✕

દિવાળી એક, પણ દેશમાં ઉજવણીના રંગો અનેક

08 November, 2026 11:20 AM IST  |  Mumbai | Aashutosh Desai

ગુજરાતમાં ઇંગોરિયાનું યુદ્ધ ખેલાય તો હિમાચલ પ્રદેશમાં પથ્થરમારો થાય, મધ્ય પ્રદેશમાં ગાયોના પગ તળેથી પસાર થવાની વિધિ તો ઓડિશામાં પૂર્વજોને મશાલો દ્વારા આમંત્રણ આપવાની પરંપરા. આજે જાણીએ ભારતના ખૂણેખૂણે આગવી રીતે ઊજવાતી દિપાવલીની પ્રથાઓ વિશે

ઉત્તર પ્રદેશમાં દીપોત્સવ

આપણો દેશ અને સંસ્કૃતિ એટલાં વૈવિધ્યસભર છે કે દિવાળીની ઉજવણીમાં કેટલીક અનોખી અને આશ્ચર્યજનક પરંપરાઓ છે જે પહેલી વાર સાંભળનારને કદાચ વિશ્વાસ પણ નહીં થાય. ગુજરાતમાં ઇંગોરિયાનું યુદ્ધ ખેલાય તો હિમાચલ પ્રદેશમાં પથ્થરમારો થાય, મધ્ય પ્રદેશમાં ગાયોના પગ તળેથી પસાર થવાની વિધિ તો ઓડિશામાં પૂર્વજોને મશાલો દ્વારા આમંત્રણ આપવાની પરંપરા. આજે જાણીએ ભારતના ખૂણેખૂણે આગવી રીતે ઊજવાતી દિપાવલીની પ્રથાઓ વિશે


દિવાળી એટલે દીવાઓનું ઝળહળવું, ઘરોનું સજવું, રંગોનું રંગોળીમાં પથરાવવું, ફટાકડાનું ધમધમવું, મીઠાઈઓનું ચમચમવું અને પરિવારજનોનું ભેગા મળવું. લક્ષ્મીપૂજનથી લઈને ચોપડાપૂજન સુધીના અનેક આધ્યાત્મિક સાયુજ્ય સાથે આનંદની ક્ષણોમાં નવા વર્ષનું અભિવાદન એટલે સનાતનીઓ માટે દિવાળીનો ઉત્સવ. સામાન્ય રીતે દિવાળીનું નામ સાંભળતાં જ આપણા મનમાં આ બધા સાથેની એક સુખરૂપ સુંદર છબી ઊપસી આવે. પરંતુ ભારત જેવા વિશાળ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વૈવિધ્યસભર દેશમાં દિવાળી માત્ર આ જ એકસરખી રીતે ઊજવાતો તહેવાર નથી. આ એક જ પર્વ સાથે આપણી સંસ્કૃતિમાં અને સમાજોમાં અનેક પૌરાણિક કથાઓ, માન્યતાઓ, પરંપરાઓ, લોકવિશ્વાસ અને સદીઓ જૂની સામુદાયિક વિધિઓ પણ જોડાયેલી છે. ક્યાંક ભગવાન શ્રી રામના અયોધ્યા-આગમનની ખુશીમાં લાખો દીવડા પ્રગટે તો ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થયેલા નરકાસુરવધની યાદમાં વિશાળ રાક્ષસનાં પૂતળાં બાળવામાં આવે, ક્યાંક મહાકાલીની આરાધના થાય તો ક્યાંક નવા હિસાબી ચોપડા પૂજાય.

ઉત્તર પ્રદેશમાં દીપોત્સવ


ઉત્તર પ્રદેશમાં રામચંદ્રજીના આગમનનો આનંદ તો દક્ષિણ ભારતમાં નરકાસુરના વધનું સ્મરણ. પશ્ચિમ બંગાળમાં માતા કાળીની આરાધના તો ગુજરાતમાં ચોપડાપૂજન અને ઇંગોરિયાનું યુદ્ધ. પંજાબ ઊજવે બંદી છોડ દિવસ છે તો ઓડિશામાં પૂર્વજોને યાદ કરવાની પરંપરા. ઉત્તરાખંડમાં અગિયાર દિવસ પછી ઇગાસ બગ્વાલ ઊજવાય તો હિમાચલમાં પથ્થર મારવાનો પણ મેળો જામે. ક્યાંક દીવડાં પ્રગટાવીને પ્રકાશનું સ્વાગત કરવામાં આવે તો ક્યાંક વિશાળ રાક્ષસી પૂતળાં બાળવામાં આવે. ક્યાંક પરંપરાગત પથ્થરમારો થાય તો ક્યાંક ગાયોના આશીર્વાદ મેળવવા એમના પગ નીચેથી પસાર થવાની વિધિ જોવા મળે છે. આ તમામ પરંપરાઓ પાછળ સ્થાનિક સમાજનો ઇતિહાસ, લોકકથાઓ, ધાર્મિક માન્યતાઓ, કૃષિજીવન અને સામુદાયિક એકતાની છાપ આખાય ભારતમાં આપણને જોવા મળે છે. તો ચાલો, આજે ભારતના વિવિધ રાજ્યોમાં નોખી-અનોખી રીતે ઊજવાતી દિવાળીના સેલિબ્રેશનમાં એક આંટો મારી આવીએ. 

અયોધ્યાની દિવાળી એટલે કહો કે લાખો દીવડાંનો દીપોત્સવ, આખાય ઉત્તર પ્રદેશમાં દિવાળીનું સૌથી વિશિષ્ટ કેન્દ્ર અયોધ્યા છે. કહેવાય છે કે, ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ 
પૂર્ણ કરી સીતાજી અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે નગરજનોએ દીવડાં પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગની યાદમાં 
અયોધ્યામાં ભવ્ય ‘દીપોત્સવ’ યોજાય છે. સરયૂ નદીના ઘાટ પર અસંખ્ય દીવડાં પ્રગટાવવામાં આવે છે. સમગ્ર નગર જાણે પ્રકાશના મહાસાગરમાં પરિવર્તિત થઈ જાય છે.
આ સિવાય મથુરા અને વૃંદાવનમાં 
દિવાળીમાં ગોવર્ધનપૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકીને ગોકુળવાસીઓને વરસાદ અને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા, એની યાદમાં ગોવર્ધનપૂજા કરવામાં આવે છે. જ્યારે વારાણસીમાં દિવાળીના આશરે પંદર દિવસ પછી કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ‘દેવદિવાળી’ તરીકે ગંગાના ઘાટ પર હજારો દીવડાં પ્રગટાવવામાં આવે છે.

ગુજરાતમાં ઇંગોરિયાંનું યુદ્ધ 

ગુજરાતઃ  ગુજરાતમાં દિવાળી એટલે ચોપડાપૂજન, કાળી ચૌદશ, બેસતું વર્ષ, લાભપાંચમ અને ‘નૂતન વર્ષાભિનંદન’ની શુભેચ્છાઓ તો ખરી જ, પરંતુ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની ઉજવણીનું એક સાવ અનોખું સ્વરૂપ જોવા મળે છે. અહીં દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ‘ઇંગોરિયાંનું યુદ્ધ’ ખેલાય છે.
ઇંગોરિયું એ વાસ્તવમાં એક વૃક્ષનું ફળ છે. પરંપરાગત રીતે આ ફળને સૂકવીને એની અંદર જ્વલનશીલ સામગ્રી ભરવામાં આવતી અને એને સળગાવીને બે જૂથો સામ-સામે એકબીજા તરફ ફેંકતાં હતાં. જાણે દિવાળીની રાત્રે પ્રકાશના આ પર્વમાં એક અનોખું યુદ્ધ ખેલાતું હતું. આ પરંપરા સાવરકુંડલાની લોકસંસ્કૃતિ વર્ષોથી સાથે જોડાયેલી પ્રથા છે, જે સ્થાનિક લોકો માટે માત્ર રમત નહીં, પરંતુ સામુદાયિક ઓળખ અને પેઢી દર પેઢી ચાલતી હતી. ધીરે-ધીરે જોકે આગ અને દાઝી જવાના જોખમને કારણે આ પ્રથાને જોખમી ગણાવી નિરુત્સાહી કરાતી ગઈ. છતાં આજે પણ કેટલાક અંશે આ સંસ્કૃતિનો ઉત્સવ જળવાઈ રહ્યો છે ખરો. 
તે જ રીતે પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં પણ દિવાળીની રાત્રે ‘દિવાળીની લડાઈ’ તરીકે ઓળખાતી એક પરંપરા જોવા મળે છે, જેમાં લોકો કોઠી જેવા ફટાકડાનો ઉપયોગ કરી સામસામે અગ્નિના એ ચમકારાની રમત રમતા હોય છે.

ગોવામાં નરકાસુર દહન 

નરકાસુરનું દહન, ગોવામાં દિવાળીની સૌથી આકર્ષક અને જાણીતી પરંપરા છે, નરકાસુરનાં વિશાળ પૂતળાંનું દહન. પૌરાણિક કથા અનુસાર દેવતાઓ અને સામાન્ય લોકોમાં નરકાસુર નામના અસુરનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, આખરે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામાએ તેનો વધ કર્યો. આ વિજયની યાદમાં ગોવામાં દિવાળીની આગલી રાત્રે યુવાનો અને વિવિધ મંડળો દ્વારા નરકાસુરનું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો આ પૂતળાં અનેક માળની ઇમારત જેટલાં વિશાળ હોય છે. યુવાનો વચ્ચે સૌથી આકર્ષક પૂતળું બનાવવાની હરીફાઈ જામે છે અને વહેલી સવારે એનું દહન કરવામાં આવે છે. ગોવાની આ પરંપરા અનિષ્ટ પર સદ્ગુણના વિજયનું પ્રતીક છે.

મધ્ય પ્રદેશમાં ગાય ગોહરી

ગાય ગોહરી તરીકે ભારતમાં જ નહીં, પરંતુ આખાય વિશ્વમાં પ્રસિદ્ધ એવી મધ્ય પ્રદેશની આ પરંપરામાં લોકો ગાયોના પગ નીચેથી પસાર થાય છે. ઝાબુઆ અને એની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ગોવર્ધનપૂજાના દિવસે ‘ગાય ગોહરી’ નામની અત્યંત અનોખી આ પરંપરા ઊજવાય છે, જેમાં લોકો જમીન પર ઊંધા સૂઈ જાય અને શણગારેલી ગાયોને તેમની ઉપરથી પસાર થવા દેવામાં આવે. આ અનોખી પરંપરા પાછળની માન્યતા કંઈક એવી છે કે ગાયના પગ નીચેથી પસાર થવાથી એના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને ભીલ આદિવાસી સમુદાયમાં આ પરંપરા જોવા મળે છે. 

મહારાષ્ટ્રમાં દિવાળી પહાટ 

મહારાષ્ટ્રમાં અનેકો જગ્યાએ દિવાળીની વાસ્તવિક શરૂઆત વાઘબારસથી થતી હોય છે, જેને મહદંશે ‘વસુબારસ’ તરીકે ઉલ્લેખવામાં આવે છે. આ દિવસે મરાઠી ભાઈ-બહેનો ગાય અને વાછરડાની પૂજા કરી તેમના કૃષિજીવનમાં પશુઓના મહત્ત્વને યાદ કરે છે. કાળીચૌદસ એટલે કે નરક ચતુર્દશીના દિવસે મહારાષ્ટ્રિયનોમાં શરીરે સુગંધી તેલ અને ઉબટન લગાવી વહેલી સવારે અભ્યંગ સ્નાન કરવાની પરંપરા છે. ત્યાર બાદ નવાં વસ્ત્રો પહેરી પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
મહારાષ્ટ્રની સૌથી સુંદર લોકપરંપરાઓમાં બાળકો દ્વારા માટીના નાના કિલ્લા બનાવવામાં આવે છે, જેને ‘કિલ્લે’ કહે છે. એમાં શિવાજીના માવળા, ઘોડેસવારો અને સૈનિકોની નાની-નાની મૂર્તિઓ પણ મુકાય છે. આ પાછળનો આશય એ હોય છે કે મરાઠા ઇતિહાસ અને શૌર્યની પરંપરા નવી પેઢી સુધી પહોંચે. અને આ બધા સાથે હોય, કરંજી, ચકલી, ચિવડા, શંકરપાળી, લાડુ અને અનરસા જેવી વાનગીઓ. 
એટલું જ નહીં, મુંબઈ અને પુણેમાં ‘દિવાળી પહાટ’ નામની એક સંગીત પરંપરા પણ લોકપ્રિય છે. વહેલી સવારે શાસ્ત્રીય સંગીત, ભક્તિગીતો અને અભંગના કાર્યક્રમો યોજાય, સંગીતના સૂર સાથે સવારનું સ્વાગત કરવાની આ પરંપરા એક અલગ જ માધુર્ય આપે છે.

પૂર્વ ભારતમાં શ્યામાપૂજા, ભૂત ચતુર્દશી 

ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં દિવાળીની રાત્રે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં આ જ રાત્રે ‘કાલીપૂજા’ અથવા ‘શ્યામાપૂજા’નું વિશેષ મહત્ત્વ છે. અમાસની રાત્રે માતા કાળીની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે, સુંદર પંડાલો તૈયાર થાય અને રાત્રિના સમયે કાળીમાતાની વિશેષ પૂજા કરવામાં આવે. કલકત્તાના કાલીઘાટ અને દક્ષિણેશ્વર મંદિરોમાં આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
દિવાળીની આગળ આવતી કાળીચૌદશને અહીં લોકો ‘ભૂત ચતુર્દશી’ કહે છે. આ દિવસે ૧૪ દીવડાં પ્રગટાવી ૧૪ પ્રકારનાં લીલાં શાકભાજીનો ઉપયોગ કરી ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. સ્થાનિક બંગાળી લોકો કહે છે કે, આ ચૌદ દીવડાંઓ દ્વારા અમે પૂર્વજોને યાદ કરીએ છીએ અને પરિવારને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે એવી પ્રાર્થના કરીએ છીએ.
ઓડિશા ઃ ઓડિશાની દિવાળી સૌથી અનોખી અને ભાવનાત્મક પરંપરાઓવાળી છે. ‘બડા બડુઆ ડાકા’ જેવી વિધિમાં લોકો સૂકા શણ અથવા જ્યૂટના છોડની લાકડીઓના પૂળા સળગાવે છે. એ સળગતી લાકડીઓને ‘કૌંરિયા કાઠી’ કહેવામાં આવે છે. દિવાળીની સાંજે પરિવારના બધા સભ્યો એકઠા થઈ પૂર્વજોને યાદ કરે અને સળગતી કૌંરિયા કાઠીને ઊંચી કરી આકાશ તરફ દર્શાવે. ઉડિયા લોકો માને છે કે, એ અગ્નિ દ્વારા તેઓ પૂર્વજોને પૃથ્વી પર આવવા અને પરિવારને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપે છે. આ માટે તેઓ એક પરંપરાગત પ્રાર્થના પણ બોલે છે, જેનો ભાવાર્થ કંઈક એવો થાય છે કે, ‘હે પૂર્વજો, અંધકારમાં આવો અને પ્રકાશમાં વિદાય લો!’
આસામઃ  અહીં કાળીપૂજા અને દીવડા પ્રગટાવવા સાથે નાળિયેરમાંથી બનતી ‘નારિકોલ લારુ’ જેવી પરંપરાગત મીઠાઈઓ ખાવાનું વિશેષ મહત્ત્વ છે. ઝારખંડમાં દિવાળીના દિવસોમાં આદિવાસી સમુદાયો કૃષિ અને પશુધન સાથે જોડાયેલી પરંપરાઓને અનુસરે છે. ‘સોહરાઈ’ ઉત્સવ તરીકે જાણીતો તેમના એ ઉત્સવમાં પાકની મોસમ અને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સ્થાનિકો સોહરાઈ દરમ્યાન ગાય, બળદ અને અન્ય પશુઓને સ્નાન કરાવી શણગારે છે અને એમની પૂજા કરે છે. સાથે જ ખોવર ભીંતચિત્રકલા પણ જાણીતી છે. મહિલાઓ ઘરની માટીની દીવાલો પર કુદરતી રંગોથી પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓ અને વિવિધ ભૌમિતિક આકૃતિઓ દોરે છે.

દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, તેલંગણમાં ખાસ પરંપરાઓ

તામિલનાડુઃ  દિવાળીના શુભ દિવસો એટલે સૂર્યોદય પહેલાં તેલસ્નાન અને દિવાળી મરુન્થુ. ઉત્તર ભારત કરતાં અલગ ઉજવણી અને અલગ પરંપરાઓ. તામિલનાડુમાં લોકો પોતાના શરીરે તલનું તેલ લગાવી સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે. આ વિધિને તેઓ ‘ગંગાસ્નાનમ’ કહે છે. દિવાળીની ઉજવણી તામિલ લોકો ભગવાન કૃષ્ણના નરકાસુર પરના વિજયની યાદગીરી તરીકે કરે છે. પરિવારના વડીલો બાળકોને આશીર્વાદરૂપે તેલ લગાડે છે, જ્યારે નવાં પરણેલાં દંપતી માટે ‘થલાઈ દિવાળી’ નામની પરંપરા છે. અર્થાત્ લગ્ન પછીની પહેલી દિવાળી કન્યા પોતાના પિયરમાં પરિવારજનો સાથે ઊજવે. આ સાથે એક વિશેષ પરંપરા છે ‘દિવાળી મરુન્થુ’ અથવા ‘લેહિયમ’ની. એક પરંપરાગત ઔષધીય મિશ્રણ તરીકે આદુ, મરી, જીરું, અજમો, એલચી અને અન્ય સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી વસ્તુનું સેવન. તામિલ લોકો કહે છે કે, તહેવાર દરમ્યાન મીઠાઈઓ અને ભારે ભોજન લીધા બાદ પાચનમાં મદદરૂપ થાય એવી વસ્તુનું સેવન કરવું જોઈએ.
કર્ણાટકઃ તામિલનાડુની જેમ જ કર્ણાટકમાં પણ દિવાળીની ઉજવણી ભગવાન કૃષ્ણના નરકાસુર પરના વિજય તરીકે ઊજવાય છે. અને નરક ચતુર્દશીના દિવસે તામિલ લોકોની જેમ જ તેઓ પણ તેલસ્નાન કરે છે. માન્યતા એવી છે કે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યા પછી તેલથી સ્નાન કર્યું હતું, પણ આ સાથે જ બીજી બે પરંપરા પણ કર્ણાટકમાં પ્રચલિત છે. રાજા મહાબલિની સ્મૃતિ સાથે જોડાયેલો ‘બલિ પાડ્યમી’ જેમાં રાજા બલિની ઉદારતા, દાનવીરતા અને ન્યાયપ્રિયતાને યાદ કરવામાં આવે છે, તો બીજી એક પરંપરા છે, ‘ગોરેહબ્બા’ નામની, જેમાં સ્થાનિક લોકો ગાયના છાણ સાથે રમે છે.
તેલંગણ ઃ તેલંગણમાં દિવાળીની સામાન્ય ઉજવણી તો ખરી જ, દીવડાં, લક્ષ્મીપૂજન અને પરિવારજનો સાથે મીઠાઈઓ વહેંચવાની પરંપરા સાથે જ ગોંડ અને રાજગોંડ આદિવાસી સમુદાયોમાં આ પર્વના સમયગાળામાં ‘દંડારી’ અને ‘ગુસ્સાડી’ જેવી લોકનૃત્ય પરંપરાઓ વિશેષ આકર્ષણ ધરાવે છે. ગુસ્સાડી નૃત્યમાં કલાકારો રંગબેરંગી પોશાક, મોરપિચ્છથી શણગારેલા માથાનાં વિશાળ આભૂષણો અને પરંપરાગત વાદ્યો સાથે નૃત્ય કરે છે.

નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પણ એકસરખી ઉજવણી નથી થતી

ઉત્તર-પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં હિન્દુ સમુદાયોમાં દિવાળીનું વિશેષ મહત્ત્વ છે, તો ક્યાંક સ્થાનિક સમુદાયોના પોતાના પરંપરાગત તહેવારોનું પ્રાધાન્ય છે. 
સિક્કિમ ઃ અહીં આ પાંચ દિવસ ‘તિહાર’ એટલે કે પ્રાણીઓ પ્રત્યેની કૃતજ્ઞતાના દિવસો છે. નેપાલી સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલો ‘તિહાર’ ઉત્સવ અહીં ખૂબ જ લોકપ્રિય છે. તિહાર પાંચ દિવસ સુધી ઊજવવામાં આવે છે. દરેક દિવસ એક વિશિષ્ટ પ્રાણી અથવા સંબંધને સમર્પિત હોય છે. પ્રથમ દિવસ ‘કાગ તિહાર’ એટલે કે, કાગડાઓને ભોજન અર્પણ કરવામાં આવે. બીજા દિવસે ‘કુકુર તિહાર’માં કૂતરાઓને ફૂલોની માળા પહેરાવી એમનું સન્માન કરવામાં આવે. ત્રીજો દિવસ ગાયના પૂજનનો દિવસ જ્યારે ચોથો દિવસ ગોવર્ધન એટલે કે બળદની પૂજાની પરંપરા છે. અને પાંચમા દિવસને ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક તરીકે ‘ભાઈ ટીકા’ નામથી ઊજવાય છે. આ પાંચ દિવસનો ઉત્સવ સિક્કિમમાં પ્રાણીઓ, કુદરત અને માનવીય સંબંધો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો સુંદર સાંસ્કૃતિક ઉત્સવ બની રહે છે.
દિવાળીની ઉજવણીનું સૌથી વિશિષ્ટ કેન્દ્ર એટલે ત્રિપુરાનું ઉદયપુર. અહીં આવેલું માતા ત્રિપુરાસુંદરીનું મંદિર એ ૫૧ શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. દિવાળીના પ્રસંગે અહીં વિશાળ મેળો ભરાય છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવા આવે છે અને મંદિર સાથે આસપાસના વિસ્તારોને પણ દીવડાં અને રોશનીથી શણગારવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક વારસો અને અનેક પ્રસ્તુતિઓ આ મેળાનું વિશેષ આકર્ષણ બની રહે છે.
અરુણાચલ પ્રદેશ ઃ આમ તો દિવાળી રાજ્યના તમામ મૂળ નિવાસી સમુદાયો માટે મુખ્ય પરંપરાગત તહેવાર નથી, પરંતુ હિન્દુ પરિવારો અને બહારથી આવી વસેલા લોકો દિવાળી ઊજવે છે. રાજ્યના નિશી, આદી, મોન્પા, અપાતાની અને અન્ય આદિવાસી સમુદાયોના પોતાના આગવા કૃષિ, કુદરત અને ધાર્મિક તહેવારો છે, તેથી અરુણાચલ પ્રદેશની સાંસ્કૃતિક વિવિધતાને માત્ર દિવાળી પૂરતી મર્યાદિત રાખી શકાય એમ નથી. 
મેઘાલય ઃ અહીં ખ્રિસ્તી અને આદિવાસી સમુદાયની વસ્તી મોટી હોવાથી દિવાળી અહીં મુખ્ય તહેવાર નથી, પરંતુ શિલોંગ અને અન્ય શહેરી વિસ્તારોમાં વસતા હિન્દુ પરિવારો દિવાળી ઊજવે છે ખરા. તે જ રીતે મિઝોરમમાં પણ દિવાળી રાજ્યનો મુખ્ય અને પરંપરાગત ઉત્સવ નથી, પણ હિન્દુ પરિવારો અને અન્ય સ્થળોથી આવી વસેલા સમુદાયો દિવાળી ઊજવે છે. આઇઝોલ જેવા શહેરી વિસ્તારોમાં ઘરો અને ધાર્મિક સ્થળોએ દીવડાં પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મીપૂજન, રંગોળી, મીઠાઈઓ અને પરિવાર સાથેની ઉજવણી પણ થાય છે. વાસ્તવમાં અહીં મિઝો સમુદાયના પોતાના પરંપરાગત તહેવારો અને સાંસ્કૃતિક ઓળખ વિશેષ છે. તેથી અહીં દિવાળીનું એટલું મહત્ત્વ નથી જેટલું બીજાં રાજ્યોમાં કે લોકોમાં હોય છે. કંઈક એવું જ નાગાલૅન્ડની બાબતમાં પણ છે. દિવાળી દરેક સ્થાનિક નાગા સમુદાયનો પરંપરાગત તહેવાર નથી, પરંતુ દીમાપુર અને કોહિમા જેવા વિસ્તારોમાં વસતા હિન્દુ પરિવારો દિવાળી ઊજવે છે ખરા.

ઉત્તરાખંડમાં ૧૧ દિવસ મોડી ઊજવાય 

સૌથી અનોખી દિવાળી ઉત્તરાખંડની પરંપરાઓમાં છે. ‘ઇગાસ’ અથવા ‘ઇગાસ બગ્વાલ!’ ગઢવાલ અને કુમાઉના કેટલાક વિસ્તારોમાં દિવાળીના અગિયાર દિવસ પછી આ પર્વને ઊજવવામાં આવે છે. સ્થાનિકો કહે છે કે, ભગવાન રામના અયોધ્યા પરત ફર્યાના સમાચાર પહાડી વિસ્તારોમાં અગિયાર દિવસ મોડા પહોંચ્યા હતા. તેથી અહીંના લોકોએ અગિયાર દિવસ પછી દિવાળી ઊજવી હતી. આ ઉજવણી તરીકે ઇગાસ બગ્વાલમાં તેમની ‘ભૈલો’ નામની લોકપરંપરા વિશેષ છે. લોકો દોરડામાં બાંધેલી લાકડીઓ અથવા અન્ય પરંપરાગત સામગ્રીને સળગાવી ગોળ-ગોળ ફેરવે છે. સાથે જ ઢોલ-દમાઉના તાલે લોકનૃત્ય અને સામૂહિક ઉજવણી થાય છે.

પંજાબમાં બંદી છોડ દિવસ 

ઉત્તર ભારતના પંજાબમાં સિખ-સમુદાય આ પર્વને ‘બંદી છોડ દિવસ’ તરીકે ઊજવે છે. આ દિવસને તેઓ છઠ્ઠા સિખગુરુ હરગોવિંદસાહેબજીની મુક્તિની યાદમાં ઊજવે છે. ગુરુ હરગોવિંદસાહેબજી ગ્વાલિયરના કિલ્લામાં કેદ હતા અને તેમની મુક્તિ સાથે જ અન્ય કેદ રાજાઓને પણ મુક્તિ મળી હતી. આ જ પ્રસંગની યાદમાં દિવાળી સમયે અમૃતસરનું સુવર્ણ મંદિર આખુંય દીવડાં અને રોશનીથી ઝળહળી ઊઠે છે. ગુરુદ્વારાઓમાં કીર્તન, પ્રાર્થના, લંગર અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સિખ ભાઈઓ દિવાળીને માત્ર પ્રકાશનું જ નહીં, પરંતુ સ્વતંત્રતા, ન્યાય અને માનવતાના પર્વ તરીકે ઊજવે છે.

હિમાચલ પ્રદેશમાં પથ્થર કા મેલા

દિવાળી પછીના દિવસે હિમાચલ પ્રદેશના શિમલા નજીક આવેલા હાલોગ ગામમાં ‘પથ્થર કા ખેલ’ અથવા ‘પથ્થર કા મેલા’ તરીકે એક જાહેર કાર્યક્રમ યોજાય છે. આ મેળો ધામીના જૂના રજવાડાની પરંપરા સાથે જોડાયેલો છે, જેમાં બે જૂથો સામસામે ઊભાં રહી એકબીજા પર પથ્થરો ફેંકે છે. સ્થાનિક લોકકથાઓ અનુસાર આ એક પ્રકારે દેવી કાળીની આરાધના સાથે સંકળાયેલી પરંપરા છે. સ્થાનિકો માને છે કે આ મેળામાં જો કોઈ વ્યક્તિને પથ્થર વાગવાથી લોહી નીકળે તો એ લોહી દેવીને તિલક સ્વરૂપે અર્પણ કરવામાં આવે. કહેવાય છે કે પહેલાંના સમયમાં આ પ્રથા નરબલિની હતી, એ જૂની પ્રથાનું સ્વરૂપ ધીરે-ધીરે બદલાતું ગયું અને એના વિકલ્પરૂપે પરંપરા પ્રચલિત થઈ.

culture news lifestyle news life and style india national news diwali new year festivals