19 November, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડણેકર
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મંગળવારે યોજાયેલા ‘ધ અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ્સ 2026’માં બૉલીવુડના જાણીતા કલાકારો, ફૅશન-ડિઝાઇનર્સ અને ગાયકોએ હાજરી આપીને સમારોહની શોભા વધારી હતી. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટની હાજરી વચ્ચે યોજાયેલા આ સમારોહમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, રકુલ પ્રીત સિંહ સહિત અનેક જાણીતી હસ્તીઓ ગ્રીન કાર્પેટ પર જોવા મળી હતી.
આ સમારોહનું સંચાલન કરણ જોહરે કર્યું હતું અને આલિયાએ પાંચમાંથી એક અર્થશૉટ અવૉર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે તેણે રિતુ કુમાર દ્વારા ડિઝાઇન કરેલું બ્લૅક અને ગોલ્ડન એમ્બ્રૉઇડરીવાળું સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું. સોનમે પણ અવૉર્ડ-પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો. તે લીલા રંગની સાડી અને ભારે એમ્બ્રૉઇડરીવાળા એમરલ્ડ જૅકેટમાં જોવા મળી હતી. આ સમારોહમાં શ્રેયા ઘોષાલે લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપ્યો હતો. આ સિવાય સંગીતકાર શાશ્વત સચદેવ અને મહિલા હિપ-હૉપ ગ્રુપ ‘વાઇલ્ડ વાઇલ્ડ વિમેન’એ પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. આ ખાસ ફંક્શનમાં રકુલ પ્રીત સિંહ, ખુશી કપૂર, ભૂમિ પેડણેકર, ઈશાન ખટ્ટર, મીરા રાજપૂત, મલાઇકા અરોરા, મૌની રૉય, ડાયના પેન્ટી, નિમ્રત કૌર, તમન્ના ભાટિયા, તૃપ્તિ ડિમરી તેમ જ શનાયા કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી.