✕

જેમની એક પહેલથી ગામડાનાં ઘરોની બહાર હવે બોર્ડ લગાડાય છે કે આ ઘરમાં ગાળો બોલાતી નથી : એક શિક્ષક ઐસા ભી

22 November, 2026 01:10 PM IST  |  Mumbai | Ruchita Shah

રૂઢિચુસ્ત પુરુષપ્રધાન માનસિકતા અને ધમકીઓ સામે ઝૂક્યા વિના સામાજિક પરિવર્તન લાવનારા હરિયાણાના શિક્ષક સુનીલ જગલાનના જીવનની અનોખી સફર પર એક નજર

હરિયાણાના શિક્ષક સુનીલ જગલાનના જીવનની અનોખી સફર પર એક નજર

જેમનું ‘સેલ્ફી વિથ ડૉટર’ અભિયાન એટલું વાઇરલ થયું કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં તેમની પ્રશંસા કરી અને એને વૈશ્વિક ચળવળ બનાવી દીધી. આજે આ અભિયાન વિશ્વના ૭૦થી વધુ દેશોમાં ફેલાયેલું છે. રૂઢિચુસ્ત પુરુષપ્રધાન માનસિકતા અને ધમકીઓ સામે ઝૂક્યા વિના સામાજિક પરિવર્તન લાવનારા હરિયાણાના શિક્ષક સુનીલ જગલાનના જીવનની અનોખી સફર પર એક નજર

‘૨૦૧૨માં જ્યારે મારી પત્ની દીપાએ દીકરી નંદિનીને જન્મ આપ્યો ત્યારે હૉસ્પિટલમાં લોકો અભિનંદન આપવાને બદલે મને સાંત્વન આપતા હતા. એક નર્સે આવીને કહ્યું કે ‘ચિંતા ન કરો સરપંચસાહેબ, બીજી વાર દીકરો થશે.’ આ શબ્દો મને ખૂબ વાગ્યા. એ જ ક્ષણે મેં આખી હૉસ્પિટલમાં મીઠાઈ વહેંચી અને નક્કી કર્યું કે મારી દીકરી પર આખો સમાજ ગર્વ કરે એવું વાતાવરણ બનાવીશ. ૨૦૧૫માં મેં દીકરી સાથે એક ફોટો અપલોડ કરીને સ્પર્ધા શરૂ કરી. જે મોબાઇલથી લોકો સમય બગાડે છે એ જ સ્માર્ટફોનને મેં સ્ત્રી-સન્માનનું હથિયાર બનાવ્યો.’

આ શબ્દો છે હરિયાણાના બીબીપુર ગામના ભૂતપૂર્વ સરપંચ અને જાણીતા સામાજિક કાર્યકર સુનીલ જાગલાનના. હરિયાણાનો જીંદ જિલ્લો અને એનું બીબીપુર ગામ એક સમયે કન્યા ભ્રૂણહત્યાના કલંકથી ઘેરાયેલું હતું. દર ૧૦૦૦ પુરુષો સામે માંડ ૮૭૩ મહિલાઓનો આંકડો હતો. ગામમાં યુવાનો માટે કન્યાઓ નહોતી મળતી અને ગરીબ રાજ્યોમાંથી કન્યાઓ ખરીદી લાવવી પડતી હતી. આવા માહોલમાં ગણિતના એક શિક્ષકે આખી સડેલી સામાજિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાનું સાહસ કર્યું. એક સાધારણ શિક્ષકમાંથી દેશના સૌથી ચર્ચિત સામાજિક પરિવર્તક બનવાની સુનીલ જાગલાનની યાત્રા ચોંકાવનારી છે. સેલ્ફી વિથ ડૉટર્સથી લઈને ગાલી બંધ ઘર અને પિરિયડ્સ ચાર્ટ જેવા દીકરીઓના સન્માનના અકલ્પનીય ઇનિશ્યેટિવ્સથી લઈને ઘર-પરિવારમાં બોલાતી ગાળો દૂર કરવા માટે તેમણે શરૂ કરેલાં અનોખાં અભિયાનો માત્ર ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે પ્રશંસા પામી રહ્યાં છે ત્યારે તેમની સાથે થયેલી વાતચીતના અંશો પ્રસ્તુત છે.

ગણિતના શિક્ષક સરપંચ બન્યા

ગણિતમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનનો અભ્યાસ પૂરો કરીને સુનીલ જાગલાન એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવી રહ્યા હતા. સુનીલભાઈ કહે છે, ‘મારા પિતાજી શિક્ષક હતા અને ઘરમાં શિક્ષણનું વાતાવરણ હતું. હું ક્લાસમાં બેસીને છોકરાઓને ગણિતના દાખલા શીખવતો હતો, પણ જ્યારે ગામમાં નીકળું ત્યારે ગણિત ઊંધું દેખાતું હતું. ગામમાં છોકરાઓ માટે વહુઓ નહોતી મળતી. બિહાર અને આસામથી ગરીબ દીકરીઓને ખરીદીને લાવવામાં આવતી. ૨૦૧૦માં ગામના યુવાનોએ મને પંચાયતની ચૂંટણી લડવા પ્રેર્યો. વડીલો કહેતા કે માસ્તર રાજનીતિમાં શું કરશે? જોકે ૨૮ વર્ષની ઉંમરે ગ્રામજનોએ મને સરપંચ તરીકે ચૂંટી કાઢ્યો.’

સરપંચ બન્યા પછી તેમણે જોયું કે ગામમાં પંચાયત ભવન હોય કે ઘરનું આંગણું; સ્ત્રીઓને ક્યાંય બોલવાની તો શું, માથા પરથી લાજ કાઢ્યા વગર પગ મૂકવાની પણ મનાઈ હતી. સુનીલભાઈએ પહેલું કામ ગ્રામસભામાં મહિલાઓની ભાગીદારી ફરજિયાત કરવાનું કર્યું.

દીકરી સાથે સેલ્ફી

૨૦૧૨ની ૨૪ જાન્યુઆરીએ સુનીલભાઈના ઘરે પ્રથમ સંતાન તરીકે દીકરીનો જન્મ થયો. એ ક્ષણ તેમના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ. સુનીલ જાગલાન એ દિવસને યાદ કરતાં ગળગળા થઈને કહે છે, ‘હૉસ્પિટલમાં મારી દીકરી જન્મી ત્યારે લોકો પેંડા વહેંચવાને બદલે મને સાંત્વન આપવા લાગ્યા. એક નર્સે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે કંઈ વાંધો નહીં સરપંચસાહેબ, ચિંતા ન કરો; બીજી વાર ભગવાન દીકરો આપશે! આ શબ્દો મારા કાળજામાં તીરની જેમ ખૂંપી ગયા. મેં વિચાર્યું કે જે સમાજમાં એક માસૂમ ફૂલના આગમન પર માતમ જેવો માહોલ સર્જાતો હોય ત્યાં સ્ત્રીઓ કેવી નરક જેવી જિંદગી જીવતી હશે?’

૨૦૧૫માં તેમણે દીકરી નંદિનીને ખોળામાં બેસાડીને સેલ્ફી લીધી અને સોશ્યલ મીડિયા પર નાનકડી સ્પર્ધા શરૂ કરી, ‘સેલ્ફી વિથ ડૉટર’. શ્રેષ્ઠ તસવીર મોકલનાર પિતાને ગ્રામપંચાયત તરફથી ઇનામ આપવાની જાહેરાત કરી. જોતજોતામાં હરિયાણાના પિતાઓ પોતાની દીકરીઓ સાથે હસતા ચહેરે ફોટો પાડવા લાગ્યા. વાત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી. વડા પ્રધાને ‘મન કી બાત’માં સુનીલ જાગલાનની ભરપૂર પ્રશંસા કરી અને આ ઝુંબેશને વૈશ્વિક આંદોલન બનાવી દીધું. સિલિકૉન વૅલીમાં માર્ક ઝકરબર્ગની સામે પણ આ પહેલનો ઉલ્લેખ થયો. સ્માર્ટફોનની એક સામાન્ય ક્લિક પિતૃસત્તાક માનસિકતા પર હથોડો બનીને ત્રાટકી.

સ્માર્ટ વિલેજ : ગામોને દત્તક લઈને સુધારાનો સિલસિલો અકબંધ

સુનીલ જાગલાનનું મૉડલ માત્ર એક ગામ પૂરતું મર્યાદિત ન રહેતાં રાષ્ટ્રીય સ્તરે ગામડાંઓના સમૂહને બદલવાનું મોટું માધ્યમ બન્યું. ૨૦૧૬માં રાષ્ટ્રપતિભવન પ્રોજેક્ટ હેઠળ હરિયાણાના ગુરુગ્રામ, મેવાત, પલવલ અને ફરીદાબાદ જિલ્લાનાં ૧૦૦ ગામોને ‘સ્માર્ટ વિલેજ’ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યાં. આ ગામોમાં સુનીલ જાગલાને માત્ર ભૌતિક વિકાસ એટલે કે રસ્તાઓ, પાણી, વીજળી જ નહીં; ‘સામાજિક સ્માર્ટનેસ’ લાવવા પર ભાર મૂક્યો. આ ગામોમાં કન્યા ભ્રૂણહત્યાનાબૂદી, મહિલા સાક્ષરતા, સરકારી બેઠકોમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અને ‘સેલ્ફી વિથ ડૉટર’ અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યું.

રાષ્ટ્રપતિભવન પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તેમણે પોતાના સેલ્ફી વિથ ડૉટર ફાઉન્ડેશન દ્વારા દેશનાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં જુદાં-જુદાં રાજ્યોનાં અતિ પછાત એવાં ૫૧ ગામો દત્તક લેવાનું શરૂ કર્યું. આ ૫૧ ગામોમાં ગામનાં તમામ ઘરો પર માત્ર દીકરીઓ અને મહિલાઓના નામની નેમપ્લેટ લગાવી. આખા ગામને મહિલાઓ પ્રત્યેના અપશબ્દોથી મુક્ત જાહેર કરવું તથા ગ્રામીણ દીકરીઓ માટે હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને કમ્પ્યુટરથી સજ્જ ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરવી જેથી તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), બૅન્કિંગ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પોતાના ગામમાં રહીને જ કરી શકે. કન્યા ભ્રૂણહત્યા સંપૂર્ણપણે અટકાવીને જન્મદરમાં સ્ત્રી-પુરુષ સમાનતા લાવવી જેવા ફેરફાર આવી રહ્યા છે.

ગાલી બંધ ઘર

સુનીલ જાગલાન માત્ર સેલ્ફી સુધી ન અટક્યા. ૨૦૨૦-’૨૧ના અરસામાં તેઓ ગામમાં દીકરીઓ સાથે વાત કરતા હતા ત્યારે એક કિશોરીએ પૂછ્યું, ‘અંકલ, ઘરમાં પુરુષો ઝઘડે ત્યારે મા-બહેનની ગાળો કેમ બોલે છે? અમારો વાંક શું?’ આ વેધક પ્રશ્ને જન્મ આપ્યો ‘ગાલી બંધ ઘર’ અભિયાનને. સુનીલભાઈ કહે છે, ‘સાચું કહું તો વર્ષો પહેલાં હું પણ ગાળો બોલતો. ગાળો બોલવી આપણા માટે ખૂબ સહજ હોય છે. આપણે ત્યાં ગુસ્સો વ્યક્ત કરવાનો સીધો રસ્તો સ્ત્રીના શરીર અને તેના ચરિત્ર પર પ્રહાર કરવાનો છે. મનમાં થયું કે ગાળો હું નહીં બોલું. એ દરમ્યાન અમારા ઘરમાં ગાળોનો પ્રયોગ કરવો હોય તો આવવું નહીં એવું પણ બોર્ડ મારી દીધું. આ રીતે ‘ગાલી બંધ ઘર’નો પાયો નખાયો. સ્કૂલમાં બાળકોને શીખવતો કે ગાળો નહીં બોલવી.’

ગાળ બોલશો તો ૫૦૦ રૂપિયાનો દંડ. યસ, કંઈક આવો કાયદો સરપંચ બનેલા સુનીલભાઈએ ગામમાં લાગુ કર્યો હતો. તેઓ કહે છે, ‘અમે ગામડે-ગામડે જઈને ઘરો પર ‘ગાલી બંધ ઘર’નું બોર્ડ લગાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં ગામના વડીલો કહેતા કે સરપંચ ગાંડો થયો છે, અમારી જબાન પર પહેરો બેસાડશે? મેં તેમને મોઢા પર કહ્યું કે કોઈની મા-બહેનને ગાળ આપવી એ મર્દાનગી નથી, જ્યારે ઘરમાં ભાષા ગંદી હશે તો સંસ્કાર સારા ક્યાંથી આવશે? અમે મહિલાઓને હિંમત આપી. આજે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં સેંકડો ગામોમાં આ બોર્ડ લાગેલાં છે. ગાળો બંધ થશે તો જ વિચારો શુદ્ધ થશે. લોકોને સમજાવ્યા, લોકોના ગળે વાત ઊતરી અને ગાળો બોલવાનું ઓછું થયું. ઘણાં બાળકોએ પોતાના ઘરની બહાર અમારે ત્યાં ગાળો નથી બોલાતી એવાં બોર્ડ લગાવી દીધાં. લગભગ ૨૦,૦૦૦ રૂપિયા પેનલ્ટીરૂપે ભેગા થયા હતા. એ એક વર્ષમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું.’

જોખમ પણ ઉઠાવ્યું

એ જ રીતે સુનીલભાઈએ ‘લાડો સ્વાભિમાન’, ‘મહિલા ખાપ પંચાયત’, ‘ડિજિટલ લાડો’, ‘બાલિકા પંચાયત’ અને ‘પિરિયડ્સ ચાર્ટ’ જેવાં ૧૦૦થી વધુ અભિયાનો પોતાના ખર્ચે અને લોકસહયોગથી સફળ બનાવ્યાં. આ પરિવર્તનની સફર પડકારોથી ભરેલી હતી. સુનીલભાઈ કહે છે, ‘તમે જ્યારે સદીઓ જૂની ગંદકી સાફ કરવા નીકળો ત્યારે છાંટા તમારા પર ઊડે જ. મને ખાપ પંચાયતોમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મળી. ગામનાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ મારા પર જીવલેણ હુમલા કરાવ્યા, મારી કારના કાચ ફોડી નાખ્યા અને મારા પરિવારને ડરાવવાનો પ્રયાસ કર્યો. મારી પત્ની અને માતા ઘણી વાર રડી પડતાં કે આ બધું છોડી દો, પણ મેં ગાંધી અને આંબેડકરને વાંચ્યા હતા. મેં લડવાને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો. હું એ જ વિરોધ કરનારા વડીલોના પગ પકડીને બેસી જતો અને પૂછતો કે ચાચા, જો દીકરીઓ જ નહીં રહે તો તમારી વંશવેલો કોણ ચલાવશે, ઘર કોણ સાચવશે? ધીમે-ધીમે એ કઠણ હૃદયના બુઝુર્ગોની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યાં અને વિરોધ સમર્થનમાં બદલાયો.’

કેટલાક અનોખા ઇનિશ્યેટિવ્સ

 AI સેલ્ફી વિથ ડૉટર : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને તેમણે ‘AI સેલ્ફી વિથ ડૉટર’ ટૂલ વિકસાવ્યું છે જેના દ્વારા પિતા અને દીકરીનો સામાન્ય ફોટો અપલોડ કરવાથી AI તે દીકરીને ભવિષ્યમાં ડૉક્ટર, વૈજ્ઞાનિક, આર્મી ઑફિસર કે પાઇલટ બનવાના વિઝ્યુઅલ લુકમાં ઢાળીને આપે છે, જેથી વાલીઓમાં દીકરીના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે પ્રેરણા જાગે.

 દીકરીઓના નામની નેમપ્લેટ : ‘લાડો સ્વાભિમાન’ નામના આ ઇનિશ્યેટિવમાં ભારતીય ગામડાંઓમાં ઘરો માત્ર પરિવારના વરિષ્ઠ પુરુષોના નામે જ ઓળખાતાં હતાં. બીબીપુર ગામથી તેમણે ઘરના મુખ્ય દરવાજેથી પુરુષોનાં નામો હટાવીને ઘરની દીકરીઓ કે માતાઓનાં નામની પિન્ક કલરની નેમપ્લેટ લગાવવાની શરૂઆત કરી. મહિલાઓને ઘરમાં પોતાની આગવી ઓળખ અને માલિકીહકનો અહેસાસ થયો. આજે હજારો ગામોમાં આ મૉડલ અપનાવવામાં આવ્યું છે.

 પ્રથમ મહિલા ખાપ પંચાયત : ઉત્તર ભારત અને હરિયાણામાં ખાપ પંચાયતો સંપૂર્ણપણે પુરુષપ્રધાન હતી અને મહિલાઓને ત્યાં જવાનો કે નિર્ણય લેવાનો અધિકાર નહોતો. ૨૦૧૨માં સુનીલ જાગલાને સદીઓ જૂની પરંપરા તોડીને બીબીપુર ગામમાં માત્ર મહિલાઓની વિશાળ ખાપ પંચાયત બોલાવી. આ પંચાયતમાં કન્યા ભ્રૂણહત્યાને હત્યા જેટલો જ ગંભીર ગુનો ગણવાનો ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યે અને મહિલાઓને સામાજિક નિર્ણયો લેવાની સત્તા મળી.

 પિરિયડ્સ ચાર્ટ : ગામડાંઓમાં માસિક ધર્મને પાપ, અછૂત કે શરમનો વિષય ગણવામાં આવતો હતો. તેમણે ઘરોની દીવાલો પર પિરિયડ ચાર્ટ લગાવવાનું શરૂ કર્યું, જેથી ઘરના સભ્યોને કિશોરીઓ અને મહિલાઓની શારીરિક તારીખોની જાણકારી રહે અને તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. આનાથી માસિક ધર્મ પ્રત્યેનો સંકોચ દૂર થયો, સૅનિટરી પૅડ્સના ઉપયોગ પ્રત્યે જાગૃતિ આવી અને મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો થયો.

 બાલિકા પંચાયત અને ડિજિટલ
લાડો : કિશોરીઓને નાની વયથી જ નેતૃત્વ અને ટેક્નૉલૉજી ક્ષેત્રે સક્ષમ બનાવવી. ‘બાલિકા પંચાયત’માં ૧૦ વર્ષથી ૨૧ વર્ષની છોકરીઓ પોતાની પંચાયત ચૂંટે છે અને બાળવિવાહ તથા શિક્ષણ જેવા પ્રશ્નો પર જાતે નિર્ણયો લે છે. ‘ડિજિટલ લાડો’ હેઠળ ગામની દીકરીઓને કમ્પ્યુટર, કોડિંગ અને ડિજિટલ માર્કેટિંગની તાલીમ આપવામાં આવે છે.

 AI ફ્રેન્ડ્લી પંચાયત મૉડલ : ગ્રામીણ પંચાયતોમાં ડિજિટલ સાક્ષરતાની સાથે સરપંચો અને સભ્યો AI ટૂલ્સનો ઉપયોગ કરીને ગ્રામ વિકાસ યોજનાઓ, અંદાજપત્રો અને સરકારી યોજનાઓની માહિતી ઝડપથી મેળવી શકે એ માટે તેમણે પ્રાયોગિક ધોરણે ગામડાંઓમાં ટ્રેઇનિંગ શરૂ કરી છે.

 બાલિકા પંચાયતનું દેશવ્યાપી વિસ્તરણ : હરિયાણામાં સફળ રહેલા ‘બાલિકા પંચાયત’ મૉડલને ગુજરાતનાં કચ્છ અને અન્ય રાજ્યોમાં પ્રસારિત કરવામાં તેમણે નીતિગત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જ્યાં કિશોરીઓ પોતાની પંચાયત ચલાવીને બાળવિવાહ અટકાવવા અને ડ્રૉપઆઉટ રેટ ઘટાડવા કામ કરે છે.

 લાડો પુસ્તકાલય : દત્તક લીધેલાં ગામડાંઓમાં દીકરીઓ માટે ગામની વચ્ચે અલાયદી ડિજિટલ અને પુસ્તક લાઇબ્રેરીઓ ઊભી કરી રહ્યા છે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી ગ્રામીણ કન્યાઓને સુરક્ષિત વાતાવરણ મળે.

 ગાલી બંધ ઘર ઝુંબેશ : ભારતનાં ૪ રાજ્યો ઉપરાંત નેપાલના ગ્રામીણ વિસ્તારોમાં પણ ‘ગાલી બંધ ઘર’ અને મહિલા સન્માન માટે સ્થાનિક પંચાયતો સાથે સંકલન સાધી રહ્યા છે.

 પ્રોફેસર ઑફ પ્રૅક્ટિસ તરીકે
નિમણૂક : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો હેઠળ રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU) દ્વારા સુનીલ જાગલાનને તેમના જમીની અનુભવના આધારે પંચાયતી રાજ અને સોશ્યલ વર્ક વિભાગમાં ‘પ્રોફેસર ઑફ પ્રૅક્ટિસ’ તરીકે માનદ સ્થાન આપવામાં આવ્યું છે.

 યુનિસેફ સાથે ભાગીદારી : યુનિસેફ સાથે મળીને ઉત્તર ભારતમાં ‘ચાઇલ્ડ ઍન્ડ વુમન ફ્રેન્ડ્લી ગ્રામપંચાયત’ (બાળ અને મહિલા સ્નેહી પંચાયત)ના નિર્માણ માટે તેમને મુખ્ય રિસોર્સ પર્સન અને ઍડ્વાઇઝર તરીકે જોડવામાં આવ્યા છે.

 ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) તરફથી સન્માન : ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત QCI દ્વારા ચલાવવામાં આવતી ‘સરપંચ સંવાદ’ પહેલમાં તેમને દેશભરના સરપંચોને પ્રેરણા આપવા માટે નૅશનલ મેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

 વૉટર પંચાયત : ભૂગર્ભ જળસ્તર સુધારવા અને ગામનાં પ્રાકૃતિક તળાવો-કૂવાઓનું પુનર્જીવન કરવાના આશયથી તેમણે બીબીપુર અને આસપાસનાં ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મૉડલ પૉન્ડ્સ તૈયાર કર્યાં, જેના પરિણામે જળસંકટ ઘટ્યું. બીજાં ગામોમાં પણ એ શરૂ થયું.

અનેક સિદ્ધિઓ

સુનીલ જાગલાનના નેતૃત્વ હેઠળ બીબીપુર પંચાયતને ભારત સરકાર તરફથી ‘રાષ્ટ્રીય પંચાયત સશક્તીકરણ પુરસ્કાર’ અને એક કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીએ તેમને રાષ્ટ્રપતિભવનમાં બોલાવીને ‘સ્માર્ટ ગ્રામ યોજના’ના સલાહકાર બનાવ્યા અને હરિયાણાનાં ૧૦૦ ગામોને દત્તક આપ્યાં. યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ તેમની કામગીરીને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી. નેપાલ સરકારે કાઠમાંડુમાં કન્યા અધિકાર અભિયાન શરૂ કરવા સુનીલભાઈને વિશેષ નિમંત્રણ આપ્યું.

આજે સરપંચપદ પરથી મુક્ત થયા પછી પણ સુનીલ જાગલાન ‘સેલ્ફી વિથ ડૉટર ફાઉન્ડેશન’ દ્વારા દિવસ-રાત ગામડે-ગામડે ફરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પદ આવે અને જાય, વિચાર ક્યારેય નિવૃત્ત થતો નથી. હું કોઈ સરકારી ગ્રાન્ટ કે મોટા NGOના ભરોસે નથી જીવતો. જ્યાં સુધી આ દેશના દરેક ઘરના દરવાજે ‘ગાલી બંધ ઘર’નું બોર્ડ નહીં લાગે અને દરેક પિતા દીકરીના જન્મે ગર્વથી થાળી નહીં વગાડે ત્યાં સુધી હું અટકવાનો નથી’

haryana columnists Education gujarati mid day lifestyle news life and style ruchita shah