તપસ્યા એ કોઈ ભૂખમરો નહીં પણ આત્મજાગૃતિનું સર્વોચ્ચ વિજ્ઞાન છે

14 September, 2026 09:42 AM IST  |  Mumbai | Ruchita Shah

તપ એ કોઈ બહારનો દંભ કે ભૂખ્યા રહેવાની સજા નથી, પરંતુ ખોરાકના બંધનમાંથી મુક્ત થઈને અંતરના આનંદને પામવાની કળા છે.

૧૨ પ્રકારના તપ

રસ્તા પર રખડતો ભિખારી પણ ભૂખ્યો રહે છે, પણ તે તપસ્વી કેમ નથી કહેવાતો? જ્યાં પાણી માગે ત્યાં ખીર મળે એવા લોકો પણ મહિનાઓના ઉપવાસ હસતાં-હસતાં કરે છે કયા કારણે? દેખાદેખીથી કોઈ ભૂખ્યું ન રહી શકે તો એવું શું છે જે તેમને તપ કરવા પ્રેરે છે? ભીતર રહેલા પરમાત્માને પ્રગટ કરવાનું સાધન એટલે તપ. જ્યાં લાચારી નહીં, સંકલ્પનું સામ્રાજ્ય છે. આ વિષયને વિગતવાર સમજીએ

જૈનોની તપશ્ચર્યા આટલી આકરી કેમ? શું માત્ર ભૂખ્યા રહેવાથી જ મોક્ષ કે ઈશ્વર મળે? જ્યારે કોઈ ભૂખથી ટળવળતુ હોય ત્યારે મન તો ભોજનની આસપાસ જ ભટક્યા કરે, એમાં ભજનમાં મન ક્યાંથી લાગવાનું?! ખાઈ-પીને જલસા કરવાના હોય. ભગવાને આપેલા ભોજનનો અનાદર કહેવાય જો આપણે ભૂખ્યા રહીએ તો. ભૂખથી આપણને પીડાતા જોઈને કયા ભગવાન ખુશ થવાના...

 સામાન્ય બુદ્ધિ ધરાવતા આધુનિક માનવીના મનમાં આવા કંઈકેટલાય
તર્ક-વિતર્કો આવતા રહે છે. ભૂખ્યા રહેવાથી ભગવાન મળે એ તર્ક તપમાં છુપાયેલો છે કે તપ એટલે કે ઉપવાસ વગેરે કરવાનો હેતુ કંઈક અલગ છે? ખરેખર તપની જરૂરિયાત શું કામ ઊભી થઈ? માત્ર જૈન પરંપરામાં જ નહીં પરંતુ સનાતન પરંપરાથી લઈને ઇસ્લામ અને ઈસાઈ ધર્મમાં પણ જુદી-જુદી રીતે આહારના ત્યાગ સાથે તપની મહત્તા ગવાઈ છે. એવું તે શું છે? આજે સાતમા દિવસ સાથે પર્યુષણ એના અંતિમ ચરણમાં છે અને જૈન પરંપરામાં માનનારા ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ, આયંબિલ (જેમાં ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, ગોળ, સાકર, લીલાં શાકભાજી, ફળના ત્યાગ સાથે માત્ર અનાજરૂપી આહાર એક ટંક લેવાનો), અઠ્ઠાઈ, માસક્ષમણ (૮ દિવસના, ૩૦ દિવસના નકોરડા ઉપવાસ) જેવા આકરા તપની પૂર્ણાહુતિની નજીક પહોંચી ગયા હશે ત્યારે શરીરને ભોજનથી વંચિત રાખવાની આ આખી પ્રોસેસમાં તેમણે શું મેળવ્યું આ ગહન વિષયને સમજવા સ્વયં ત્યાગ અને તપમાં શિરોમણિ અને પોતાના જીવનને જ તપોભૂમિ બનાવનારા આજીવન આયંબિલના તપસ્વી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબના અનુભવો, જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાનની એરણ પર આ વિષયનું વિશ્લેષણ કરીએ.

તપ શું છે?

જૈનદર્શન અનુસાર તપ એ માત્ર ભૂખ્યા રહેવાની પ્રક્રિયા નથી, પરંતુ આત્મા પર લાગેલાં પૂર્વસંચિત કર્મોની નિર્જરા એટલે કે ક્ષય કરીને મોક્ષ તરફ આગળ વધવાનું એક સર્વોત્કૃષ્ટ સાધન છે. પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ પોતાની સૌમ્ય શૈલીમાં એક સચોટ દૃષ્ટાંત આપતાં કહે છે, ‘જો તમારે દૂધ ગરમ કરવું હોય તો દૂધને સીધું અગ્નિ પર મુકાતું નથી. ગૅસ પર પહેલાં તપેલી મૂકવી પડે છે, જ્યારે તપેલી તપે ત્યારે અંદર રહેલું દૂધ આપોઆપ ઊકળે છે. એ જ રીતે આપણો આત્મા શરીરની અંદર છે. જ્યારે શરીરરૂપી તપેલીને તપના અગ્નિથી તપાવવામાં આવે છે ત્યારે અંતરમાં રહેલા આત્મા સાથે જોડાયેલાં કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. શાન્તસુધારસ નામના મહાકાવ્યમાં ઉપાધ્યાય વિનયવિજય મહારાજ એક શ્ળોકમાં તપને નમસ્કાર કરતાં જણાવે છે કે અતિ મહાન પર્વતને કાપવા માટે જેમ વજ્ર સમર્થ હોય છે એમ તપ એ કર્મબંધનને તોડવાનું અપૂર્વ અને એકમાત્ર સાધન છે. તેથી કહેવાય છે કે ‘કર્મણાં તાપનાત્ તપઃ’ એટલે કે કર્મોને જે તપાવે, નષ્ટ કરે એ તપ. જે રીતે અગ્નિ સોનાના વાસ્તવિક નિર્મળ સ્વરૂપને પ્રકટ કરે છે એ જ રીતે તપ પણ આત્મા પર જામેલા કર્મોના મેલને દૂર કરીને એના શુદ્ધ સ્વરૂપને બહાર કાઢે છે. વાદળાંનો કાફલો ગમે એટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ આંધીરૂપે આવતા પવનના પ્રહારથી વેરવિખેર થઈને છૂટો પડી જાય છે એ જ રીતે તપશ્ચર્યાના અપ્રતિમ તેજના પ્રભાવથી પાપોની હારમાળાઓ પણ બળીને રાખ થઈ જાય છે. શ્રી નવપદની પૂજામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે તપ સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે એટલા માટે ત્રણે કાળ સવાર, બપોર અને સાંજ તપપદને નમસ્કાર કરો. મહાકવિ પૂ. ઉદયરત્ન મહારાજના કાવ્યની પંક્તિમાં પણ મળે છે કે અનાદિકાળનાં સંચિત કર્મોનું નિકંદન કાઢવા અર્થાત્ એનો નાશ કરવા, મુક્તિપદની પ્રાપ્તિ કરવા, પૂર્વે થઈ ગયેલાં હિંસાદિ પાપોથી છૂટવા માટે તપ સમાન કોઈ અમોઘ સાધન નથી. માટે હે ભવિકજન! મનની શુદ્ધિપૂર્વક તપ કરજો. એ રીતે જૈન શાસ્ત્રોમાં ઠેર-ઠેર તપનો મહિમા છે.’

અયોગ્ય આહાર છે સર્વ દૂષણોનું મૂળ

માનવશરીરમાં જીભ એકમાત્ર એવી ઇન્દ્રિય છે જે તમામ દૂષણોને જીવનમાં આવવાનો માર્ગ કરી આપે છે. વ્યક્તિ કેવો આહાર લે છે એના પરથી તેનું ચિંતન અને જીવનશૈલી ઘડાય છે. પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ ઉમેરે છે, ‘તળેલો, ભારે અને વાસી એવો તામસિક આહાર પ્રમાદ, આળસ અને વિકૃતિઓ વધારે છે. રાજસિક આહાર ગણાતા ઉત્તેજક અને તીખા-તમતમતા ખોરાકથી અતિ-ચંચળતા, ક્રોધ અને વાસના ઉત્તેજિત થાય છે. ઉત્તેજક મસાલા વિનાનો સાદો સાત્ત્વિક આહાર મનને સ્થિર કરીને સાધનામાં લીન થવાની યોગ્યતા આપે છે. આયંબિલનો આહાર એ પરમ સાત્ત્વિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જ્યારે જીભનો સ્વાદ શાંત થાય છે ત્યારે બાકીની ચારેય ઇન્દ્રિયોના વિષયો આપોઆપ મંદ પડી જાય છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તપ તમારા મનોબળને મક્કમ કરવામાં અદ્ભુત મદદ કરે છે. જે પોતાની ભૂખને જીતી શકે અને આહાર પર નિયંત્રણ લાવી શકે તે કંઈ પણ કરી શકે. તપ એ રીતે પણ ખાસ છે. જેમ ભૂખ્યો તો રસ્તે ભટકતો ભિખારી પણ રહે છે, પણ તે તપસ્વી નથી બનતો કારણ કે એમાં સંકલ્પ નહીં પણ લાચારી છે. જેની પાસે અઢળક સંપત્તિ છે, ઘરમાં ૫૦ નોકરો છે અને દૂધ માગે તો ખીર મળે એમ છે છતાં તે જો સ્વેચ્છાએ લૂખો-સૂકો આહાર લે કે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કરે ત્યારે તેની અંદર રહેલા પ્રશસ્ત સંકલ્પબળનું પરિણામ છે.’

કોણે કહ્યું કે જૈનોનું તપ આકરું છે?

જૈન ધર્મમાં તપ એટલે માત્ર ભૂખ્યા રહેવું કે શરીરને કષ્ટ આપવું નહીં, પણ દરેક વ્યક્તિ પોતાની તાકાત મુજબ કરી શકે એટલા પર્યાયો તપમાં અપાયા છે. પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ કહે છે, ‘કોઈથી આખો દિવસ ભૂખ્યા ન રહેવાય તો તે સૂર્યોદય બાદ થોડો સમય અન્નજળ ન લે (નવકારશી/પોરસી), દિવસમાં બે વાર કે એક વાર જમે (બિયાસણું/એકાસણું), ઘી-તેલ વગરનું સાદું ભોજન લે (આયંબિલ) કે પછી જળ સાથે અથવા નિર્જળા ઉપવાસ કરે જેવા અઢળક ઑપ્શન છે. શાસ્ત્રોમાં તપના ૧૨ પ્રકાર બતાવ્યા છે. બાહ્યતપમાં અનશન એટલે ઉપવાસ દ્વારા આહારનો ત્યાગ કરવો, ઊણોદરી એટલે કે પેટ ભરીને ખાવાને બદલે ભૂખ કરતાં ઓછું ખાવું; વૃત્તિસંક્ષેપ એટલે કે ભોજનમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત કરવી; રસત્યાગ એટલે કે ઘી, તેલ, દૂધ કે ગળ્યા જેવા સ્વાદિષ્ટ રસો છોડવા; કાયક્લેશ એટલે કે શરીરનો મોહ છોડીને મુશ્કેલ સ્થિતિમાં સમભાવ રાખવો અને સંલીનતા એટલે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી વાળીને એકાંત સાધવું. જ્યારે મન અને આત્માની શુદ્ધિ માટે ૬ આભ્યંતર તપમાં સમાવેશ થાય છે પ્રાયશ્ચિત્તનો એટલે કે પોતાની ભૂલોનો ખુલ્લા દિલે સ્વીકાર કરી શુદ્ધિ કરવી; વિનય એટલે ગુરુ અને વડીલો પ્રત્યે નમ્રતા રાખવી; વૈયાવચ્ચ એટલે સાધુ-ભગવંતો, રોગી અને અસહાયોની નિઃસ્વાર્થ સેવા કરવી; સ્વાધ્યાય એટલે સારાં શાસ્ત્રોનું વાંચન અને ચિંતન કરવું; ધ્યાન એટલે ચિત્તને આત્મસ્વરૂપમાં સ્થિર કરવું અને વ્યુત્સર્ગ એટલે શરીર અને સાંસારિક વસ્તુઓ પ્રત્યેનો અહંકાર-મમત્વ છોડવું. ટૂંકમાં, જેનાથી શારીરિક ઉપવાસ ન થઈ શકે તે સેવા, વિનય કે સ્વાધ્યાય જેવા આંતરિક તપ દ્વારા પણ આત્મશુદ્ધિનું પૂરેપૂરું ફળ મેળવી શકે છે.’

તપ એ કોઈ બહારનો દંભ કે ભૂખ્યા રહેવાની સજા નથી, પરંતુ ખોરાકના બંધનમાંથી મુક્ત થઈને અંતરના આનંદને પામવાની કળા છે. જો દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય મુજબ જીભના સ્વાદ પર અંકુશ મૂકીને સાત્ત્વિક આહાર અપનાવે અને જીવનમાં નાના નિયમો બાંધે તો તે કર્મથી મુક્ત, તનથી નીરોગી અને મનથી મજબૂત બની શકે છે.

મેડિકલ સાયન્સ આજે પ્રાચીન ઋષિમુનિઓ અને  તીર્થંકરોની તપ-પરંપરા પર પુષ્ટિ આપી રહ્યું છે
૨૦૧૬માં જપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને નોબેલ ‘ઓટોફેજી’ના કન્સેપ્ટ માટે પુરસ્કાર મળ્યો હતો. તેમના સંશોધને સાબિત કર્યું કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરના કોષો અંદર જામેલા કચરા, મૃત કોષો અને કૅન્સર પેદા કરતાં તત્ત્વોને જાતે જ ખાઈને સાફ કરી નાખે છે.
પાચનક્રિયા થંભી જતાં શરીર પોતાની આંતરિક ઊર્જાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અવયવોના સમારકામમાં કરે છે.
બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફૅક્ટર એટલે કે માનસિક સ્પષ્ટતા વધે છે. ઉપવાસ દરમ્યાન મગજમાં BDNF પ્રોટીનનું પ્રમાણ વધે છે જે યાદશક્તિ, એકાગ્રતા અને જ્ઞાનાત્મક ક્ષમતાને તીવ્ર બનાવે છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં હેલ્થની દૃષ્ટિએ લંઘન એટલે કે ઉપવાસનો મહિમા ગવાયો છે.

તપ માટેના આવા સંકલ્પબળ વિશે નહીં સાંભળ્યું હોય તમે
જેમની પ્લેટમાં ક્યારેય ફરસાણ, મીઠાઈઓ કે દૂધ-ઘી આ જીવનમાં નથી આવવાનાં એવા પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબે આયંબિલ તથા ઉપવાસ મળીને કુલ ૧૩,૭૧૯ દિવસની અદ્ભુત તપસાધના કરી છે. છેલ્લાં ૩૦ વર્ષથી લાગલગાટ આયંબિલ કરતા આ ભેખધારી મહાત્મા દૈનિક આહારમાં લગભગ રોટલી અને પૌંઆ જેવાં બે જ દ્રવ્યો વાપરવા છતાં છેલ્લાં ૩૮ વર્ષમાં ક્યારેય બીમાર નથી પડ્યા અને તેમના બધા રિપોર્ટ નૉર્મલ જોઈને ડૉક્ટરો પણ અચંબિત હોય છે. ૩૬૦૦થી વધુ વખત પવિત્ર ગિરનાર તીર્થની યાત્રા કરી ચૂકેલા અને ૨૦-૨૫ કિલોમીટર આવા આયંબિલ સાથે વિહાર કરી શકનારા આ આચાર્ય મહારાજ નિષ્ઠા સાથે માને છે કે તેમને વિટામિન K એટલે કે દેવ-ગુરુકૃપાનો પ્રભાવ છે. આજે ૧૦,૬૫૩મું આયંબિલ ધરાવતા પૂજ્ય આચાર્યશ્રી હેમવલ્લભસૂરિ મહારાજ કહે છે, ‘મારા માટે તો ભવઉદ્ધારક પૂજ્ય ગુરુમા શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની કૃપાથી મને પૂજ્ય હિમાંશુસૂરિજી મહારાજ સાથે ૧૩ વર્ષ રહેવાનો અવસર મળ્યો છે. તપ, ત્યાગ અને સંયમના પાઠ મને તેમની પાસેથી શીખવા મળ્યા એનું વર્ણન કરી શકું એમ નથી. ૯૬ વર્ષની ઉંમરે સમતા સાથે કાળધર્મ પામેલા પૂજ્ય હિમાંશુદાદાએ પોતાના જીવનમાં કુલ ૧૧,૫૦૦થી અધિક આયંબિલ અને કુલ ૩૦૬૫ જેટલા ઉપવાસ કર્યાં હતાં. તમે કલ્પી ન શકો એ રીતે તેઓ તપને આગળ વધારતા. તેમને ક્યારેય ભોજનનો કોઈ મોહ જ નહીં. તેમના જીવનનો એક પ્રસંગ છે જેમાં તેઓ એક વાર ગિરનારની ૯૯ યાત્રા કરી રહ્યા હતા અને ૫૯ યાત્રા થઈ ત્યારે તેમને ભાવ જાગ્યા કે શ્રીનેમિનાથ પ્રભુના સાંનિધ્યમાં ૧૬ ઉપવાસ કરવા. તેમણે પચ્ચક્ખાણ કર્યા. ૧૦ દિવસમાં જ ઉપવાસ સાથે ૯૯માંથી બાકી રહેલી ૪૦ યાત્રા થઈ ગઈ. અગિયારમા ઉપવાસે ગિરનારથી વિહારનો પ્રારંભ કરીને તેઓ પાલિતાણા પહોંચ્યા. ૧૬ ઉપવાસને કન્ટિન્યુ કરીને ૩૦ ઉપવાસ એટલે કે માસક્ષમણ કર્યું અને ૩૧મા દિવસે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી. અંતે કરગરતા હૈયા સાથે અશ્રુભીની આંખે આદેશ્વરદાદાને ‘આજે પાછા આહાર કરવાની ભૂતાવળમાં પડવાનું?’ની ફરિયાદ કરતાં ૩૫૦૦ પગથિયાં ઊતરીને સાંજે ૪ વાગ્યે નીચે આવ્યા અને માસક્ષમણનું પારણું સાંજે ૪ વાગે આયંબિલથી કર્યું. જ્યારે ત્યાગ અને તપના આવા રોલમૉડલ હોય ત્યારે પોતાનું તપ ખૂબ નાનું લાગતું હોય છે. એ તપનો પ્રભાવ તેમના જીવનમાં મેં નજરોનજર જોયો છે.’

 

culture news life and style lifestyle news jain community paryushan exclusive ruchita shah