બાબિલે કરી દીધી મોટી બબાલ

06 May, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડને નકલી કહેતો તેનો વિડિયો વાઇરલ. બાબિલ ખાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ બાબિલ ખાનની ટીમ અને પરિવારે સ્પષ્ટતા કરી છે જેમાં કહેવામાં આવ્યું છે...

બાબિલ ખાનના વિડીયોનો સ્ક્રીનગ્રૅબ

ઇરફાન ખાનનો દીકરો બાબિલ ખાન એક વિવાદાસ્પદ વિડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે.  આ વિડિયોમાં બાબિલ ડિપ્રેસ હોય એવું લાગે છે. વિડિયોમાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડતો જોવા મળી રહ્યો છે અને આ હાલતમાં જ બૉલીવુડ-ઇન્ડસ્ટ્રી માટે અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યો છે. બાબિલનો વિડિયો સોશ્યલ-મીડિયામાં વાઇરલ બની ગયો છે. આ  વિડિયોમાં બાબિલ કહે છે કે ‘બૉલીવુડ ખૂબ જ અસંસ્કારી છે અને સૌથી નકલી છે. હું જેનો ભાગ રહ્યો છું એ સૌથી નકલી ઇન્ડસ્ટ્રી છે. અહીં કેટલાક લોકો એવા છે જે બૉલીવુડને વધુ સારું બનાવવા માગે છે. હું તમને ઘણુંબધું બતાવવા માગું છું. મારી પાસે તમને બતાવવા માટે ઘણુંબધું છે. હું કહેવા માગું છું કે તમારે જાણવું જોઈએ કે અહીં શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ પણ છે. અહીં ઘણાંબધાં નામ છે, બૉલીવુડ ખૂબ જ ગંદું છે, બૉલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.’

બાબિલનો આ વિડિયો વાઇરલ બનતાં જાત-જાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે હવે તેના અકાઉન્ટમાંથી વિડિયો દૂર કરી દેવામાં આવ્યો છે. બાબિલે તેનું અકાઉન્ટ પણ ડીઍક્ટિવેટ કરી દીધું હતું, પણ પછી તે પાછો ઇન્સ્ટાગ્રામ પર આવી ગયો હતો. આ વિડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો બાબિલ માટે ચિંતિત થઈ ગયા છે. ઘણા લોકો કહે છે કે બાબિલને શક્ય એટલી વહેલી તકે મદદ મળવી જોઈએ. કેટલાક લોકો તો આ વિડિયોને બાબિલની સુસાઇડ નોટ ગણાવીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

બાબિલની ટીમની સ્પષ્ટતા
બાબિલ ખાનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ બાબિલ ખાનની ટીમ અને પરિવારે સ્પષ્ટતા કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી બાબિલ ખાન તેના કામ માટે અને તેની માનસિક સ્થિતિ વિશે ખૂલીને વાત કરવા બદલ ચાહકો પાસેથી ઘણી પ્રશંસા અને પ્રેમ મેળવતો આવ્યો છે. બાબિલ અત્યારે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે પણ તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ટૂંક સમયમાં સારું અનુભવશે.

બાબિલનો વિડિયો ખોટા અર્થઘટન સાથે વાઇરલ થયો છે જેનો સંદર્ભ પણ બદલાઈ ગયો છે. હકીકતમાં બાબિલ વિડિયોમાં એમ કહેવા માગે છે કે બૉલીવુડમાં ઘણા એવા લોકો છે જે બૉલીવુડને વધારે સારું કરવા પ્રયાસરત છે. એ માટે તેણે કેટલાંક નામ પણ લીધાં, જેમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ, અર્જુન કપૂર અને અરિજિત સિંહનું નામ હતું, કારણ કે આ એવા લોકો છે જે પોતાના ઝનૂન, વિશ્વસનીયતા અને પ્રયત્નો દ્વારા ઇન્ડસ્ટ્રીની વિશ્વસનીયતાને પુન:સ્થાપિત કરી રહ્યા છે.

અમે મીડિયા પબ્લિકેશન્સ અને જાહેર જનતાને આદરપૂર્વક વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે સાંભળો અને જુઓ તો તમને સત્ય સમજાઈ જશે.’

babil khan irrfan khan arjun kapoor Ananya Panday arijit singh social media instagram viral videos bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news