સાંઈબાબા સુધીર દળવીને શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ કરશે ૧૧ લાખ રૂપિયાની મદદ

05 December, 2025 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીમાર પીઢ અભિનેતાને આર્થિક મદદની જરૂર છે એ ધ્યાનમાં લઈને બૉમ્બે હાઈ કોર્ટે આપી મંજૂરી

ઍક્ટર સુધીર દળવી

૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘શિર્ડી કે સાંઈબાબા’માં સાંઈબાબાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર સુધીર દળવી લાંબા સમયથી બીમાર છે અને સેપ્સિસ જેવા જીવલેણ ઇન્ફેક્શન સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હાલ તેમને સારવાર માટે આર્થિક સહાયની જરૂર છે. આ વાતને ધ્યાનમાં લઈને બૉમ્બે હાઈ કોર્ટે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટને પરવાનગી આપી હતી કે તેઓ સુધીર દળવીની સારવાર માટે ૧૧ લાખ રૂપિયા આપી શકે છે. થોડા સમય પહેલાં સુધીર દળવીના પરિવારજનોએ સારવારમાં મદદ માટે ૧૫ લાખ રૂપિયાની માગણી કરી હતી અને એ સમયે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર મદદ માટે આગળ આવી હતી. આ સમયે ટ્રસ્ટ તરફથી સુધીર દળવીની સારવાર માટે ૧૧ લાખ રૂપિયાની આર્થિક મદદની મંજૂરી લેવા માટે અરજી કરવામાં આવી હતી, કારણ કે જૂના આદેશ મુજબ ટ્રસ્ટને ખર્ચ માટે હાઈ કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે.

આ અરજી પર સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ વિભા કંકનવાડી અને ન્યાયમૂર્તિ હિતેન એસ. વેણેગાંવકરની બેન્ચે કહ્યું હતું કે ‘લોકોનો વિશ્વાસ અને સુધીર દળવી દ્વારા ભજવાયેલા પાત્રને ધ્યાનમાં રાખીને અભિનેતાને મદદ કરી શકાય છે. હાલમાં તેમને આર્થિક મદદની જરૂર છે. તેથી અમે ૧૧ લાખ રૂપિયાની સહાય માટે મંજૂરી આપીએ છીએ.’

સુધીર દળવીની પત્નીએ જણાવ્યું હતું કે હાલમાં તેમના પતિ સંપૂર્ણપણે પથારીવશ છે અને ઘરે બે કૅરટેકર તથા એક ફિઝિયોથેરપિસ્ટની મદદથી તેમની સંભાળ લેવાઈ રહી છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી સુધીર દળવીની સારવાર પર ૧૦ લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ખર્ચ વધતાં પરિવારે આર્થિક રીતે ભારે બોજ અનુભવ્યો હતો અને લોકોને સહાય માટે વિનંતી કરવી પડી હતી.

shirdi celeb health talk bombay high court maharashtra news religious places bollywood news bollywood gossips bollywood entertainment news