મેકઅપની ઉંમરમાં ધર્મ કરી લેવો, ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ શકવાનું નથી

12 September, 2026 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યુષણ આત્માને જાણવાનો-માણવાનો, અનુભવ-અનુભૂતિનો અનુપમ અવસર છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જિંદગીનો કપરો સમય વૉશિંગ મશીન જેવો છે. માણસનેગોળ-ગોળ ઘુમાવે, નિચોવી નાખે, પટકી દે આવી જ દશા છેને! મશીન તો હજી સારું, કપડાંને સ્વચ્છ, ઉજ્જ્વલ, શ્વેત બનાવે એમ સંકલ્પ-વિકલ્પની હારમાળામાંથી બહાર આવશો તો શુદ્ધિ થયા વિના રહેશે નહીં.

મેકઅપની ઉંમરમાં ધર્મ કરી લેવો. ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ શકવાનું નથી.

‘તમન્નાઓને હમ કો બુદબુદા કર દિયા,

વરના આજ હમ ખુદ હી ખુદા હોતે!’

પર્યુષણ આત્માને જાણવાનો-માણવાનો, અનુભવ-અનુભૂતિનો અનુપમ અવસર છે. નરસિંહ મહેતા કહે છે, ‘જ્યાં લગી આત્મતત્ત્વ ચિંધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’ ભક્તહૃદયા મીરાંબાઈ કહે છે, ‘તારા આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહીં તો મીટે રે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે.’

પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો? Come on... હું તમને ઓળખાણ કરાવું આ પાવન પર્વની! પર્યુષણમાં પરિ+ઉષ્ આમ બે શબ્દોનું સુંવાળું સંયોજન છે. પરિ એટલે ચારેબાજુથી... ઉષ્ એટલે રહેવું, વસવું, બેસવું. ચારેબાજુથી આત્મામાં રહેવું. સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામ પર્યુષણ. દુનિયાની ભીડમાં ભલે ખંડ-ખંડ બનીને આપણે જીવીએ... પણ ધર્મજગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય!

Live fully in the present moment. પર્યુષણની પ્રાણભરી ઉપાસના. બજારમાં જીવવું છે તો બુદ્ધિપ્રધાન બનો. ઘરમાં જીવવું છે તો લાગણીપ્રધાન બનો. ધર્મક્ષેત્રમાં જીવવું છે તો નમ્રતાપ્રધાન બનો.

જીવનમાં ઘણી વાર ગ્રંથ પકડવાથી જે નથી મળતું એ કદાચ મનમાં બાંધેલી ગ્રંથિઓ છોડવાથી મળી શકે છે જેમ કે દર્પણ ખોટું બોલવા દેશે નહીં. જ્ઞાન ભયભીત થવા દેશે નહીં. સત્ય કમજોર થવા દેશે નહીં. પ્રેમ ઇર્ષ્યા કરવા દેશે નહીં. વિશ્વાસ દુખી થવા દેશે નહીં.

પર્યુષણને સફળ બનાવવા જીવમાત્રને પ્રેમ કરો. આત્મા માટે જીવો. આપણે બીજા માટે ખૂબ મહેનત કરી, હવે સ્વયંના આત્માને સુધારવા માટે જહેમત ઉઠાવો. એક દિવસના ૨૪ કલાક, ૧૪૪૦ મિનિટ, ૮૬,૪૦૦ સેકન્ડ, ૨૧,૬૦૦ શ્વાસોચ્છ્વાસ છે. દિવસ દરમ્યાન શરીરનો પરિશ્રમ કેટલો? ૪૩૮ ઘનફૂટ હવા ફેફસાંમાં ભરાય છે. હૃદયમાં ૧,૦૬,૫૬૦ ધબકારા થાય છે. લોહી પરિભ્રમણ કરતાં કુલ ૧૬ કરોડ અને ૮૦ લાખ માઇલની મુસાફરી કરે છે. હવે આત્મા માટે જીવવાનું છે.

પર્યુષણ મહાપર્વ એ આત્માની ઉપાસનાનું માધ્યમ છે. અે આત્મશુદ્ધિ અને આત્મજ્ઞાનનો તહેવાર છે.

દેહ અને આત્મા એટલા એકાકાર બની રહ્યા છે કે પ્રાય: કરીને માનવી દેહને જ વધુ ને વધુ મહત્ત્વ આપે છે. દેહનાં ક્ષણિક સુખો માટે રાત-દિવસ મહેનત કરવામાં આવે છે. ઇન્દ્રિયોના વિષયો મનને બહેકાવે અેવા પ્રયત્નો કરવામાં આવે છે. પર્યુષણ એ પૈગામ આપે છે કે દેહ અને આત્મા એક નથી. દેહ જુદો છે, આત્મા જુદો છે. દેહ સાધન છે અને આત્મા સાધ્ય છે.

પર્યુષણને ભોજન નહીં ભજન, ભપકો નહીં ભાવ, વિરાધના નહીં આરાધના, દેહદૃષ્ટિ નહીં આત્મશુદ્ધિ ખપે છે.

આપણે આજ સુધી શરીર, સ્વજન અને સમાજને કેન્દ્રમાં રાખીને જીવ્યા છીએ. શરીરની સુવિધા માટે, સ્વજનોનાં સુખ માટે અને સમાજના સન્માન માટે જીવનની અતિ કીમતી ક્ષણો ગુમાવી દીધી છે. હજી જેટલો સમય બચ્યો છે એ સમયને આત્મભાવમાં જવા અને આત્મભાવને જાણવામાં લગાવીએ. પર્યુષણ પર્વ આત્માનુભૂતિનું પર્વ છે. સંસારની પ્રવૃત્તિ આ દેહ છે ત્યાં સુધી કરવી જ પડશે, પણ એ પ્રવૃત્તિ કરતાં પણ આત્મ-સ્મૃતિ બની રહેવી જોઈએ.

 

- પૂ. ધીરજમુનિ મ.સા.

jain community paryushan culture news life and style lifestyle news columnists