સાળંગપુરના હનુમાનજી સ્વરૂપે ‌‌બિરાજ્યા બાપ્પા

21 September, 2026 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીની ઉમંગ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના આયોજનમાં હનુમાન ચાલીસા વૉકવે અને મન્કી લાઇટ્સ પણ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

સોસાયટીના રહેવાસીઓ બાપ્પાના ચરણમાં.

કાંદિવલી-વેસ્ટમાં આવેલી ઉમંગ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આ વર્ષે ઉમંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીને સાળંગપુર હનુમાનજીના ડ્રેસ-અપમાં બિરાજમાન કર્યા હતા. હાલમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ ધૂમ મચાવી રહી હોવાથી તેમનો આ કન્સેપ્ટ ખાસ્સો પૉપ્યુલર થયો.

સાળંગપુરની યાત્રાથી પ્રેરિત

પાંચ ‌દિવસના આ ઉત્સવની અનોખી થીમ પાછળની વાર્તા શૅર કરતાં મંડળના અધ્યક્ષ પુરવ પંચાલે જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે મંડળની ટીમ સાળંગપુર હનુમાન મંદિરનાં દર્શન કરવા ગઈ હતી. હનુમાનજીના શક્તિશાળી અને દિવ્ય સ્વરૂપને જોઈને એ જ અનુભૂતિ અને ભક્તિને પોતાના બાપ્પાના સ્વરૂપમાં ઉતારવાનો વિચાર જન્મ્યો. સંયોગવશ હાલમાં દેશભરમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે ત્યારે ગણેશોત્સવમાં સાળંગપુરની ભક્તિ અને ગણેશજીની આસ્થાનો આ સમન્વય લોકોને ખૂબ ગમ્યો. અમારી ૩ વિંગની નાની સોસાયટી છે, પણ થીમ જોઈને આજુબાજુની સોસાયટીઓના ગણેશભક્તો પણ બાપ્પાનાં દર્શન કરવા આવી રહ્યા હતા. મંડળ દ્વારા ગણપતિબાપ્પાના મૂળ સ્વરૂપને એ જ રાખીને તેમની વેશભૂષા (ડ્રેસ-અપ) હનુમાનજી જેવી કરવામાં આવી હતી. ૧૪ ફુટ ઊંચી મૂર્તિના હાથમાં હનુમાનજીની ગદા શોભી રહી હતી. બાપ્પાનો આખો લુક ગોલ્ડન રાખવામાં આવ્યો હતો, જેમાં મૂર્તિકાર દ્વારા ફૅબ્રિક પર સુંદર સ્ટોનવર્ક અને જ્વેલરી તૈયાર કરવામાં આવ્યાં હતાં. અનોખી થીમને લીધે બાપ્પાનું રૂપ મનમોહક લાગતું હતું.’

હનુમાન ચાલીસા વૉકવે

માત્ર ૪૫ ફ્લૅટની આ સોસાયટીના ૧૨ સભ્યોની નાની પણ ઉત્સાહી ટીમે આ આખો સેટ-અપ માત્ર ૧૫ દિવસની મહેનતમાં તૈયાર કર્યો હતો. મૂર્તિની પાછળ સાળંગપુર હનુમાનજી મંદિરના હનુમાનજીની પાછળ છે એવું આબેહૂબ બૅકગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં મન્કી દર્શાવવામાં આવ્યા હતા. પંડાલની છત પર નાડાછડીના સીલિંગ-વર્ક સાથે સ્વસ્તિક બાંધવામાં આવ્યા હતા. સૌથી મોટું આકર્ષણ બાપ્પા સુધી પહોંચતો વૉકવે હતો. પ્રવેશદ્વારથી લઈને બાપ્પા સુધી જવાના માર્ગ પર કરવામાં આવેલા ડેકોરેશન વિશે માહિતી આપતાં પુરવભાઈએ જણાવ્યું હતું કે ‘હનુમાન ચાલીસાના શ્લોક અને ચોપાઈઓનું સુંદર પ્રિન્ટિંગ કરાવીને લાઇનસર પોસ્ટરોની જેમ લગાવવામાં આવ્યાં હતાં. ઘણા ભક્તો ચોપાઈ વાંચવા ઊભા રહી જતા હતા. ગોલ્ડન કલરને હાઇલાઇટ કરવા ખાસ મન્કી લાઇટ્સ ગોઠવવામાં આવી હતી. હનુમાનજી આપણી વચ્ચે હાજરાહજૂર હોય એવો માહોલ બનાવવા દરેક જગ્યાએ મન્કીની ગોઠવણી કરી હતી જેને કારણે સાળંગપુરની યાત્રાનો અનુભવ થતો હતો.’

ganpati ganesh chaturthi festivals KANDIVA mumbai culture news religion hinduism gujarati mid day