારે વિચાર બુદ્ધિ દ્વારા શબ્દો અને વ્યાકરણના નિયમોમાં ગોઠવાય છે પરંતુ હોઠ સુધી પહોંચીને બહાર બોલાતા નથી ત્યારે એ મધ્યમા અવસ્થામાં હોય છે. આપણે મનમાં જે કંઈ વિચારીએ છીએ અથવા વાર્તાલાપ કરીએ છીએ એ આ મધ્યમા વાણી છે.

૪. વૈખરી વાણી

 ‘વૈખરી’ એટલે કે જે સ્પષ્ટ રીતે પ્રગટ થઈ ચૂકી છે અથવા બોલાય છે અને જેને સાંભળી શકાય છે એ વાણી. આ વાણીનું સૌથી સ્થૂળ અને ભૌતિક સ્વરૂપ છે જે મુખ, જીભ, હોઠ અને અવાજના માધ્યમથી બહાર આવે છે. આપણે જે બોલીએ છીએ અને સામેવાળી વ્યક્તિ જેને સાંભળે છે અને સમજે છે એ વૈખરી વાણી છે. આ વાણી વ્યાકરણ, ભાષા અને ધ્વનિના આધારે સંપૂર્ણપણે અભિવ્યક્ત થાય છે.

આમ સમજવા જઈએ તો મનમાં ભાવ જાગવો, એ પછી મનમાં વિચાર કે ચિત્ર બનવું, એ બન્યા પછી મનમાં શબ્દો ગોઠવાવા અને ચોથું છે મોઢાથી વાક્ય બોલાઈ જવું - આખી પ્રક્રિયા આ ૪ ચરણોમાં પૂરી થાય છે. આ ૪ વાણીનાં ચરણ છે. વાક્‍બારસના દિવસે વાણીનાં આ ચારેય ચરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બૉક્સ સભાનતા છે પ્રથમ ચાવી

સતત નકારાત્મક બોલવાની અને વિચારવાની આદત એક માનસિક ટેવ બની ગઈ હોય છે જેને સભાન પ્રયત્નો દ્વારા જ બદલી શકાય છે. આ આદતને દૂર કરવા અને જીવનમાં સકારાત્મકતા લાવવા માટે આ ઉપાય અપનાવો.

૧. થોભો અને તપાસો

નકારાત્મક બોલવાની આદત સુધારવા માટેનું સૌથી પહેલું પગલું એ છે કે તમારા બોલાયેલા શબ્દો પ્રત્યે સભાન થવું. જ્યારે પણ તમારા મોઢામાંથી કોઈ નિરાશાજનક કે નકારાત્મક વાક્ય સરી પડે ત્યારે તરત જ અટકી જાઓ. પોતાની જાતને પૂછો કે શું આ વાત ખરેખર ૧૦૦ ટકા સાચી છે? અથવા આનાથી શું પરિણામ આવશે? જ્યારે તમને તમારી નકારાત્મક બોલવાની પદ્ધતિ પકડાવા લાગશે ત્યારે અડધી લડાઈ તમે ત્યાં જ જીતી જશો.

૨. વાક્યોની રચના અને શબ્દો બદલો

નકારાત્મક શબ્દોને સકારાત્મક અથવા તટસ્થ શબ્દોમાં બદલવાની ટેવ પાડો. જેમ કે આજનો દિવસ બહુ ખરાબ છે એને બદલે આજનો દિવસ થોડો પડકારજનક છે, પણ હું એને સંભાળી લઈશ એમ બોલો. મને તો તાવ આવશે જ એમ બોલવા કરતાં હું થોડો આરામ કરીશ એટલે શરીર ઝડપથી સારું થઈ જશે એમ બોલો. શબ્દો બદલવાથી મગજમાં મોકલવામાં આવતા સંકેતો બદલાય છે, જે ઉત્સાહ વધારવાનું કામ કરે છે.

૩. વિક્ટિમ માઇન્ડસેટ છોડીને જવાબદારી સ્વીકારો

ઘણી વાર આપણે આપણી દરેક સમસ્યા માટે નસીબ કે અન્ય લોકોને દોષ આપતા હોઈએ છીએ. આ માનસિકતામાંથી બહાર આવીને પરિસ્થિતિને સ્વીકારો અને વિચારો કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે હું શું કરી શકું? જ્યારે તમે સમસ્યા પર ધ્યાન આપવાને બદલે એના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે નકારાત્મકતા આપમેળે ઓછી થઈ જાય છે.

૪. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ટેવ પાડો

દરરોજ રાત્રે સૂતી વખતે કે સવારે ઊઠીને એવી ઓછામાં ઓછી ૩ બાબતો યાદ કરો જેના માટે તમે ઈશ્વર કે જીવન પ્રત્યે આભારી હો. જેમ કે સારું સ્વાસ્થ્ય, પરિવારનો સાથ, ખાવા માટે અન્ન કે સુંદર સવાર. જ્યારે તમારું મન નાની-નાની બાબતોમાં પણ સંતોષ અને આભારની ભાવના અનુભવવા લાગે છે ત્યારે નકારાત્મક વિચારો માટે જગ્યા જ નથી રહેતી.

૫. સંગત અને સકારાત્મક વાતાવરણ

આપણે જેવા લોકોની વચ્ચે રહીએ છીએ, આપણી ભાષા અને વિચારો પર એની મોટી અસર પડે છે એટલે હંમેશાં ફરિયાદો કરતા રહેવાથી કે નકારાત્મક વાતો કરતા રહેવાથી દૂર રહો. એને બદલે પ્રેરણાદાયક પુસ્તકો વાંચો, સારા વિચારો સાંભળો અને સકારાત્મક ઊર્જા ધરાવતા લોકો સાથે સમય વિતાવો. આદત બદલવામાં થોડો સમય અને ધીરજ જરૂર લાગે છે, પરંતુ જો તમે નિયમિતપણે સભાન પ્રયાસ કરશો તો તમારી આ નકારાત્મક બોલવાની આદત ધીમે-ધીમે દૂર થઈ જશે અને તમારા જીવનમાં એક નવો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ જોવા મળશે.

culture news festivals diwali lifestyle news life and style columnists Jigisha Jain